અમદાવાદ: ગુજરાતમાં ટૂંક સમયમાં ચિત્તાનું આગમન થશે. જે બાદ રાજ્યમાં સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા એમ ચારેયની હાજરી જોવા મળશે. રાજ્યમાં ચિત્તાને લાવવા નેશનલ ટઈગલ કન્ઝર્વેશન ઓથોરિટીએ મંજૂરી આપી છે. કચ્છના બન્ની વિસ્તારમાં ચાર ચિત્તાને લાવવા લીલી ઝંડી આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારના અંતિમ નિર્ણય બાદ બે નર અને બે માદા ચિત્તા જુલાઈ અથવા ઓગસ્ટમાં આવી પહોંચશે.
12 ચિત્તાને લાવવાની યોજના
આ પગલાને વન્યજીવનની એક સીમાચિહ્નરૂપ ઘટના તરીકે જોવામાં આવે છે. મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્ક પછી ગુજરાતને ચિત્તાઓનું બીજું ઘર બનાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ આગમનના એક વર્ષમાં કુલ 12 ચિત્તાઓને બન્નીમાં લાવવાનું આયોજન છે, જે મહત્વાકાંક્ષી પુનઃ વસવાટ પ્રયાસો માટે પ્લેટફોર્મ પૂરું પાડશે.
થોડા દિવસોમાં ચિત્તાનું થશે આગમન
રાજ્યનું વન વિભાગ દ્વારા ચિત્તાના આગમનને લઈ યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી રહ્યું છે. NTCAની એક ટીમે તાજેતરમાં બન્નીમાં બે દિવસ વિતાવીને વસવાટની યોગ્યતા, એન્ક્લોઝરની તૈયારી, પશુચિકિત્સા વ્યવસ્થા અને પ્રાણીઓના આગમન માટેની લોજિસ્ટિક્સની સમીક્ષા કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ગુજરાતમાં ચિત્તાના આગમનની તારીખ નક્કી કરશે. થોડા જ દિવસોમાં રાજ્યમાં ચિત્તા આવી પહોંચશે તેવી અમને આશા છે.
કેન્યાથી લાવવામાં આવશે ચિત્તા
ગુજરાતના ચિત્તાઓ કેન્યાથી લાવવામાં આવશે, જે મધ્ય પ્રદેશના નામિબિયન ચિત્તાઓ કરતા અલગ આનુવંશિક અને પર્યાવરણીય વંશાવળી ધરાવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ચિત્તાઓ પહેલા ભુજ આવશે અને પછી તેમને ભારતના પ્રથમ ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર એવા બન્ની ફેસિલિટી ખાતે લઈ જવામાં આવશે. અહીં, તેમના માટે બનાવેલા એન્ક્લોઝરમાં છોડતા પહેલા લગભગ એક મહિના માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવશે.
ચિત્તા માટે શું છે ખાસ વ્યવસ્થા
કુલ 500 હેક્ટરનો મુખ્ય એન્ક્લોઝર કેન્યાના સમૃદ્ધ સવાન્ના જેવા ખુલ્લા વસવાટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેથી અનુકૂલન અને સંવર્ધન બંનેમાં મદદ મળશે. સૂત્રોએ જણાવ્યું કે નામિબિયન ચિત્તાઓ ખાનગી ખેતરો અને સૂકા, વિખરાયેલા લેન્ડસ્કેપ્સમાં ફરે છે, જ્યારે બન્ની તેમના માટે શ્રેષ્ઠ વસવાટની પસંદગી છે. ચિત્તાઓ બહાર ન નીકળી જાય અને અન્ય મોટા માંસાહારી પ્રાણીઓ અંદર પ્રવેશીને લડાઈ ન કરે તે માટે આશરે 9,830 મીટરની સીમા પર મજબૂત તાર ફેન્સિંગ કરવામાં આવ્યું છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, આ મોટા એન્ક્લોઝર મોડેલનો ગુજરાતના દેવળિયા સફારી પાર્કમાં શાનદાર અનુભવ છે. ત્યાં સિંહ સંરક્ષણ સંવર્ધન માટે વિશાળ સુરક્ષિત જગ્યાનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.
બ્રીડિંગ સેન્ટરને ચિત્તાની વૃત્તિઓ અને વર્તનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં નર અને માદા માટે અલગ-અલગ એન્ક્લોઝર, માદા માટે ગુફા અને બચ્ચા ઉછેરવા માટેનું કેપ્સ્યુલ, નર અને માદા દ્વારા વૈકલ્પિક ઉપયોગ માટે વધારાની ચેમ્બર અને વેટરનરી ઝોન હશે.
સૂત્રોના કહેવા મુજબ સંવર્ધનની સફળતા માટે શરૂઆતમાં નર અને માદાને અલગ રાખવા મહત્વપૂર્ણ છે. કુદરતી પ્રણય અને સંવનન માટે માનવીય હસ્તક્ષેપ વિનાના ખુલ્લા આઇસોલેશન એન્ક્લોઝર પણ બનાવવામાં આવી રહ્યા છે. પાયાની કામગીરી આગળ વધી રહી છે અને કેન્દ્રીય મંજૂરી મળી ગઈ હોવાથી, ગુજરાત હવે એક સીમાચિહ્નરૂપ વન્યજીવન ઘટનાની તૈયારી કરી રહ્યું છે. દેશમાં બન્ની કુનો પછી દેશનું બીજું મુખ્ય ચિત્તાનું રહેઠાણ બની શકે છે.