Mon Aug 17 2026

Logo

મધ્યપ્રદેશમાં નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે 100થી વધુ મુસાફરો સાથે સ્ટીમર ખોટવાયું, અનેકના જીવ તાળવે ચોંટ્યો

2026-08-16 12:00:00
Author: Vimal Prajapati
Article Image

ભોપાલ: મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક અને ભયાનક ઘટના સામે આવી છે. ચંબલ નદી પાર કરી રહેલું એક સ્ટીમર અચાનક નદીના વચગાળાના પ્રવાહમાં બંધ પડી ગયું હતું. નદીમાં પાણીનું ઊંડાણ અને પ્રવાહ અત્યંત તેજ હોવાને કારણે આ સ્ટીમર પાણીના બહાવા સાથે તણાવા લાગ્યું છે, જેના કારણે તેમાં સવાર 100થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

મળતી વિગતો મુજબ, રવિવારે સવારે આશરે 9:30 વાગ્યે આ સ્ટીમર મુરેના જિલ્લાના નગરા સાહસપુરા ઘાટથી ઉત્તર પ્રદેશના કેલા ઘાટ તરફ જવા રવાના થયું હતું. સ્ટીમરમાં 100થી વધુ મુસાફરો અને 50થી વધુ બાઇક મુકેલા છે. સ્ટીમરમાં સવાર મોટાભાગના મુસાફરો કાવડયાઓ છે, જેઓ ઉત્તર પ્રદેશના બટેશ્વરા ખાતે કાવડ ચઢાવવા જઈ રહ્યા હતા. નગરા ઘાટથી ઉપડ્યા બાદ સ્ટીમર જેવું નદીની અધવચ્ચે પહોંચ્યું કે અચાનક તેનું એન્જિન બંધ થઈ ગયું હતું.

ડીઝલ ખતમ થઈ જવાથી એન્જિન બંધ પડ્યું હોવાની આશંકા

એન્જિન બંધ થતા સંચાલકોએ તેને ચાલુ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી ન હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડીઝલ ખતમ થઈ જવાથી એન્જિન બંધ પડ્યું હોવાની આશંકા છે. સ્ટીમરમાં સવાર લોકોએ ફોન કરીને પોતાના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરી હતી, જેના કારણે ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો છે.

જોતજોતામાં અડધા કલાકની અંદર જ સ્ટીમર ગાયબ

નગરા સાહસપુરા ઘાટ પર ઊભેલા અન્ય યાત્રીઓએ સ્ટીમરને 2 કિલોમીટરથી વધુ અંતર સુધી નદીના તેજ પ્રવાહમાં વહેતું જોયું હતું. જોતજોતામાં અડધા કલાકની અંદર જ સ્ટીમર લોકોની નજર સામેથી ઓઝલ થઈ ગયું હતું. સ્ટીમર તણાઈ જવાની સૂચના મળતા જ સ્થાનિક પોલીસ અને વહિવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી દીધી હતી.