Fri Jul 24 2026

Logo

આગ લાગ્યાની ઘટના બાદ કેડિલા ફાર્માના અંકલેશ્વર યુનીટને ક્લોઝર નોટિસ

2026-05-12 15:31:22
Author: Pooja Shah
Article Image

Cadila Pharmaceuticals


અમદાવાદઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા કેડિલા ફાર્માસ્યુટિકલ્સના એમપીપી-2પ્લાન્ટમાં સોમવારે મોટી આગ અને વિસ્ફોટથી ઔદ્યોગિક પટ્ટામાં ગભરાટ ફેલાયો હતો, જેમાં બે કામદાર ગંભીર રીતે દાઝી ગયા હતા અને અધિકારીઓએ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુનીટનું કામકાજ બંધ કરવા ક્લોઝર નોટિસ આપી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, કંપનીની ઉત્પાદન સુવિધામાં સોડિયમ કાર્બોનેટ લોડિંગ પ્રક્રિયા દરમિયાન આ ઘટના બની હતી. અચાનક થયેલા વિસ્ફોટ અને ત્યારબાદ આગ લાગી હતી, જેના કારણે ફરજ પરના બે કામદારો આગમાં ફસાઈ ગયા હતા. બંને કામદારોને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને પછી તેમને અદ્યતન સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટની અસર ગંભીર હોવાના કારણે જીઆઈડીસી પોલીસ, ફાયર અને સેફ્ટી ટીમો અને ફોરેન્સિક નિષ્ણાતો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જીઆઈડીસી પોલીસના અધિકારીઓએ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ના અન્ય અધિકારીઓ સાથે, સ્થળની મુલાકાત લીધી હતી અને વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા માટે ટેકનિકલ તપાસ શરૂ કરી હતી.

અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું આ ઘટના ઔદ્યોગિક અકસ્માતને કારણે થઈ હતી કે સલામતી પ્રોટોકોલમાં સંભવિત ખામીઓને કારણે થઈ હતી. આ સાથે સોડિયમ કાર્બોનેટ લોડિંગ કામગીરી દરમિયાન યોગ્ય સંચાલન પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું અને શું કામદારોને પૂરતા સલામતી સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા કે નહીં તે મામલે પણ તપાસ થશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

આ ઘટના બાદ, ભરૂચ ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગે કંપનીને ક્લોઝર નોટિસ જારી કરી હતી અને તાત્કાલિક અસરથી પ્લાન્ટમાં કામગીરી સ્થગિત કરવાનો આદેશ આપ્યો હોવાની માહિતી અહેવાલો દ્વારા મળી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો તપાસમાં ઔદ્યોગિક સલામતી ધોરણોનું ઉલ્લંઘન અથવા મેનેજમેન્ટ તરફથી બેદરકારી જણાશે તો કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, તેમ પણ અધિકારીઓએ જણાવ્યું હતું.