Fri Jul 24 2026

Logo

બુલેટ ટ્રેન વળતરકૌભાંડ: ભાગીદારે જ મિત્રતામાં દગો કરી કચ્છી અગ્રણીના ₹3.56 કરોડ ઓળવી લીધા, અબડાસાના શખસ સામે મુંબઈમાં ફરિયાદ

2026-04-10 14:23:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ભારત સરકારના મહત્વાકાંક્ષી 'બુલેટ ટ્રેન' પ્રકલ્પમાં જમીન સંપાદન હેઠળ મળવાપાત્ર કરોડો રૂપિયાનું વળતર હડપ કરી લેવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈના નાયગાંવ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, એક કચ્છી વેપારીએ પોતાના જ ભાગીદાર સામે રૂા. ૩.૫૬ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરાવ્યો છે. આ બનાવને પગલે મુંબઈ અને કચ્છના ભાનુશાલી સમાજમાં ચકચાર મચી ગઈ છે.

શું છે મામલો

મૂળ અબડાસા તાલુકાના મોટી વમોટી ગામના અને હાલ મુંબઈ સ્થિત જમીન લે-વેચના વ્યવસાયી પદમશી કલ્યાણજી ગજરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૧૧માં તેઓ અબડાસા તાલુકાના તેરા ગામના હરીશ રામજી ભાનુશાલીના સંપર્કમાં આવ્યા હતા. બંનેએ ભાગીદારીમાં કંપની બનાવી મુંબઈના પોમન અને શિલોત્તર જેવા વિસ્તારોમાં બિનખેતી તથા પ્લોટિંગ વગરની જમીનોના વેપારનો વ્યવસાય શરૂ કર્યો હતો. વર્ષ ૨૦૧૪માં તેઓએ પોમન ખાતે 'શ્રી રોયલ ઇન્ડસ્ટ્રીયલ હબ' નામે ઓફિસ બનાવી કાર્ય શરૂ કર્યું હતું.

વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન એવી માહિતી મળી હતી કે, સરકારના અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે તેમની ભાગીદારીવાળી જમીન સંપાદિત કરવામાં આવશે. લેન્ડ રેકોર્ડ ઓફિસની માપણી બાદ બંને ભાગીદારો વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે, જમીન અને બાંધકામ પેટે સરકાર જે વળતર આપે તે ભાગીદારીના કરાર મુજબ વહેંચી લેવું. જોકે, આ દરમિયાન આરોપી હરીશ ભાનુશાલીએ મિલકત સંમતિ વિતરણપત્રનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું હતું. 

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હરીશે વર્ષ ૨૦૨૧માં ઘરભાડું અને લાઈટ બિલ પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધા હતા. વધુમાં, સરકાર પાસેથી મોટું વળતર મેળવવા માટે બે માળની ઈમારત હોવા છતાં ત્રણ માળની ઈમારતના ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભા કર્યા હતા. આ પુરાવાઓના આધારે તેણે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન પાસેથી રૂા. ૩,૫૬,૭૬,૬૩૩ની વળતરની રકમ બારોબાર પોતાના બેંક ખાતામાં મેળવી લીધી હતી અને ફરિયાદી પદમશીભાઈને તેમનો હિસ્સો ન આપી છેતરપિંડી આચરી હતી.

અત્રે એ નોંધનીય છે કે, ફરિયાદી પદમશીભાઈ ગજરા કચ્છી ભાનુશાલી મહાજનના અગ્રણી અને જાણીતા દાતા છે. એક કચ્છી અગ્રણી સાથે થયેલી આ કરોડોની છેતરપિંડીના સમાચાર વહેતા થતા જ્ઞાતિ સ્તરે પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હાલ નાયગાંવ પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)