Tue Sep 22 2026

Logo

ભારતની મોટી કૂટનીતિક જીત! BRICSના ઘોષણાપત્રમાં પહલગામ હુમલાની નિંદા સાથે તમામ દેશ સહમત

2026-09-12 18:17:37
Author: Mumbai Samachar Team
ભારતની મોટી કૂટનીતિક જીત! BRICSના ઘોષણાપત્રમાં પહલગામ હુમલાની નિંદા સાથે તમામ દેશ સહમત

નવી દિલ્હીઃ ભારત બ્રિક્સ સમિટની યજમાની કરી રહ્યું છે. તા. 12 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં ડિક્લેરેશન 2026ને સર્વસંમતિથી મંજૂરી આપી દેવામાં આવી છે. બ્રિક્સના જાહેરનામામાં ભારતની કુટનીતિની એક મોટી જીત થઈ છે. વૈશ્વિક મંચ પરથી વડા પ્રધાન મોદીએ સંબોધન કરીને વિશ્વના અનેક દેશના વડાનો આભાર વ્યક્ત કર્યો અને માનવ વિકાસને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતા પ્રયાસને લઈ હાંકલ કરી છે. બ્રિક્સના જાહેરનામામાં ભારતની કુટનીતિક જીત થઈ છે. જેમાં પહલગાંવ આતંકી હુમલાની નિંદા કરવામાં આવી છે. બ્રિક્સના ડિક્લેરેશનમાં આતંકવાદ પર ઝીર ટોલરન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, આતંકવાદને કોઈ રીતે સ્વીકારવામાં આવશે નહીં. 

40માં નંબરના પાને કરાયો છે ઉલ્લેખ

જાહેરનામાના 40માં નંબરના પાના પર આતંકી હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અમે આતંકવાદના કોઈ પણ કૃત્યની નિંદા કરીએ છીએ, કોઈ પણ પરિસ્થિતિમાં આતંકવાદ યોગ્ય નથી. પછી એની પાછળ કોઈપણ હેતું કેમ ન હોય? ક્યાંય પણ હોય અથવા કોઈના પણ દ્વારા હોય, તા.22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરીએ છીએ, જેમાં 26 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અમે આતંકવાદના કોઈપણ સ્વરૂપને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છીએ. ચીન, રશિયા સહિત બ્રિક્સના તમામ દેશે પહલગાંવ હુમલાની નિંદા કરી છે. જાહેરનામામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તમે કોઈપણ વ્યક્તિની ધર્મ જોઈને હત્યા કરી શકતા નથી. આમ કહીને પાકિસ્તાન પર આરોપ મૂકતા વાત કહી હતી. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનિરે હિન્દો પર થયેલા હુમલાને લઈને વાંધાજનક વાત કહી હતી. આ હુમલો થયો એની પહેલા જ એમનું આ નિવેદન સામે આવ્યું હતું. 

મહત્ત્વના મુદ્દાનો સમાવેશ કરાયો

બ્રિક્સના ડિક્લેરેશનમાં એવું કહેવામાં આવ્યું છે કે,અમે બ્રિક્સ (BRICS) ના આતંકવાદ-વિરોધી કાર્યકારી જૂથ (CTWG) અને તેના પાંચ પેટા-જૂથોની પ્રવૃત્તિઓનું સ્વાગત કરીએ છીએ. આતંકવાદ-વિરોધી પ્રયાસોને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા રાખીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો, બ્રિક્સ દેશો હવે CTWG દ્વારા આતંકવાદને ડામવા માટે આગળ વધશે. BRICSને અગાઉ મુખ્યત્વે એક આર્થિક ગઠબંધન તરીકે જોવામાં આવતું હતું. 

હવે તે ભૂમિકાથી આગળ વધીને, ખાસ કરીને આતંકવાદ-વિરોધી બાબતોમાં સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ બન્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)માં આતંકવાદ-વિરોધી મુદ્દો કેવી રીતે ઉઠાવવો તેના પર ભાર મૂકવામાં આવ્યો છે, ખાસ કરીને પહેલગામ હુમલા જેવા કૃત્યોમાં સંડોવાયેલા આતંકવાદીઓના સંદર્ભમાં. એવો અભિગમ અપનાવવામાં આવ્યો છે કે, આતંકવાદને નાણાકીય મદદ પૂરી પાડનારાઓને ખતમ કરીને જ ન્યાય મેળવી શકાય છે. આ મુદ્દાનો BRICSના ઘોષણાપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે.