Fri Oct 02 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 21 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-21 06:58:03
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 21 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-21 22:13:15

કોલકાતા હાઈકોર્ટે મમતા બેનર્જીને રાહત આપી, ટીએમસીના ત્રણ બેંક એકાઉન્ટ સંચાલિત કરી શકશે

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના બે જૂથો વચ્ચે પક્ષના નામ અને ચૂંટણી ચિહ્ન બાબતે ચાલી રહેલી રાજકીય અને કાનૂની લડાઈ વચ્ચે, મમતા બેનર્જીના જૂથને કોલકાતા હાઈકોર્ટે રાહત આપી છે. જેમાં મમતા બેનર્જી ટીએમસીના ત્રણ બેંક એકાઉન્ટના સંચાલન કરવાની વચગાળાની વ્યવસ્થા યથાવત રાખી છે.

2026-09-21 21:39:00

અંબાજી જતા પદયાત્રીઓ પર ઇડર નજીક કાર ફરી વળી, એકનું મોત 12 ઘાયલ

ગુજરાતના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે શ્રદ્ધાળુઓ પગપાળા પ્રયાણ કરી રહ્યા છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના ઇડર-હિંમતનગર  હાઇવે પર શ્રદ્ધાળુઓને એક કારે ટક્કર મારી હતી. જેમાં એક શ્રદ્ધાળુ પદયાત્રીનું અવસાન થયું છે. જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સાંપડી છે.

2026-09-21 20:32:42

બદલાપૂરમાં વિદ્યાર્થીનું ડેમમાં ડૂબી જવાથી મોત

થાણે જિલ્લાના બદલાપુરમાં ૧૮ વર્ષનો વિદ્યાર્થી તરવા માટે એક ડેમમાં ગયો ત્યાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હોવાની દુર્ઘટના બની હતી.  પોલીસના જણાવ્યાં મુજબ મૃતકની ઓળખ સ્વયમ સોનાવણે તરીકે થઈ છે. મૃતક તેના પરિવારને જાણ કર્યા વગર તેના મિત્ર સાથે ડેમમાં તરવા માટે ગયો હતો પણ તેને તરતા આવડતું ન હોવાને કારણે તે ડેમમાં ડૂબી ગયો હતો. રવિવારે મોડી સાંજે તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો. પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો હતો.

2026-09-21 19:37:24

ગૂગલ પર યુઝર્સ લોકેશન ડેટાની પ્રાઈવસી ભંગ બદલ 403 મિલિયન યુરોનો દંડ

ગૂગલ પર યુઝર્સ લોકેશન ડેટાની પ્રાઈવસી નિયમોના ભંગ બદલ 403 મિલિયન યુરોનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ અંગે આયર્લેન્ડ નિયામકે ગૂગલની લોકેશન-સંબંધિત સેવાઓની તપાસ બાદ આ પગલું ભર્યું છે.

2026-09-21 18:55:56

રામ મંદિર દાન ચોરી કેસમાં SIT બે દિવસમાં ચાર્જશીટ દાખલ કરશે, સીસીટીવીમાં 105 વખતે ચોરીની ઘટના કેદ

અયોધ્યા રામ મંદિરના દાન ચોરી કેસમાં એસઆઇટી બે દિવસમાં ચાર્જશીટ દાખલ કરશે. આ અંગે ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે, તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં 105 વખત ચોરીની ઘટના જોવા મળી છે. તેમજ તપાસ પૂર્ણ જાહેર કરવામાં આવી છે.

2026-09-21 18:06:26

ભારતીય સેનાની ટેન્કોની તાકાત વધારશે, સ્વદેશી APU માટે 586 કરોડની ડીલ

ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા દેશની સુરક્ષા માટે અત્યા આધુનિક હથિયારો અને ટેક્નોલોજીની ખરીદી કરવામાં આવી રહી છે. જે દરમિયાન આર્મીને વધુ મજબૂત કરવાના હેતુથી સંરક્ષણ મંત્રાલયે T-72 અને T-90 ટેન્કો માટે સ્વદેશી ઓક્ઝિલરી પાવર યુનિટ્સ (APUs)ખરીદવા  રૂપિયા 586 કરોડનો કરાર કર્યો છે.

2026-09-21 16:59:33

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 20 ઓકટોબરથી મુક્ત વેપાર કરાર અમલી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેપારને વેગ આપવા મહત્વપૂર્ણ કરાર અમલી થવા જઇ રહ્યો છે. જેમાં 20 ઓકટોબર અને દશેરાના દિવસથી બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર(FTA) અમલી બનશે. જેના લીધે કાર અને ઓટો પાર્ટસના ભાવમાં ઘટાડો થશે.

2026-09-21 15:36:40

બિહારમાં કરમ પર્વ દરમિયાન મોટી દુર્ઘટના, છ બાળકોના ડૂબી જવાથી મોત

બિહારના ભાગલપુરમાં કરમ પર્વ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં કર્મા-ધર્મા' પૂજા કરવા બાળકો તળાવમાં સ્નાન કરવા ગયા હતા. ત્યારે સ્નાન કરતી વખતે છ બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. જેમાં ત્રણ બાળકી અને ત્રણ બાળકો હતા.

2026-09-21 14:49:44

રાજકોટ ટ્રાફીક પોલીસનો સપાટો :  નંબરપ્લેટ ન હોય તેવા 147 વાહનો કર્યા ડિટેઇન

શહેરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે રાજકોટ ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે હાથ ધરેલી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન નંબર પ્લેટ વગર દોડતા તેમજ નિયમ મુજબની માન્ય નંબર પ્લેટ ન ધરાવતા વાહનો સામે આકરી કાર્યવાહી કરી કુલ 147 વાહનો ડિટેઇન કર્યા છે. ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને સર્કલો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, અધૂરા નંબર લખેલા વાહનો કે નંબર પ્લેટ જ ન હોય તેવા વાહનચાલકો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પર જ વાહનો જપ્ત કરી કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.

2026-09-21 12:31:54

ગુજરાતમાં ફરી બોમ્બની ધમકી

ગુજરાત પ્રદેશ ભાજપ અને અમદાવાદ શહેરના ખાનપુર ભાજપ કાર્યાલય સહિત સોમનાથ મંદિર, કોબા કાર્યાલય અને ભાજપ સેન્ટ્રલ ઓફિસને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેને લઈ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ છે. થોડા દિવસ પહેલા રાજકોટ કોર્ટને પણ આવી ધમકી આપવામાં આવી હતી.

2026-09-21 09:05:47

સવારે 6 થી8 કલાકમાં એક પણ તાલુકામાં વરસાદ નહીં

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ રાજ્યમાં સવારે 6 થી 8ના સમયગાળા દરમિયાન એક પણ તાલુકામાં વરસાદ વરસ્યો નથી. આ પહેલા છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

2026-09-21 08:09:49

સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી થતા 11 લોકોના મોત

સુદાનમાં ફરી એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા સાત દિવસમાં આ બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. સુદાનમાં સોનાની ખાણ ધરાશાયી થઈ ગઈ છે. સોનાની ખાણ ધરાશાયી થતાં કુલ 11 લોકોના મોત થયાં છે. જ્યારે 30 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. જ્યારે અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયાં હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે. આ લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

2026-09-21 07:37:17

24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 4.13 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલમાં 3.62 ઇંચ, માણાવદરમાં 2.80 ઇંચ, જૂનાગઢમાં 2.36 ઇંચ વરસાદ વરસ્યો હતો.