Fri May 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 15 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-15 08:32:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-03-15 22:09:09

યુપીમાંથી પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, ઇરમ નામની મહિલાની ધરપકડ

ઉત્તર પ્રદેશમાંથી  એક મોટા પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે. ગાઝિયાબાદ પોલીસે સંભલથી ઇરમ નામની એક મહિલાની ધરપકડ કરી છે. જેના પર દિલ્હીમાં સંવેદનશીલ સંરક્ષણ સ્થળોના સ્થળો, ફોટોગ્રાફ્સ અને વીડિયો એકત્ર કરવાનો આરોપ છે.

2026-03-15 21:26:02

ઈઝરાયલના પીએમ જીવિત છેઃ વીડિયો જારી

ઈઝરાયલ-ઈરાન વચ્ચેના વધતા ઘર્ષણ વચ્ચે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુના માર્યા જવાના અહેવાલ વચ્ચે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને પોતે જીવિત હોવાનો પુરાવો આપ્યો છે. અગાઉ ઈઝરાયલના પીએમઓ તરફથી પણ પીએમ માર્યા જવાની ખબરોને ફગાવી દેવામાં આવી હતી.

2026-03-15 20:55:06

આસામની ચૂંટણીનું આઈપીએલ પર સંકટ?

આસામમાં નવમી એપ્રિલના વિધાનસભા ચૂંટણીને કારણે આઈપીએલના કાર્યક્રમ પર અસર પડી શકે. ગુવાહાટી બરસાપારામાં રમાનારી રાજસ્થાન રોયલ્સની ત્રણ મેચ 30 માર્ચ, સાત એપ્રિલ અને 10 એપ્રિલના છે, પરંતુ નવમી એપ્રિલની ચૂંટણીને કારણે આઈપીએલનો કાર્યક્રમ બદલાવવાની નોબત આવી શકે.

2026-03-15 20:46:56

9/11 જેવો આતંકી હુમલો થઈ શકેઃ ઈરાનનો નવો દાવો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાન તરફથી નવો દાવો કરવામાં આવ્યો છે કે એપસ્ટીન નેટવર્ક સાથે સંકળાયેલા અમુક લોકો અમેરિકા પર 9/11 જેવો આતંકવાદી હુમલો કરી શકે અને એનો આરોપ ઈરાન પર લગાવી શકે.

2026-03-15 18:32:16

13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાની ઈચ્છામૃત્યુની પ્રકિયા શરુ

પંજાબમાં વર્ષ 2013માં અકસ્માતનો ભોગ બનેલા અને 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાની દિલ્હી એઈમ્સમાં ઈચ્છામૃત્યુની પ્રકિયા શરુ કરવામાં આવી છે. 32 વર્ષના હરીશ રાણાને લઈને તેમનો પરિવાર ગઈકાલે એઈમ્સ પહોંચ્યો હતો. હરીશ રાણાની ઈચ્છામૃત્યુની અરજીને  સુપ્રીમ કોર્ટે મંજુરી આપી છે.

2026-03-15 17:43:53

ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે મહાભિયોગ પ્રસ્તાવ મુદ્દે મૌન સેવ્યું

ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષે સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યો છે. ત્યારે આજે રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની તારીખની જાહેરાત વખતે તેમને મહાભિયોગ પ્રસ્તાવ અંગે સવાલ પુછવામાં આવ્યો હતો. જોકે, તેમણે આ મુદ્દે મૌન સેવ્યું હતું.

2026-03-15 17:05:01

ચીને ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધારી, જેટ ફયુલના સપ્લાઈને અટકાવ્યો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા દરમિયાન હવે ચીને ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. જેમાં ચીને ઓસ્ટ્રેલિયા કરવામાં આવતા જેટ ફયુલના સપ્લાઈને રોકી દીધો છે. કારણ કે ઓસ્ટ્રેલિયા પોતે જ જેટ ફયુલ નિર્મિત નથી કરતું તે અન્ય દેશો પાસેથી આયાત કરે છે. જેમાં ચીન પાસેથી 32 ટકા જેટ ફયુલ આયાત કરે છે.

2026-03-15 16:48:12

પાંચ રાજ્યમાં 25 ઈલેક્શન ઓફિસર તહેનાત રહેશે

સીઈસી જ્ઞાનેશ કુમારે કહ્યું કે ચાર રાજ્ય સહિત એક કેન્દ્ર શાસિત પ્રદેશની ચૂંટણી માટે 25 લાખ અધિકારીને તહેનાત કરવામાં આવશે. સુરક્ષા માટે 8.5 લાખ સુરક્ષા દળના કર્મચારી તહેનાત, જેમાં 2.18 લાખ પોલિંગ બુથ તૈયાર કરવામાં આવશે.

2026-03-15 16:41:37

પાંચ રાજ્યની ચૂંટણીની તારીખ જાહેર

ચૂંટણી પંચે પશ્ચિમ, કેરળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલના બે તબક્કામાં ઈલેક્શન યોજવામાં આવશે, જ્યારે આસામ, કેરળ, પુડુચેરીના નવમી એપ્રિલ અને તમિલનાડુમાં 23 એપ્રિલના મતદાન યોજવામાં આવશે. ચારેય રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચોથી મેના એકસાથે મતગણતરી થશે.

2026-03-15 16:30:15

પાંચ રાજ્યમાં નિષ્પક્ષ ચૂંટણી યોજવાનું આશ્વાસન

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે ચાર રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં 17 કરોડથી વધુ મતદાર ભાગ લેશે. પાંચેય રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે યોજવાનું આશ્વાસન પણ આપ્યું.

2026-03-15 16:24:23

અમેરિકા- ઈરાન યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજારમાં અફડાતફડી, ટોચની 10 કંપનીઓના 4.48 કરોડ ઘોવાયા

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં 41 ટકાનો વધારો થયો છે. તેની સાથે સાથે ભારતીય શેરબજારમાં તેની અસર જોવા મળી છે. આ અંગે મળતી માહિતી મુજબ સેન્સેક્સની ટોચની 10 કંપનીઓના માર્કેટ વેલ્યુમાં 4.48 કરોડનો ઘટાડો થયો છે.

2026-03-15 16:19:13

પાંચ રાજ્યમાં 17 કરોડથી વધુ વોટર્સ કરશે મતદાન

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યના કુલ 17.4 કરોડ મતદાર વોટિંગ કરશે, જ્યારે 2.19 લાખ મતદાન કેન્દ્ર હશે. 25 લાખ ઈવીએમ મશીનના માધ્યમથી 824 વિધાનસભાની બેઠક પર ચૂંટણી કરવામાં આવશે.

2026-03-15 16:17:45

5 રાજ્યના ઈલેક્શનની જાહેરાત માટે ચૂંટણી પંચની કોન્ફરન્સ શરુ

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ સહિત પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી ઈલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ શરુ. પશ્ચિમ બંગાળમાં સાત મે, તમિલનાડુ 10 મે, આસામમાં 20 મે, કેરળમાં 30 મે અને પુડુચેરીમાં 15 જૂનના વિધાનસભાની ટર્મ પૂરી થશે.

2026-03-15 15:52:44

ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં 1100 કરોડ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ પટ્ટીના બે આદિવાસી જિલ્લાઓ પંચમહાલ અને દાહોદ માં એક જ દિવસમાં 1100 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.

2026-03-15 15:51:37

મિડલ ઈસ્ટમાં તણાવ યથાવત, ભારતીય દુતાવાસે એડવાઈઝરી જાહેર કરી

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આ યુદ્ધની અસર હવે વિધાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે. આ આ સીબીએસઇ અને જીસીસીએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે 15 માર્ચના રોજ એક સરક્યુલર જાહેર કર્યો છે. આ એડવાઇઝરી બહેરીન, ઈરાન, કુવેત, ઓમાન, કતર, સાઉદી અરેબિયા અને યુએઈ માટે જાહેર કરી છે.

2026-03-15 12:35:13

રામનવમી પૂર્વે રામમંદિરમાં નવા નિયમો

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોની સતત વધતી સંખ્યા અને આગામી રામનવમીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. નવી માર્ગદર્શિકા પ્રમાણે રામ જન્મભૂમિ સંકુલમાં મોબાઈલ ફોન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત અંગત સુરક્ષાકર્મીને સંકુલની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. સંકુલની અંદર લાઇસન્સવાળી રિવોલ્વર, બંદૂક કે તલવાર જેવા કોઈપણ ઘાતક હથિયારો લઈ જવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.

2026-03-15 10:33:25

આજે વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર થઇ શકે છે

આ વર્ષે આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. ભારતનાં ચૂંટણી પંચ આજે રવિવારે બપોરે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, આ દરમિયાન ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે.

2026-03-15 10:09:33

LoC પર પાકિસ્તાની આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. 14 અને 15 માર્ચની મધ્યરાત્રિએ બુચ્છાર વિસ્તારમાં નિયંત્રણ રેખા (LoC) પર ઘૂસણખોરી કરી રહેલા એક પાકિસ્તાની આતંકીને સુરક્ષાદળોએ અથડામણમાં ઠાર માર્યો છે. માર્યા ગયેલા આતંકી પાસેથી પિસ્તોલ અને મોટા પ્રમાણમાં ગોળા-બારૂદ સહિતનો જથ્થો મળી આવ્યો છે.

2026-03-15 09:45:51

પાંચ રાજ્યોની ચૂંટણીની આજે થઈ શકે છે જાહેરાત

તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થવાની શક્યતા છે. ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યા પછી એક પ્રેસ કોન્ફરન્સમાં તારીખોની જાહેરાત કરી શકે છે.

2026-03-15 08:34:33

ટ્રમ્પની ધમકીનો ઈરાને વળતો જવાબ આપ્યો

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સનસનાટીભર્યો દાવો કર્યો છે કે અમેરિકી હુમલામાં ઈરાનનો વ્યૂહાત્મક રીતે મહત્વનો ખાર્ગ ટાપુ (Kharg Island)નો મોટાભાગે નાશ પામ્યો છે. ટ્રમ્પે અત્યંત આક્રમક અંદાજમાં ચેતવણી આપી હતી. જે બાદ ઈરાને વળતો પ્રહાર કર્યો હતો. ઈરાને યુએઈ (UAE), બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવી મિસાઈલ અને ડ્રોનનો વરસાદ કર્યો છે. આ હુમલાઓને પગલે સમગ્ર મધ્ય પૂર્વમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

2026-03-15 08:34:06

રાજકોટમાં સૌથી વધુ 38.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન

છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં સૌથી વધુ 38.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 38 ડિગ્રી સેલ્સિયસ,  ડીસામાં 37.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 37.5 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 37.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 37 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 35.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.