Fri Jul 24 2026

Logo

કચ્છને રાજધાની દિલ્હી સાથે જોડતી વધુ એક ટ્રેનની ભેટ: ભુજ-દિલ્હી નવી ટ્રેનને અંજારમાં સ્ટોપેજ અપાશે

2026-04-11 11:59:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: ભુજથી દેશની રાજધાની દિલ્હી વચ્ચે વાયા રાજસ્થાન નવી રાત્રિકાલીન ટ્રેન શરૂ કરવાની દરખાસ્તને મંજૂરી મળતા હવે કચ્છના વિકાસને નવી ગતિ મળશે. મહત્વની બાબત એ છે કે, અંજારના લોકોની વર્ષો જૂની માંગણીનો સ્વીકાર કરીને આ નવી ટ્રેનને અંજાર રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અંજાર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા અંજાર આઈડેન્ટિટી મિશન દ્વારા લાંબા સમયથી નવી ટ્રેનોને અંજારમાં સ્ટોપેજ આપવા રજૂઆતો કરવામાં આવતી હતી. ભુજ-દિલ્હી ટ્રેનના સ્ટોપેજની જાહેરાત થતા જ અંજારના વેપારી મંડળો અને નાગરિકોમાં હર્ષની લાગણી છવાઈ છે. આ સુવિધાથી વેપાર-ઉદ્યોગ અને પર્યટનને મોટો લાભ થશે. કચ્છ માટેના આ મહત્વના નિર્ણયને વધાવતા અંજાર ચેમ્બરના પ્રમુખ રશ્મિનભાઈ પંડ્યા, માનદ મંત્રી વસંતભાઈ કોડરાણી, તેમજ અંજાર આઈડેન્ટિટી મિશનના એલ.વી. વોરા અને ભરતભાઈ ઠક્કરે રેલવે તંત્ર અને લોકપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અંજાર સ્ટેશન શહેરના મધ્ય ભાગમાં હોવાથી મુસાફરો માટે ખૂબ જ અનુકૂળ રહે છે. આ સફળતા બાદ, અંજારથી પસાર થતી અન્ય મહત્વની ટ્રેનોને પણ અહીં સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ સંસ્થાઓ દ્વારા પુનઃ દોહરાવવામાં આવી છે.

(ઉત્સવ વૈદ્ય)