જોખમી જાહેર કરાયેલી બિલ્ડિંગ ધરાશાયી, હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
મુંબઈ/ભિવંડી: મહારાષ્ટ્રના થાણે જિલ્લા સ્થિત ભિવંડીના બાલાજી નગરમાં આવેલા જર્જરિત બિલ્ડિંગ મોડી રાત્રે અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ચાર માળની ‘કોહિનૂર બિલ્ડિંગ’ ધરાશાયી થવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 9 થયો છે. ગુરુવારે મોડી રાત્રે આશરે 11.20 વાગ્યે બાલાજી નગર વિસ્તારમાં આવેલી ઈમારતની ‘બી વિંગ’નો મોટો હિસ્સો ધરાશાયી થયો હતો. કાટમાળ નીચે હજુ બે-ત્રણ લોકો ફસાયેલા હોવાની આશંકા વચ્ચે એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક પ્રશાસનની ટીમો દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.
આ પ્રકરણે માહિતી આપતા ઠાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે રાત્રે 11થી 11.30 વાગ્યાની વચ્ચે ભિવંડીની ચાર માળની કોહિનૂર બિલ્ડિંગની ‘બી વિંગ’નો એક હિસ્સો અચાનક ધરાશાયી થયો હતો. ઈમારતમાં કુલ 48 રૂમ હતા અને દરેક માળે 12 રૂમ હતાં. દુર્ઘટના પહેલાં જ ઈમારતમાંથી તિરાડ પડવાના અને તૂટવાના અવાજો આવવા લાગ્યા હતા.
આ ઈમારતમાં કુલ 48 રૂમ હતા અને દરેક માળે 12 રૂમ હતાં. મહત્વની બાબત એ છે કે ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકાએ ઈમારતને અગાઉથી જ જર્જરિત અને જોખમી જાહેર કરી હતી. તેમ છતાં ઘટનાના સમયે ઈમારતમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું. દુર્ઘટના પહેલાં રાત્રે 8 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચે રહેવાસીઓને ઈમારતમાંથી તિરાડ પડવાના અને તૂટવાના અવાજ સંભળાયા હતા ત્યાર બાદ સ્થાનિકોએ અનેક પરિવારોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. જોકે કેટલાક લોકો બહાર નીકળે તે પહેલાં જ ‘બી વિંગ’ ધરાશાયી થઈ ગઈ હતી.
દુર્ઘટનાની ગંભીરતા જોતા એનડીઆરએફ સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા કાટમાળ હટાવી ફસાયેલા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. શરૂઆતમાં સાતથી 8 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા હતી. બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 9 મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે કેટલાક લોકો હજુ ફસાયેલા હોવાની શક્યતા હોવાથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.
સુરક્ષાના નિયમોનું પાલન થયું કે નહીં તેની તપાસ થશે
મુખ્ય પ્રધાન ફડણવીસે ભિવંડીની આ દુર્ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ઘટનામાં જવાબદાર લોકો સામે તાત્કાલિક FIR નોંધવા અને કડક કાયદેસરની કાર્યવાહી કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. ઈમારત જોખમી જાહેર કરાઈ હોવા છતાં તેમાં સમારકામ કેમ ચાલી રહ્યું હતું અને સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે નહીં, તે અંગે પણ તપાસનો દોર શરૂ થયો છે.
જર્જરિત ઈમારતમાં સમારકામ દરમિયાન બનેલી આ દુર્ઘટનાએ ભિવંડીમાં જૂની અને જોખમી ઈમારતોની સુરક્ષા અંગે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ દુર્ઘટનાનું ચોક્કસ કારણ અને જવાબદારી નક્કી કરવા માટેની તપાસ વધુ મહત્વની બનશે.
સ્થળ પર એનડીઆરએફની ટીમો તહેનાત
દરમિયાન, કાટમાળ નીચે હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા હોવાથી બચાવ કામગીરી સતત ચાલી રહી છે. NDRF સહિતની ટીમો અત્યાધુનિક સાધનોની મદદથી કાટમાળ હટાવીને સંભવિત બચી ગયેલા લોકોની શોધ કરી રહી છે. સ્થળ પર એનડીઆરએફની ટીમો સાથે ભિવંડી ફાયર બ્રિગેડ, ભોઈવાડા પોલીસ સ્ટેશન, સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ અને ડોગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવ્યા છે.
કાટમાળ હટાવીને બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે બે એમ્બ્યુલન્સ અને JCB મશીન પણ ઘટનાસ્થળે મુકવામાં આવ્યા છે. બચાવ ટીમો કાટમાળના એક-એક હિસ્સાની તપાસ કરી સંભવિત રીતે ફસાયેલા લોકોને શોધી રહી છે.
દુર્ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે અને ઈમારતને જોખમી જાહેર કર્યા બાદ પણ ત્યાં સમારકામ અને રહેઠાણ ચાલુ રહેવા અંગે અનેક સવાલો ઊભા થયા છે. તેમજ પાલિકાની કાર્યપ્રણાલી પર પણ સવાલ ઉભા થયા છે .
મૃતકોના પરિવારજનોને મોદીની 2 લાખની સહાય
ભિવંડી બિલ્ડિંગ દુર્ઘટનામાં જાન ગુમાવનાર લોકોના પરિવારજનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી ₹ 2 લાખની એક્સ-ગ્રેશિયા સહાય જાહેર કરી છે. આર્થિક સહાય મૃતકોના નજીકના પરિવારજનોને આપવામાં આવશે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને પણ 50000 રૂપિયાની રાહત વડા પ્રધાનના ફંડમાંથી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જવાબદારો સામે એફઆઈઆર કરોઃ ફડણવીસ
ભિવંડીની દુર્ઘટના અંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જવાબદાર લોકો સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવાના આદેશ આપ્યા છે. તેમણે દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. જર્જરિત જાહેર થયેલી ઈમારતમાં સમારકામ કેવી રીતે ચાલી રહ્યું હતું તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે.