ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજામાં સોની દંપતિની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસ તપાસના અંતે સોની દંપતિનું મોત આગમાં સળગી જવાથી નહીં પણ દોરી વડે ગળું દબાવવાથી થયું હોવાનું ખૂલ્યું હતું. આ હત્યાના ષડયંત્રને પુત્ર અને પુત્રવધૂએ અન્ય બે લોકો સાથે મળીને રચ્યું હતું. જેમાં રાજકોટ અને વિસાવદરથી આવેલા રીઢા ગુનેગાર મુનિર હમીદ બલોચ, આમિરખાન આદમખાન લોધી પઠાણ હોવાનું માલુમ પડ્યું હતું. તળાજા શહેરમાં વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ કાર્યવાહી જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા.
રિકન્સ્ટ્રક્શનને ઓન કેમેરા કરાવવામાં આવ્યું
પોલીસ કસ્ટડીમા રહેલા ચારેય આરોપીઓ ઉપરાંત પોલીસ કાફલો, એફ.એસ.એલની ટીમ અને સરકારી પંચોની રૂબરમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર વી.આર.વાળા એ પોલીસ સ્ટેશનથી નીકળ્યા ત્યારથી તે છેક હત્યારાઓએ કેવો પ્લાન ઘડ્યો હતો તે બધી જ બાબતોના રિકન્સ્ટ્રક્શનને ઓન કેમેરા કરાવવામાં આવ્યું હતું. જેમાં પહેલા ભાડૂતી હત્યારાઓએ સાસુને વોશરૂમમાં લઈ જઇ બાથરૂમનું બારણું બંધ કરી દીધું હતું. ત્યાર બાદ પથારીમા સુતેલા સસરા કિશોરભાઈની આંખમાં મરચાની ભૂકી છાંટી દોરી વડે ગળાપચી દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ સાસુ રેખાબેને બાથરૂમમાંથી બહાર કાઢી રૂમમાં લઈ જઈ ગળુ દબાવીને પછાડી દીધા હતા. તેમની ઉપર જ બેસી જઇ ગળા ફરતે દોરી વીંટાળી ખેંચીને હત્યા નિપજાવી હતી.
19 એપ્રિલે સોની દંપતિની અર્ધ સળગેલી લાશ મળી આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર તળાજાના રામટેકરી વિસ્તારમાં રહેતા કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેમની પત્ની રેખાબેનની ગત 19 એપ્રિલની રાત્રે તેમના જ ઘરમાં અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. શરૂઆતમાં આગથી મોત થયું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો કે કિશોરભાઈનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે રેખાબેનની પણ અન્ય રીતે હત્યા કરાઈ હતી.
પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા
હત્યાનું કારણ દંપતીના રાજકોટમાં રહેતા પુત્ર વિમલે ભારે દેવુ થઈ ગયું હતું. તે દેવામાંથી છુટવા માટે પુત્ર અને પુત્રવધૂ હેતલ વારંવાર પિતાને પૈસા માટે દબાણ કરતો હતો. મકાન, દુકાન અને ઘરેણાં વેચવાની માંગણીને લઈને પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હતા. જેથી આર્થિક લાલચ અને મિલકત મેળવવાની ઇચ્છાએ તેને આ હત્યાનો માર્ગ અપનાવવા પ્રેર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે હત્યા કરવા આવનાર બંને ઈસમોને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
(અમારા પ્રતિનિધિ દ્વારા)