Wed Aug 26 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડ: મુખ્ય સૂત્રધારો સહિત ૧૩ આરોપીઓની અટકાયત; વરતેજના પીઆઈ એસ.બી. પઢેરીયા સસ્પેન્ડ

2026-08-20 18:34:26
Author: Pooja Shah
ભાવનગર લઠ્ઠાકાંડ: મુખ્ય સૂત્રધારો સહિત ૧૩ આરોપીઓની અટકાયત; વરતેજના પીઆઈ એસ.બી. પઢેરીયા સસ્પેન્ડ

ભાવનગરઃ  શહેર અને જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બનેલા લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) ની ટીમે સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે ભાવનગરમાં લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બની છે. આ કેસમાં કાર્યવાહી તેજ કરતા પોલીસે ઘટનામાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા ૧૩ જેટલા આરોપીઓની અટકાયત કરી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

​પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ ચર્ચિત કેસમાં કુલ ૨૧ વ્યક્તિઓ સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે પૈકી એસએમસીની સ્પેશિયલ ટીમે સઘન દરોડા પાડીને ૧૩ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઝડપાયેલા આરોપીઓમાં ગૌતમ, સારસ, જતીન, ધર્મેન્દ્રસિંહ, મંદીપસિંહ, પારસ, જયદીપ, ભાર્ગવ, વિવેક, હર્ષ, કેવલ, સુખદેવ અને હાર્દિકનો સમાવેશ થાય છે.

​ગંભીરતાપૂર્વક હાથ ધરાયેલી પૂછપરછ દરમિયાન આ સમગ્ર નેટવર્કના મુખ્ય સૂત્રધાર તરીકે રઈસ અને ગૌતમના નામો ખુલીને સામે આવ્યા છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય સૂત્રધાર રઈસ અને નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે 'ડોક્ટર' બંને જણા ઝેરી અને ડુપ્લિકેટ દારૂ બનાવવાની કેમિકલ ફોર્મ્યુલા સારી રીતે જાણતા હતા અને તેના આધારે જ આ કાળો કારોબાર ચલાવતા હતા. 

​બીજી તરફ, લઠ્ઠાકાંડ માટે ઉપયોગમાં લેવાયેલું રો-મટીરીયલ (કાચો માલ) ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવ્યું હતું તે મૂળ સુધી પહોંચવા માટે એસએમસીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ રો-મટીરીયલના સ્ત્રોત શોધવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દિલ્હી, મધ્યપ્રદેશ અને હરિયાણા સહિતના રાજ્યોમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને સઘન તપાસ ચલાવી રહી છે.

​આ ઉપરાંત, શાતિર આરોપી રઈસ અગાઉ ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં આવેલો છે અને રાજ્યમાં અન્ય ક્યાંય આવું નેટવર્ક કાર્યરત છે કે કેમ, તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં આ કાંડમાં વધુ કેટલાક મોટા ખુલાસાઓ અને વધુ ધરપકડો થાય તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

દરમિયાન વરતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. (પીઆઈ) સામે સસ્પેન્શનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે સન્નાટો છવાઈ ગયો હતો. 

​પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ભાવનગરના નકલી દારૂકાંડની ગંભીરતાને ધ્યાને રાખીને ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ અસારી દ્વારા આ મામલે તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. જે સંદર્ભે આજે બપોરે રેન્જ આઈ.જી. દ્વારા તાત્કાલિક અસરથી વરતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.બી. પઢેરીયાને ફરજ પ્રત્યેની બેદરકારી અને આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.