રાજકોટ: જૂનાગઢમાં સોપારી ખાવાની બાબતમાં પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ પતિએ ઉશ્કેરાઈને પત્નીને બેફામ માર માર્યો હતો. જેના કારણે તેને રાજકોટમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન પત્નીનું મોત થતાં સમગ્ર મામલો હત્યામાં પરિણમ્યો હતો. આરોપી પતિને પોલીસે ઝડપી પાડ્યો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
જુનાગઢના ધરારનગરમાં રહેતા ભોલા સોલંકી અને તેની પત્ની જ્યોતિબેન વચ્ચે ચાર-પાંચ દિવસ પહેલાં માથાકૂટ થઈ હતી. ભોલાએ પત્ની જ્યોતિને 'તારે સોપારીની બાધા છે તો તે કેમ સોપારી ખાધી' તેમ કહી ગાળો કાઢી ઝઘડો કર્યો હતો. સાળા સાગરે બહેન બનેવીને સમજાવતા બંને પોતાના ઘરે જતા રહ્યા હતા. બાદમાં સાંજે 7:30 વાગ્યે પોતાના ઘરે ભોલા અને જ્યોતિ વચ્ચે ફરી ઝઘડો થયો હતો.
ભોલાએ જ્યોતિને ઢીકાપાટુનો માર માર્યો હતો. મારી નાખવાના ઇરાદે બોથડ પદાર્થ વડે માથાના ભાગે માર મારી જીવલેણ ઇજા થતા મહિલાને પ્રથમ સિવિલ હૉસ્પિટલમાં બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પતિના હુમલાથી ઘાયલ પત્નીનું સારવારમાં મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.