Fri Sep 04 2026

Logo

બારામતીમાં બિનહરીફ પેટાચૂંટણી માટે કોંગ્રેસ અને શિવસેના યુબીટી સાથે વાટાઘાટો કરાશે: તટકરે

2026-03-24 19:07:00
Author: Vipul Vaidya
બારામતીમાં બિનહરીફ પેટાચૂંટણી માટે કોંગ્રેસ અને શિવસેના યુબીટી સાથે વાટાઘાટો કરાશે: તટકરે

મુંબઈ: એનસીપીના નેતા સુનીલ તટકરેએ મંગળવારે જણાવ્યું હતું કે પાર્ટી મહારાષ્ટ્રમાં બારામતી વિધાનસભા મતવિસ્તારની આગામી પેટાચૂંટણી બિનહરીફ થાય તે સુનિશ્ર્ચિત કરવા આતુર છે અને જરૂર પડ્યે વિરોધ પક્ષો સાથે વાટાઘાટો શરૂ કરશે.

તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને ભાજપના વિધાનસભ્ય શિવાજી કર્ડિલેના મૃત્યુને કારણે પુણેમાં બારામતી અને અહિલ્યાનગરના રાહુરીમાં પેટાચૂંટણી 23 એપ્રિલે યોજાશે.
પત્રકારો સાથે વાત કરતા, તટકરેએ જણાવ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન છઠી એપ્રિલે બારામતી બેઠક પરથી પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.

તટકરેએ કહ્યું કે તેઓ વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ સાથે દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને પણ મળશે.
‘જો જરૂર પડશે તો, પ્રફુલ પટેલ અને હું દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીશું જેથી ખાતરી કરી શકાય કે પેટાચૂંટણી બિનહરીફ થાય. અમે ઇચ્છીએ છીએ કે અજિત પવારના કમનસીબ મૃત્યુના સંજોગોને ધ્યાનમાં રાખીને આ પેટાચૂંટણી બિનહરીફ થાય,’ એમ તેમણે કહ્યું હતું. 

તેમણે એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેનો આભાર માન્યો કે તેમનો પક્ષ ઉમેદવાર ઉભા રાખશે નહીં, પરંતુ નોંધ્યું કે કોંગ્રેસે સંકેત આપ્યો છે કે તેઓ ચૂંટણી લડી શકે છે.
એનસીપીના દિગ્ગજ નેતા અજિત પવાર (66)નું આ વર્ષે 28 જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.

અગાઉ, કોંગ્રેસે આગામી પેટાચૂંટણી બિનહરીફ કરાવવાના દાવાઓને ફગાવી દીધા હતા, જ્યારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણી લડવી જ જોઈએ. પાર્ટીના રાજ્ય પ્રમુખ હર્ષવર્ધન સપકાળે જણાવ્યું હતું કે આ બાબતે મહા વિકાસ આઘાડી (એમવીએ)માં કોઈ સર્વસંમતિ નથી.