ભુજ: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ હવે કચ્છનું પ્રખ્યાત બન્ની ગ્રાસલેન્ડ પણ ચિત્તાઓથી ગુંજી ઉઠશે. દક્ષિણ આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓ કુનોના જંગલોમાં સફળતાપૂર્વક અનુકૂલન સાધી ચૂક્યા છે અને તેમની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ સાનુકૂળ પરિસ્થિતિ વચ્ચે હવે આવનારા દિવસોમાં સવાયા કચ્છી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બન્નીના વિસ્તારમાં પ્રથમ તબક્કે ૩ થી ૪ ચિત્તાઓને મુક્ત કરવા માટે વનવિભાગ દ્વારા યુદ્ધના ધોરણે આખરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
૬૧૪ હેક્ટરમાં ચિત્તા સંરક્ષણ સેન્ટર કરાયું છે તૈયાર
બન્ની પંથકના છછલા વિસ્તારમાં વનવિભાગ દ્વારા હાલમાં ૬૧૪ હેક્ટરમાં અત્યાધુનિક ‘ચિત્તા સંરક્ષણ સેન્ટર’ એટલે કે, બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. કચ્છમાં આ પ્રોજેક્ટ માટેની માળખાકીય સુવિધાઓ અગાઉથી જ સજ્જ હતી, પરંતુ રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ કુનોમાં ચિત્તાઓની વસ્તી સ્થિર થવાની રાહ જોઈ રહ્યું હતું. હવે ગ્રીન સિગ્નલ મળતાં જ કચ્છ માટે પ્રવાસન અને પર્યાવરણ ક્ષેત્રે નવો ઈતિહાસ રચવાનો માર્ગ મોકળો બન્યો છે. કચ્છના મુખ્ય વનસંરક્ષક ધીરજ મિત્તલે આ વિગતોને સત્તાવાર સમર્થન આપતાં જણાવ્યું હતું કે, બન્ની ગ્રાસલેન્ડ પ્રોજેક્ટ અંતર્ગત વડા પ્રધાનના હસ્તે આ ચિત્તા મુક્ત કરાશે, જે માટે માત્ર પીએમઓ તરફથી તારીખ અને સમય નક્કી થવાની જ રાહ જોવાઈ રહી છે.
ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી છે શરૂ
વધુમાં વનસંરક્ષકે માહિતી આપી હતી કે, હાલના ૬૧૪ હેક્ટરના સંરક્ષણ વિસ્તારની હદ વધારીને ૨૦,૦૦૦ હેક્ટર કરવા માટેની વહીવટી પરવાનગી પણ મળી ચૂકી છે. આ વિશાળ વિસ્તારમાંથી ચોમાસા પૂર્વે જ બિનઉપયોગી ગાંડા બાવળો દૂર કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરી દેવાઈ છે, જેથી ભવિષ્યમાં ચિત્તાઓની સંખ્યા વધારી શકાય.
એનટીસીએના અધિકારી આવશે બે દિવસની કચ્છ મુલાકાતે
પ્રોજેક્ટની સમીક્ષા માટે આ શુક્રવારે એનટીસીએના આઈજી સંજયન કુમાર ખાસ બે દિવસની કચ્છ મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બન્નીના ચિત્તા સેન્ટરની સુરક્ષા, આબોહવા અને અન્ય તકનીકી પાસાઓનો ગહન અભ્યાસ કરશે. આ મુલાકાત બાદ તેઓ પોતાનો આખરી અહેવાલ વડાપ્રધાન કાર્યાલયને સુપ્રત કરશે, જેના આધારે પીએમના આગમનની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.
(ઉત્સવ વૈદ્ય)