અમદાવાદઃ અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્રએ 1 મેથી ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે બાળ ભિક્ષા મુક્ત ગુજરાત નામનું રાજ્યવ્યાપી જાગૃરતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર સહાનુભૂતિ સુધી સીમિત ન રહેતાં સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે, જેમાં ભિક્ષાવૃત્તિમાં સામેલ બાળકો માટે શિક્ષણ અને પુનર્વાસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
આ અભિયાનનો મુખ્ય સંદેશ એ છે કે પ્રત્યેક બાળકને રોડ નહીં, પરંતુ ક્લાસરૂમ મળવા જોઇએ. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દેશના નાગરિકો વચ્ચે વિવિધ જાગૃકતા પહેલ દ્વારા બાળકોને ભિક્ષાવૃત્તિથી શિક્ષણ અને સન્માનજક જીવન તરફ લઇ જવામાં સક્રિય ભૂમિકા નિભાવવા પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

સંસ્થાના સંસ્થાપક શ્રીમતી ઉષા અગ્રવાલે જણાવ્યું હતું કે, આ અમારા માટે એક આધ્યાત્મિક સફર છે. અમે થોડાં બાળકોને મદદ કરવાના એક નાના પ્રયાસથી અમારી પહેલ શરૂ કરી હતી, જે આજે ઘણાં બાળકોને સ્પર્શ કરતું અભિયાન બની ગયું છે. આ વર્ષો દરમિયાન અમે એવાં બાળકોને પણ જોયા છે કે જેઓ રોડ ઉપર ભિખ માગતા હતાં, પરંતુ આજે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યાં છે તેમજ સફળ પ્રોફેશનલ અને ખેલાડી બન્યાં છે. આ ઉદાહરણ દર્શાવે છે કે જો સમાજ આગળ આવીને જવાબદારી ઉઠાવશે તો પરિવર્તન લાવવું શક્ય છે.
તેમણે ઉમેર્યું હતું કે, અમારું માનવું છે કે બાળકોને શીખવા, આગળ વધવા અને સપના જોવાનો અધિકાર છે. બાળક ભિક્ષા મુક્ત ગુજરાત – અભિયાનના માધ્યમથી અમે એક સામૂહિક આંદોલનની શરૂઆથ કરવા માગીએ છીએ, જેથી કોઇપણ બાળક ભિખ માગવા માટે મજબૂર ના થાય. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાની ક્ષમતા અનુસાર આ પ્રયાસમાં યોગદાન આપે, ભલે તે શિક્ષણ માટે સહયોગ આપે, જાગૃકતા ફેલાવે કે પછી ભિક્ષાવૃત્તિને રોકવા પ્રયાસ કરે. અમારો ઉદ્દેશ્ય ભિક્ષા થી શિક્ષાની દિશામાં બદલાવ લાવવાનો છે. અત્યાર સુધી અમને જે પણ સહયોગ મળ્યો છે તેનાથી અમારો ઉત્સાહ વધ્યો છે.
બાળ ભિક્ષા મુક્ત ગુજરાત અભિયાનના માધ્યમથી શ્રી શક્તિ સેવા કેન્દ્ર એક વ્યાપક જન આંદોલનને પ્રોત્સાહિત કરવા માગે છે. સંસ્થાનું લક્ષ્ય સામૂહિક પ્રયાસોના માધ્યમથી એક એવાં ગુજરાતની રચના ઉપર છે કે જ્યાં કોઇ બાળક પાછળ ન રહી જાય.