Tue Aug 18 2026

Logo

બાળકો માટે Instagram-Facebook ચલાવવાના બદલાશે નિયમો? સંસદમાં રજૂ થઈ શકે છે મહત્ત્વનું બિલ

2026-08-09 20:40:36
Author: Mumbai Samachar Team
Article Image

બિલમાં 13 વર્ષથી નાના બાળકો માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત બને તેવી જોગવાઈઓ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ અને ગેમિંગની આદતથી બાળકોને બચાવવા માટે સંસદમાં એક મોટું અને મહત્ત્વનું બિલ રજૂ થઈ શકે છે. ફેસબુક-ઈન્સ્ટાગ્રામના વધતા વપરાશની સામે ડીપફેક પણ મોટો પડકાર બની રહ્યું છે, ત્યારે આ મુદ્દે સરકાર મોટું પગલું ભરી શકે છે.

ભાજપના સાંસદ બૈજયંત પાંડાએ લોકસભામાં બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર બ્રેક મારવા એક પ્રાયવેટ મેમ્બર્સ બિલ શિલ્ડ બિલ 2025 રજૂ કરવા માટે એક લીસ્ટ તૈયાર કર્યું છે. સાંસદ પાંડાના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા એપ્લિકેશન એવી રીતે ડીઝાઈન કરવામાં આવે છે કે, બાળકો ટૂંક જ સમયમાં તેની આદત લાગી જાય છે. આ બાળકોના માનસિક વિકાસ માટે ખૂબ જ જોખમી અને ખતરનાક છે. દુનિયાના અનેક દેશમાં બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર બ્રેક મારી દેવામાં આવી છે. 

કંપનીઓને કરાઈ ટકોર

ભારત સરકાર પણ આ વિષયને લઈને ખૂબ ગંભીર છે. ઈન્ટરનેટ મોબાઈલ ગેમિંગની લતનો શિકાર ભારતના બાળકો પણ થઈ રહ્યા છે. આનાથી બચાવવા માટે ભાજપ સાંસદ બૈજયંત પાંડાએ લોકસભામાં શિલ્ડ બિલ 2025 રજૂ કર્યું છે. આ બિલનો હેતુ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઈન્ટરનેટ પર સુરક્ષિત માહોલ આપવાનો છે. કંપનીઓએ આ અંગેની જવાબદારી નક્કી કરીને ફીચર રોલઆઉટ કરવાની જરૂર છે. 

13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના માતા-પિતાની મંજૂરી વગર સોશિયલ મીડિયા અથવા ગેમ એકાઉન્ટ બનાવી ન શકાય. કંપનીઓએ માતા-પિતા માટે ખાસ ફીચર બનાવવું જોઈએ જેનાથી તેઓ બાળકોનો સ્ક્રિન ટાઈમ તથા પ્રાયવેસીને નક્કી કરી શકે અને કંટ્રોલ પણ કરી શકે. નિયમ તોડનારી કંપનીઓ પર 10 કરોડનો દંડ લાગુ કરવામાં આવે. વારંવાર આ પ્રકારની ભૂલ સામે એ એપ્લિકેશનને ભારતમાંથી જ પ્રતિબંધિત કરી દેવામાં આવે. 

કંપનીઓએ ફેરફાર કર્યા છે

ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. કંપનીઓએ દર વર્ષે ભારત સરકારને રિપોર્ટ કરવો જોઈએ કે એમના તરફથી જે જાહેરાત આપવામાં આવી રહી છે. એ કેવી છે. બાળકોને એનાથી કોઈ જોખમ છે કે નહીં. આ સિવાય ઉંમર અને તપાસ દરમિયાન બાળકો દ્વારા એક્સેસ કરવામાં આવેલા ડેટાની પણ તપાસ કરવી જોઈએ.શુક્રવારે જે બિલ રજૂ કરવામાં આવ્યું એના બે પ્રાઇવેટ બિલમાં આ બિલનો પણ સમાવેશ થયો છે. 

સદનની કાર્યવાહી વારંવાર સ્થગિત થવાના કારણે બિલ રજૂ થઈ શક્યું નથી. ઓસ્ટ્રેલિયા દુનિયાનો પહેલો એવો દેશ છે જ્યાં બાળકો માટે સોશિયલ મીડિયાને લઈને સંપૂર્ણ રીતે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ પછી 20 જેટલા દેશે આ પગલું અનુસરીને પોતાના દેશમાં ફેરફાર કર્યા છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના પગલાં બાદ અનેક એવી પોલિસીને લઈને ફેરફાર કંપનીઓએ કર્યા છે.