Mon Oct 05 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ નથવાણી ‘સપા’માં, યોગીને વેતરવાની ગૅમ કે યુપીમાં ભાજપની હારનો અંદાજ?

2026-10-02 07:39:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ નથવાણી ‘સપા’માં, યોગીને વેતરવાની ગૅમ કે યુપીમાં ભાજપની હારનો અંદાજ?

 

ભરત ભારદ્વાજ

ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠક માટે 16 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છ ઓક્ટોબર છે. ભાજપ તથા તેના સાથી પક્ષો 10માંથી આઠ બેઠકો જીતી શકે તેમ છે પણ ભાજપ સાથી પક્ષોને કોઈ બેઠક આપવા નથી માગતો તેથી ખેંચતાણ ચાલી રહી છે ત્યારે સમાજવાદી પાર્ટીએ  રિલાયન્સના ધનરાજ નથવાણીને ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા છે. 

સમાજવાદી પાર્ટી પાસે યુપી વિધાનસભામાં 106 ધારાસભ્ય હોવાથી તેના બે ઉમેદવારોની જીત પાકી મનાય છે. બેમાંથી એક ઉમેદવાર તરીકે રામગોપાલ યાદવ હશે એ નક્કી હતું કેમ કે પ્રોફેસર રામગોપાલ સપાના મુખિયા અખિલેશ યાદવના કાકા છે. અખિલેશ બીજા ઉમેદવાર તરીકે કોના પર કળશ ઢોળશે તેની ચર્ચા ચાલતી જ હતી ત્યાં મંગળવારે સવારના પહોરમાં સપાએ ધનરાજ નથવાણીના નામની જાહેરાત કરીને સૌને મોટો આંચકો આપી દીધો. 

ધનરાજ નથવાણી રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીના પુત્ર છે અને રિલાયન્સ ગ્રૂપમાં ઘણી કંપનીઓમાં ડિરેક્ટર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ગ્રૂપ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા ધનરાજ નથવાણી રિલાયન્સની રોજિંદી કામગીરીમાં પણ સામેલ છે અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનમાં પ્રમુખ છે. સૌથી મહત્વની વાત એ છે કે, નથવાણી પરિવાર ભાજપની અત્યંત નજીક મનાય છે. ધનરાજના પિતા પરિમલ નથવાણી તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બંનેના ખાસમખાસ ગણાય છે છતાં અખિલેશે ધનરાજને પોતાની પાર્ટીના સત્તાવાર ઉમેદવાર બનાવ્યા તેથી સૌને આંચકો લાગી ગયો છે. 

બીજી વાત એ કે, પરિમલ નથવાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પણ ખાસ છે. ધીરુભાઈ અંબાણીના માનસ પુત્ર મનાતા પરિમલ નથવાણી રાજકારણમાં રિલાયન્સનાં હિતો સાચવવા માટે જ આવ્યા હોવાનું પણ કહેવાય છે ને અંબાણી પરિવાર પણ ભાજપનો ખાસ મનાય છે. 

કેન્દ્રની ભાજપ સરકાર અદાણી અને અંબાણીનાં જ હિતો સાચવવા માટે મથે છે એવા આક્ષેપો પણ થયા કરે છે ને આ માહોલમાં રિલાયન્સના ધનરાજ નથવાણી ભાજપના ઘોર વિરોધી અખિલેશની પાર્ટીના સત્તાવાર ઉમેદવાર બન્યા છે. આ બધું પાછું ઉત્તર પ્રદેશમાં છ મહિના પછી એટલે કે 2027ના માર્ચમાં વિધાનસભાની ચૂંટણી છે ને એ પહેલાં જ બન્યું છે તેથી જાત જાતની રાજકીય ચર્ચાઓ જામી છે. 

આ ચર્ચામાં મુખ્ય બે મુદ્દા કેન્દ્રસ્થાને છે. પહેલો મુદ્દો એ છે કે, રિલાયન્સ ગ્રૂપને 2027ની ચૂંટણીમાં ભાજપ હારી જશે ને અખિલેશ યાદવ ફરી મુખ્ય પ્રધાન બનશે એવું લાગે છે એટલા માટે અત્યારથી જ અખિલેશ સાથેના સંબંધો અત્યારથી મજબૂત બનાવી દેવાયા છે ? ગુજરાતીમાં કહેવત છે કે, લાલો લાભ વિના લોટે નહીં. અત્યારે મુકેશ અંબાણી પણ ભવિષ્યના પોતાના લાભને ખાતર જ અખિલેશ સાથેના સંબંધો એકદમ ગાઢ બનાવવા માંડ્યા છે.  

એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, રિલાયન્સને યુપીમાં ભાજપ ફરી સત્તામાં આવે એવું લાગતું નથી તેથી અખિલેશ યાદવના આખા ઈલેક્શન કેમ્પેઈનનું ફંડિંગ કરવાનું રિલાયન્સે માથે લીધું છે. સામે રિટર્ન ગિફ્ટમાં અખિલેશે ધનરાજ નથવાણીને સમાજવાદી પાર્ટીના સાંસદ બનાવવાનું માથે લઈ લીધું છે. 

બીજી ચર્ચા એવી પણ છે કે, ભાજપના જ કેટલાક નેતાઓને ઉત્તર પ્રદેશમાં ભાજપ હારી જાય તેમાં રસ છે કે જેથી યોગી આદિત્યનાથનો રાજકીય પ્રભાવ ખતમ થઈ જાય અને ભવિષ્યમાં વડા પ્રધાનપદ માટે દાવેદારી ના કરી શકે. યોગીનો કાંટો કાઢી નાખવા માટે ભાજપને હરાવવાની આખી ગેઈમ ગોઠવાઈ છે ને તેમાં પરિમલ નથવાણીને આગળ કરાયા છે. યોગીને વેતરી નાંખવામાં કોને રસ છે એ કહેવાની જરૂર નથી ને નથવાણીની ભાજપનાં આ મોટાં માથાં સાથેની નિકટતા પણ જગજાહેર છે તેથી આ વાત સાવ મોંમાથા વિનાની નથી લાગતી. 

અત્યારે ભાજપમાં નરેન્દ્ર મોદી પછી કોણ એ ચર્ચામાં સૌથી પહેલું નામ અમિત શાહનું ને પછી યોગી આદિત્યનાથનું આવે છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન  દેવેન્દ્ર ફડણવીસનું નામ પણ ચર્ચામાં છે. ભૂતકાળમાં ભાજપ હાઈકમાન્ડે યોગીને વેતરી નાખવાની મથામણ કરેલી જ. 2022ની વિધાનસભા ચૂંટણી વખતે યોગીને કોરાણે મૂકીને ઉમેદવારો નક્કી કરવાના ઉધામા પણ થયેલા ને યોગીને હટાવીને કેશવ પ્રસાદ મૌર્યને ગાદીએ બેસાડવાનો તખ્તો પણ ગોઠવાયેલો.  

યોગી ભારાડી સાબિત થયા ને મૌર્યને હરાવી દીધા તેમાં કશું વળ્યું નહીં પણ યોગી મજબૂત થાય એ ભાજપના ચોક્કસ નેતાઓને નથી જ ગમતું. તેમાં યોગી ભાજપને જીતની હેટ્રિક કરાવી દે તો પછી તો તેમને રોકી જ ના શકાય. દેશના સૌથી મોટા રાજ્યમાં સળંગ ત્રીજી વાર જીતાડનાર સ્વાભાવિક રીતે જ વડા પ્રધાનપદના પ્રબળ દાવેદાર બની જ જાય તેથી યોગીને પછાડવા આખો ખેલ રચાયાની વાત ગળે ઉતરે એવી છે જ. 

રિલાયન્સ પાસે પણ આ ખેલમાં સામેલ થવા માટે પૂરતાં કારણો છે. ભાજપની આંતરિક લડાઈ કરતાં વધારે મોટો જંગ કોર્પોરેટ સેક્ટરમાં દેશનું સૌથી પ્રભાવશાળી અને વગદાર ગ્રૂપ બનવા માટે ચાલે છે. અદાણી ગ્રૂપ અત્યારે આ રેસમાં આગળ છે. વિરોધીઓએ પછાડવા માટે ભારે હવાતિયાં માર્યાં છતાં અદાણી ગ્રૂપનો પ્રભાવ વધતો જ જાય છે તેથી ભાજપ હાઈ કમાન્ડની ગુડ બુકમાં આવવા રિલાયન્સે અખિલેશની પંગતમાં બેસવાનો ડોળ કર્યો હોય એ શક્ય છે. અખિલેશ સાથે રિલાયન્સ ગ્રૂપના સારા સંબંધો પહેલાથી હતા પણ મુકેશ અંબાણી ખુલ્લંખુલ્લાં અખિલેશની સાથે બહાર નહોતા આવ્યા.

ભૂતકાળમાં અનિલ અંબાણી મુલાયમસિંહ યાદવની મદદથી રાજ્યસભામાં ગયેલા પણ મુકેશ અંબાણીએ અંતર જાળવેલું. બલકે ભાજપ સાથે પણ મુકેશ અંબાણી અને રિલાયન્સ એક અંતર જાળવીને જ વર્તે છે. આ કારણે  જ નરેન્દ્ર મોદીની નજીક મનાતા પરિમલ નથવાણી રાજ્યસભા માં કદી ભાજપના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા નથી. નથવાણીને દરેક વખતે ભાજપ નો ટેકો મળ્યો છે પણ કદી ભાજપના સત્તાવાર ઉમેદવાર નથી બન્યા. નથવાણી પહેલી બે ટર્મ માટે એટલે કે 2008થી 2020 લગી નથવાણી ઝારખંડમાંથી અપક્ષ તરીકે ચૂંટાયેલા જ્યારે 2020માં આંધ્ર પ્રદેશમાંથી ચૂંટાયેલા. 

પહેલી બે ટર્મ વખતે નથવાણીને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)એ ખુલ્લો ટેકો આપેલો જ્યારે 2020માં પરિમલ નથવાણી વાયએસઆર કૉંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે જીત્યા હતા. એ વખતે  આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડીની વાયએસઆર કૉંગ્રેસનું રાજ હતું તેથી નથવાણી આસાનાથી જીતી ગયેલા. 2026ના જૂનમાં યોજાયેલી ચૂંટણીમાં નથવાણી પાછા ઝારખંડમાંથી અપક્ષ તરીકે ઊભા રહ્યા હતા ને જેએમએમની મદદથી જીત્યા હતા તેથી નથવાણીની રાજ્યસભાના સભ્ય તરીકે આ ચોથી ટર્મ છે. 

નથવાણી વાયએસઆર કૉંગ્રેસના ઉમેદવાર તરીકે રાજ્યસભામાં ગયેલા પણ જગન ભાજપની બી ટીમ હતા તેથી તેમાં કશું અજૂગતું નહોતું લાગતું પણ અખિલેશ ભાજપનો ઘોર વિરોધી છે. ભાજપને પછાડીને યુપીમાં સત્તા કબજે કરવાનાં સપનાં જુએ છે ને નથવાણી તેની પંગતમાં બેસે તેનો અર્થ એ જ છે કે, કોઈ મોટી ગેઈમ છે.