Fri Jul 24 2026

Logo

બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખાડવાની શંકાએ યુવકની હત્યા; ૧૦ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ

2026-05-08 22:09:38
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમરેલી:
 ગુજરાતમાં સતત વધી રહેલા ગુનાઓમાં અમરેલીના બનાવે સૌને ચોંકાવી નાખ્યા હતા.  બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સુરાપુરાની ખાંભીઓ ઉખાડી નાખવાની શંકાના આધારે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મોરબીના બેલા રંગપર ગામે રહેતા ભરતભાઈની હત્યા અંગે તેમના પત્નીએ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આશાબેનના પિયર પક્ષના જીલિયા પરિવારના સભ્યોને એવી શંકા હતી કે ભરતભાઈએ સુરાપુરાની ખાંભીઓ કાઢી નાખી છે અને આ બાબતે અગાઉ ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.  

ફરિયાદની વિગતો અનુસાર, 7  મેના રોજ ભરતભાઈ મોરબી કોર્ટમાં કામ પતાવી પોતાની કારમાં બાબરા જવા નીકળ્યા હતા. આરોપીઓએ સમાધાન કરવાના બહાને તેમને બાબરા બોલાવી કાવતરું ઘડ્યું હતું. સાંજના આશરે ત્રણથી છ વાગ્યાના સમયગાળા દરમિયાન, કરીયાણા-જીવાપર રોડ પર સીમ વિસ્તારમાં આરોપીઓએ મૃતકની ગાડી આંતરીને તીક્ષ્ણ હથિયારો વડે ગળા, માથા અને શરીરના ભાગે જીવલેણ ઘા ઝીંકી તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. બાબરા સરકારી દવાખાને લાવતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.  

બાબરા પોલીસે આ મામલે કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેમાં કિરણભાઈ મનુભાઈ જીલીયા, જગદીશભાઈ મુકેશભાઈ જીલીયા, મહેશભાઈ ભનુભાઈ જીલીયા, પરેશભાઈ મુકેશભાઈ જીલીયા, રોહિતભાઈ ધીરુભાઈ જીલીયા અને મયુર ભનુભાઈ જીલીયા સહિત અન્ય ચાર અજાણ્યા શખ્સોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી તેજ કરી હતી.