Thu Apr 30 2026

Logo

સિક્કાની ત્રીજી બાજુઃ ‘બા બા બ્લેક શિપ’ જેવાં અંગ્રેજી જોડકણાં પાછળ શું રહસ્ય છુપાયું છે?

2026-04-29 08:16:50
Author: જયવંત પંડ્યા
Article Image

જયવંત પંડ્યા

વેકેશન પડી ગયું છે. બાળકો રમી રહ્યાં છે. અનેક પરિવારો બહાર ફરવા ઉપડી જશે તો બીજી તરફ, ઘરે બાળકો નવરાં ન પડે તે માટે સમર કેમ્પથી માંડીને નાચ, સ્કેટિંગ, રમતગમત શિક્ષણ, ચિત્ર, સંગીત, સ્વિમિંગ, ગણિત વગેરેના વર્ગોમાં સંતાનોને મૂકી દેવામાં આવશે... જો એમને નર્સરીમાં મૂકવાનું હશે તો માતા- પિતા તેમને અંગ્રેજી જોડકણાં (રાઇમ) શીખવાડવામાં પડ્યાં હશે. પરંતુ શું તમે જાણો છો કે જે અંગ્રેજી જોડકણાં ભણાવવામાં આવે છે અને બાળકો તેને કંઠસ્થ કરી ઍક્શન સાથે ગાય ત્યારે આપણે આનંદ અનુભવીએ છીએ તે જોડકણાં પાછળ એક કડવું સત્ય, એક વેદના, અત્યાચાર છુપાયેલાં છે?

‘બા બા બ્લેકશિપ’ જોડકણું બધાને સ્મરણમાં હશે. આ જોડકણું ઈ. સ. 1731માં લખાયું હતું અને ઈ. સ. 1744માં ટોમી થમ્બની ‘પ્રેટી સોંગ બુક’માં પહેલી વાર છપાયું હતું. આની પાછળ વાત એવી છે કે 13મી સદીના ઉત્તરાર્ધમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે જે પંથયુદ્ધ (ક્રુસેડ/જિહાદ) થયું. યુદ્ધમાં નાણાં ખૂટી જતાં હોય છે.

ઇંગ્લેંડમાં રાજા ઍડવર્ડ- પ્રથમને તિજોરી ભરવી હતી. આથી તેણે ઘેટાં (શિપ)ના પશુપાલકો પર ‘ઑલ્ડ કસ્ટમ ટેક્સ’ નાખ્યો. કપડાં બનાવવાં માટે ઊનની બહુ મોટા પાયે જરૂર હતી. રાજા દરેક પશુપાલક પાસેથી એક તૃત્તીયાંશ ઊન વસૂલતો હતો. જ્યારે બીજું એક તૃત્તીયાંશ ચર્ચ લઈ જતું હતું. પશુપાલક પાસે વધતું હતું માત્ર એક તૃત્તીયાંશ ઊન. આ વેરાથી ઇંગ્લેંડની તિજોરી બે સદી સુધી ભરાતી રહી.

આ જોડકણાના મૂળ ગીતમાં ભરવાડ છોકરા પાસે બહુ કંઈ ઊન બચતું નથી કારણ કે તે માસ્ટર (રાજા), ડેમ (આમ તો તેનો અર્થ માનવંતી મહિલા થાય, પરંતુ અહીં સંદર્ભ ચર્ચ માતા છે)ને આપી દે છે. પરંતુ અત્યારે એવું ભણાવાય છે કે ભરવાડ છોકરો ઉદાર છે જે તેના સ્વામી/માલિકને, ડેમ એટલે કે મહિલાને અને લેનમાં રહેતા નાનકડાં છોકરાને ઊન વહેંચે છે.

આજ રીતે બાળકોને શીખવાડાતાં અંગ્રેજી જોડકણાંમાં ‘પડવા’નું બહુ આવે, જેમકે ‘હમ્પ્ટી ડમ્પ્ટી સેટ ઑન ધ વોલ, હમ્પ્ટી ડમ્પ્ટી હેડ અ ગ્રેટ ફોલ.’ આ ‘હમ્પ્ટી ડમ્પટી’ જોડકણાં પાછળ પણ એક અપ્રિય સત્ય છે.  

આ ‘હમ્પ્ટી ડમ્પ્ટી’ એ ઇંગ્લેંડના અત્યાચારી રાજા રિચાર્ડ -તૃત્તીય તરફ સંકેત કરે છે જેનો ઈ. સ. 1485માં બોસવર્થ યુદ્ધના મેદાનમાં અંત આવ્યો હતો. રાજા રિચાર્ડ તેના ઘોડા (વોલ) પરથી પડી જાય છે અને પછી તેના સૈનિકો તેને બચાવી શકતા નથી.     

આ જ રીતે ‘જેક એન્ડ જિલ’માં જેક ફ્રાન્સના છેલ્લા રાજા લુઇસ-સોળમા અને જિલ તેની રાણી મેરી એન્ટોઇનેટ્ટેની વાત દર્શાવે છે. જેકનું ક્રાઉન એટલે કે માથું તૂટી જાય છે. ફ્રાન્સની ક્રાન્તિમાં લુઇસનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું. લુઇસના વધના નવ મહિના પછી રાણી મેરીનો પણ વધ થયો હતો. ‘ઍન્ડ જિલ કેમ ટમ્બલિંગ આફટર’ આ લાઇન રાણીના વધની વાત કરે છે.

જોકે, ‘જોની જોની યસ પાપા’ પાછળ આવો કોઈ ઇતિહાસ તો નથી પણ તેમાં જૂઠું બોલવાને પ્રોત્સાહન છે. છોકરો ખોટું બોલે છે કે તેણે ખાંડ નથી ખાધી અને જ્યારે પિતા મોઢું ખોલવા કહે છે ત્યારે તે મોઢું ખોલી ખાંડ બતાવે છે અને હસે છે. આપણે અજાણતાં બાળકને શું શીખવાડીએ છીએ તે જુઓ. બીજું કે બાળકને ઇંગ્લેંડ કે ફ્રાન્સના રાજા સાથે શું લેવાદેવા? અંગ્રેજી ભણાવવું જ હોય તો તેમાં ભારતીય સંદર્ભનાં જોડકણાં નવેસરથી ન લખી શકાય?

અંગ્રેજી જોડકણું ત્યાંની ભોગની વૃત્તિ પણ દર્શાવે છે, જેમકે રેઇન રેઇન ગો અવે, કમ અગેઇન અનધર ડે, લિટલ જોની/આર્થર વોન્ટ્સ ટૂ પ્લે. આની પાછળનો અર્થ એવો બતાવાય છે કે ઇંગ્લેંડમાં જોની/આર્થરને રમવું છે તેથી તે વરસાદ નથી ઇચ્છતો. જયારે ભારતીય બાળકો વરસાદમાં રમતાં હોય છે. તે ઇંગ્લેંડનાં બાળકો જેવા સુંવાળાં નથી હોતાં. આપણે તો ગાઈએ, ‘આવ રે વરસાદ, ઘેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક’. ભારત કૃષિ પ્રધાન દેશ છે. તેથી વરસાદ એ અનિવાર્યતાય છે અને વરસાદનું આગમન આનંદ પણ આપે છે. જોકે હવે વધતા જતા શહેરીકરણ અને કાદવ-કીચડ-પાણીથી ચીડના કારણે વાહન અટકે, ચાલવામાં તકલીફ પડે તેથી કેટલાક શહેરીજનો, ઇંગ્લેંડના આ જોનીની જેમ વરસાદથી ચીડ અનુભવે છે ખરા.

-તો આ હતું, આ અંગ્રેજી જોડકણાં પાછળનું સત્ય. હવે તમે મહેમાનો સમક્ષ તમારા બાળકને ‘બેબી, રાઇમ સિંગ કરો તો પ્લીઝ’ કહો ત્યારે તેની પાછળનું સત્ય વિચારજો. 

આવાં જોડકણાંના સ્થાને ભલે અંગ્રેજી, પણ ભારતીય અર્થપૂર્ણ અને ગર્વ થાય તેવાં જોડકણાં શીખવવામાં આવે તેવા પ્રયત્નો શિક્ષણવિદ અને સરકાર દ્વારા થાય તે ઇચ્છનીય છે.