Fri Apr 17 2026

Logo

ઑસ્ટ્રેલિયા અપસેટનું શિકારઃ ઝિમ્બાબ્વે સામે 23 રનથી હાર્યું...

Colombo   2026-02-13 17:42:00
Author: ajaybhai motiwal
Article Image

કોલંબો: ટી-20 વર્લ્ડ કપની ગ્રૂપ-બીની મૅચમાં શુક્રવારે મોટો અપસેટ થયો જેમાં ખેલાડીઓની ઈજાઓથી પરેશાન ઑસ્ટ્રેલિયાને ઝિમ્બાબ્વેએ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી હરાવી સનસનાટી મચાવી દીધી હતી. ઝિમ્બાબ્વેએ ભૂતપૂર્વ ભૂતપૂર્વ વિશ્વ વિજેતા ઑસ્ટ્રેલિયાને 23 રનથી હરાવી દીધું. ઑસ્ટ્રેલિયાના બોલર્સ ઝિમ્બાબ્વેની માત્ર બે વિકેટ લઈ શક્યા હતા અને પછીથી પોતાના બૅટિંગ પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ઝિમ્બાબ્વે ગ્રૂપમાં બીજા નંબરે

સિકંદર રઝાના સુકાનમાં ઝિમ્બાબ્વેએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં માત્ર બે વિકેટના ભોગે 169 રન કર્યા ત્યાર પછી ઑસ્ટ્રેલિયાની ટીમ 146 રનમાં ઑલઆઉટ થઈ જતાં ઝિમ્બાબ્વેનો રોમાંચક વિજય થયો. ટી-20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ બીજી વખત ઑસ્ટ્રેલિયાને પરાજિત કર્યું છે અને કાંગારુઓ સામે તેમનો 2-0નો વિનિંગ રેશિયો છે. 2007ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે (ZIMBABWE)એ ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. હવે ગ્રૂપ-બીના પૉઇન્ટ્સ-ટેબલમાં શ્રીલંકા પછી ઝિમ્બાબ્વે બીજા નંબરે અને ઑસ્ટ્રેલિયા ત્રીજા, આયરલૅન્ડ ચોથા તથા ઓમાન પાંચમા નંબરે છે.

29 રનમાં ચાર વિકેટ ગુમાવી

170 રનનો સાધારણ લક્ષ્યાંક મેળવવા જતાં ઑસ્ટ્રેલિયા શરૂઆતથી જ મોટી મુસીબતમાં મુકાઈ ગયું હતું. એણે બીજી જ ઓવરથી વિકેટ ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. 29 રનમાં કાંગારુઓની ચાર વિકેટ પડી ગઈ હતી. એમાં જૉશ ઇંગ્લિસ (8), કૅમેરન ગ્રીન (0), ટિમ ડેવિડ (0) અને કાર્યવાહક કૅપ્ટન ટ્રૅવિસ હેડ (17)નો સમાવેશ હતો. 

મૅક્સવેલ-રેન્શૉની 77 રનની ભાગીદારી

જોકે મેકસવેલ અને રેન્શૉની જોડીએ પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી હતી. એ તબક્કે ઑસ્ટ્રેલિયાનો સ્કોર 4/106 હતો અને કાંગારુઓની ટીમ સારી સ્થિતિમાં હતું. જોકે 106 રનના સ્કોર પર મેકસવેલ (31 રન) આઉટ થઈ જતાં ભૂતપૂર્વ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા પાછું મુસીબતમાં મુકાઈ ગયું હતું. રેન્શૉ (65 રન) સાથે સ્ટોઈનિસ (છ રન) જોડાયો હતો. જોકે ત્યારે વેલિંગ્ટન માસાકાદ્ઝા ત્રાટક્યો હતો અને તેણે સ્ટોઇનિસને પૅવિલિયન ભેગો કર્યો એ સાથે ઑસ્ટ્રેલિયાની આશા પર પાણી લગભગ ફરી વળ્યું હતું. થોડી જ વારમાં બેન ડ્વારશુઇસ (છ રન) અને ત્યાર બાદ અડીખમ બૅટ્સમૅન રેન્શૉએ 74 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહ્યા બાદ 44 બૉલમાં એક સિક્સર અને પાંચ ફોરની મદદથી બનાવેલા 65 રનના પોતાના સ્કોર પર વિદાય લીધી હતી. પેસ બોલર બ્લેસિંગ મુઝરબનીએ તેને કૅચઆઉટ કરાવ્યો અને ઑસ્ટ્રેલિયા (Australia)ની જીતની આશા પર જાણે પડદો પડી ગયો હતો.

મુઝરબનીની સૌથી વધુ ચાર વિકેટ

ઑસ્ટ્રેલિયા 146 રન પર ઑલઆઉટ થઈ ગયું હતું. મુઝરબનીએ સૌથી વધુ ચાર વિકેટ અને ફાસ્ટ બોલર બૅ્રડ ઇવાન્સે ત્રણ વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વેએ સાત બોલરને આક્રમણ પર મૂકીને ઑસ્ટ્રેલિયાને છેવટે પરાજયનો દરવાજો દેખાડી જ દીધો હતો. મુઝરબનીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.

ઓપનર બેનેટે જીતનો પાયો નાખ્યો હતો

એ પહેલાં, ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં માત્ર બે વિકેટે 169 રન કર્યા પછી ઑસ્ટ્રેલિયા મોટી મુસીબતમાં મુકાઈ ગયું હતું. ચારેય બૅટ્સમેને નાનું-મોટું યોગદાન આપ્યું હતું. ઓપનર બ્રાયન બેનેટ (64 અણનમ, 56 બૉલ, સાત ફોર), વિકેટકીપર ટૅડિવાનાશે મરુમની (35 રન, 21 બૉલ, સાત ફોર), રાયન બર્લ (35 રન, 30 બૉલ, ચાર ફોર) અને કૅપ્ટન સિકંદર રઝા (પચીસ અણનમ, 13 બૉલ, એક સિક્સર, બે ફોર)ને ઑસ્ટ્રેલિયાના સાત-સાત બોલર સસ્તામાં આઉટ નહોતા કરી શક્યા. ફક્ત માર્કસ સ્ટોઇનિસ અને કૅમેરન ગ્રીનને એક-એક વિકેટ મળી હતી.