મુળરાજ રાજડા
મુળરાજ રાજડાએ વિકટિમ અંગ્રેજી નાટક પરથી ગુજરાતીકરણ કરીને આખું નાટક મને આપી દીધું, અને જરૂર પડે તો કોઈની પણ પાસે ફેરફાર કરાવવાનું પ્રેમથી કહ્યું. જો કઈ અટકી પડે તો હાલોલ-બરોડા ફોન કરવા નંબર પણ આપ્યો. આમ મુળુભા બરોડા જાય તો પાછળ ડિરેક્ટર તરીકે મને કોઈ તકલીફ ન પડે એની પૂરી તકેદારી રાખી હતી. મહેન્દ્ર બોહરા સાથે પણ સંબંધને આંચ ન આવે એવી વ્યવસ્થા કરેલી. સાચા માણસની આ તો ખાસિયત હોય છે. સાચો માણસ ન આસ્તિક હોય છે ન નાસ્તિક, એ દરેક પળે વાસ્તવિક હોય છે એનો આ પુરાવો. સામે છેડે રાજેન્દ્ર શુકલ પણ પોતાની રીતે નાટક મઠારવાનો હતો. બાકી કોઈએ લખેલું નાટક પોતે શા માટે સુધારે? મહેનતાણું આપીશ કે નહિ અને આપીશ તો કેટલું આપીશ એ પણ નક્કી કર્યા વગર, માત્ર મિત્રભાવે આખી વસ્તુ સંભાળી લીધી. બંને માટે કહી શકાય કે એવું ના લખો કે લખેલાં શબ્દો વજનનાં ભાવે વેંચાય જાય, એવું લખો કે જ્યાં નામ લખાય અને વાતનું વજન વધી જાય. મારે માટે આ બંનેએ વજન વધારી દીધું હતું. જાણે ઋણાનુબંધ દ્રઢ થયું ...
રાજેન્દ્ર તો કોલેજકાળથી સાથે. સંઘર્ષ પણ લગભગ સાથે. બંનેને એકબીજાની અપેક્ષાઓ પણ ઓછી, હક વધારે. મિત્ર ખરા અર્થમાં. વરસાદમાં પલળેલા ચહેરા ઉપરથી આંસુ શોધી કાઢે એ મિત્ર.
રાજેન્દ્ર તો બે દિવસ પછી બે-પાત્રો ઉમેરીને મળવાનો હતો એ પહેલાં ત્રણ કલાકાર વિશે મારું મગજ ધમધમતું થઈ ગયેલું. હજી બરાબર ગોઠવાતું નહોતું. ત્યાં બીજા બે પાત્રની પણ ગોઠવણ કરવાની હતી, જે રાજેન્દ્ર ઉમેરવાનો હતો. રાજેન્દ્ર બે દિવસ પછી મળશે ત્યારે નક્કી વિચારી ને આવશે એવો વિશ્વાસ હતો. શરીરમાં જે કામ શ્વાસ કરે છે, સંબંધમાં એ કામ વિશ્વાસ કરે છે.
બીજા દિવસે બપોરે જ રાજેન્દ્રનો ફોન આવ્યો. સાંજે હિન્દુજા થિયેટરમાં નીચે મળવાનું નક્કી થયું. હિન્દુજા એટલે જે. અબ્બાસનો દરબાર... નટવર પંડ્યા, શરદ શર્મા, ભૌતેષ વ્યાસ વગેરે રાતના ત્યાં લગભગ મળે. એમનો રોજનો નિયમ.
હિન્દુજાનું શટર પડે પછી મંડળી ચર્નીરોડ સ્ટેશનના એક નંબરનાં પ્લેટફોર્મ ઉપર બેસવાનું. ત્યાંથી દાદર... ત્યાં વડાપાંઉ અને ચાની જયાફત. ટૂંકમાં ‘મીટિંગ પ્લેસ’ માટે આદર્શ.
સાંજે હું 5 વાગે હિન્દુજા પહોંચી ગયો. હિન્દુજાની નીચે જ કેન્ટિન, અમે ત્યાં બેઠાં. મારી તાલાવેલી વધુ હતી. શું અને કેમ બે-પાત્ર ઉમેર્યા હશે? રાજેન્દ્રએ વાંચનનાં શ્રી ગણેશ કર્યાં.
આખું નાટક એક બેઠકમાં પૂરું કરી નાખ્યું. એણે બે-પાત્ર એવી ખૂબીથી ઉમેરી દીધા હતા કે મુળુભાને પણ ખ્યાલ ન આવે. જે હ્યુમરની જરૂર હતી એ આ પાત્ર દ્વારા પીરસાય ગઈ હતી. મુળુભાએ ત્રણ કલાકારો વચ્ચેનાં ‘વન-લાઈનર’ તો લખ્યાં જ હતાં એમાં આ ઉમેરાયા.
મારું ઉકળાટ કરતું મન આ નવસંસ્કરણ વાંચીને શાંત થયું.
હવે મૂળ અને અગત્યનું કામ, પાત્રવરણી. દિનકર જાની મને, સનત અને ડેઇઝીને લઇ બનાવવા માગતા હતાં. પણ ડેઇઝી ચાલી જતાં એ વાત જ અટકી પડેલી. હવે જયારે મેં મંચન કરવાનું નક્કી કર્યું ત્યારે મારે માત્ર ડિરેક્ટ કરવું છે એ નિરધાર સાથે શરૂ કરવાનું વિચાર્યું. આમ પણ હું ડિરેક્ટ કરું ત્યારે અદાકારી કરવાનું ટાળું છું. પાત્રોમાં એક સ્ત્રી અને ચાર જેન્ટ્સ, જેમાં એક હીરો અને એક ઇન્સ્પેક્ટરનાં પાત્રો મજબૂત જોઈએ. બાકીના જે બે ઉમેરેલા એ સ્ટોરી સાથે લીંક થયેલ પરંતુ એમનું કામ ‘બોઝીલ’ કથાવસ્તુને ‘હળવાશ’ આપવા પૂરતું સીમિત હતું એટલે એમાં વિશેષ ધ્યાન રાખવાની બહુ જરૂર નહોતી.
બે દિવસમાં બધું ફાઈનલ થવું જોઈએ. ‘જેમ થશે એમ થશે. કલાકારો મળે એના ઉપર બધો આધાર, તું પણ શોધ..હું પણ શોધું. પાછા એવા મળવા જોઈએ કે બીજા કોઈ નાટકથી નડે નહિ. બાકી જલ્દી જલ્દી કરીને પત્તર ન ખાંડતો... થશે, બે દિવસ આમ કે આમ’. રાજેન્દ્ર ઉવાચ. એમ એ મિત્ર ભલે સ્પષ્ટવક્તા. બાકી આજકાલ સાચું બોલવું તો દૂર, લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતાં.
બે દિવસ પછી મળવાનું નક્કી કરી છૂટા પડ્યા. આ બધી વાતો મેં મુળુભાને કરી, એમને કોઈ વાંધો નહોતો.. બીજે દિવસે મુળુભાએ કહ્યું હતું એમ મેં મહેન્દ્ર બોહરા સાથે વાત કરી થોડા પૈસા એડવાન્સ મંગાવી લીધા. મને 10000/- નક્કી કરેલ સ્થળ પર આવીને આપી ગયા.
બીજે દિવસે ફરી હું અને રાજેન્દ્ર શુકલ મળ્યા. વિચારોની આપ-લે કરી. કલાકારોની ‘અવેલિબિલિટી’ ખાસ વિચારી. નાટક શરૂ કર્યા પછી બીજા કોઈ કમિટમેન્ટ નડવા ન જોઈએ. એવું કઈ થાય તો ફિલ્મી નિર્માતા-મહેન્દ્ર બોહરાને સમજાવવું ભારે પડી જાય અને મુળુભા ક્યારે બરોડાથી આવે એ નક્કી નહિ. બહુ વિચાર કર્યા પછી ત્રણ મુખ્ય પાત્રો નક્કી કર્યા. દીપક દવેનું નાટક બંધ થવામાં હતું. એની સાથે વાત થઈ તો એને વાંધો નહોતો. મુખ્ય પાયો ફાઈનલ થઈ ગયો. ત્યારે રક્ષા દેસાઈનું નામ પણ સારું. સ્ત્રી પાત્ર માટે એની સાથે નક્કી કર્યું.
ઇન્સ્પેક્ટરનું પાત્ર જે મારે માટે દિનકર જાની ઇન્સ્ટીટ કરતાં હતા એને માટે ‘બહુરુપી’નો જૂનો જોગી સુનીલ શાહને નક્કી કરી લીધો. એ ફિલ્મોમાં સહાયક-દિગ્દર્શક તરીકે ફરજ બજાવતો હતો. હમણાં ફ્રી હતો એટલે એ પણ નક્કી થઈ ગયો. બે વધારાના ઉમેરેલાં પાત્રોમાં ધર્મેશ મહેતા (આજે તો ક્ષજ્ઞ1 ફિલ્મ ડિરેક્ટર છે.) અને લગભગ કનુ જોશી. નક્કી કરેલ સ્ટારકાસ્ટ સાથે રિહર્સલ શરૂ કર્યા. થોડા દિવસ બધું બરાબર ચાલ્યું. વચ્ચે મુળુભાનો ફોન પણ આવી ગયો. આખી બિના એમને જણાવી દીધી. વેરી ગુડ.. તમારું કામ અટક્યું નહિ એ સારું થયું. એવો સકારાત્મક જવાબ પણ આપ્યો. થોડા દિવસ પછી દિનિયાર કોન્ટ્રેક્ટર પ્રોડક્શનનાં નવા નાટકનું અમારી બાજુમાં જ મુહૂર્ત થયું, જેનાં લેખક હતા, પ્રવીણ સોલંકી અને દિગ્દર્શક હતા કાંતિ મડિયા...અને એક દિવસ..!
શિક્ષક: (ભુરાને) એ...ક્લાસમાં સૂઈ જાય છે કે શું ?
ભૂરો : અરે...નહિ ! ગુરુત્વાકર્ષણને કારણે માથું બેંચ ઉપર પડી જાય છે.