Fri Aug 28 2026

Logo

છોકરામાંથી છોકરી બની ગયેલી બાંગડની પુત્રી અનાયાનું હવે આ રીતે થશે ક્રિકેટમાં કમબૅક

2026-08-26 16:28:27
Author: Ajay Motiwala
છોકરામાંથી છોકરી બની ગયેલી બાંગડની પુત્રી અનાયાનું હવે આ રીતે થશે ક્રિકેટમાં કમબૅક

મુંબઈ/સિડનીઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને બૅટિંગ-કોચ સંજય બાંગડની પુત્રી અનાયા બાંગડને ઑસ્ટ્રેલિયામાં મહિલાઓ માટેની કમ્પ્યૂનિટી ક્રિકેટમાં રમવાની છૂટ મળી છે. 23 વર્ષની અનાયા (Anaya) જે અગાઉ પુરુષ હતી અને તેનું નામ આર્યન (Aryan) હતું, તે 2022માં થાઇલૅન્ડમાં હોર્મોન રિપ્લેસમેન્ટ સર્જરી કરાવીને અને 2026માં જેન્ડર-અફર્મિંગ સર્જરી કરાવીને પુરુષમાંથી સ્ત્રી બની હતી અને હવે તે ટ્રાન્સજેન્ડર વુમન તરીકે ક્રિકેટ રમવાની શરૂઆત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. હાલમાં તે ઇંગ્લૅન્ડમાં રહે છે.

ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડે અનાયા બાંગડને દેશભરમાં ક્યાંય પણ કમ્યૂનિટી ક્રિકેટ રમવાની પરવાનગી આપી છે. તેને ભારતમાં ટ્રાન્સજેન્ડર વિમેન વર્ગમાં ક્રિકેટ રમવા વિશે કોઈ પ્રતિસાદ ન મળતાં તેણે જૂનમાં ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડનો સંપર્ક કર્યો હતો જેણે પોતાના નિયમો અનુસાર તેને પ્રીમિયર ક્રિકેટમાં રમવાની છૂટ આપી છે.

અનાયા ઑસ્ટ્રેરિયામાં માર્ચ, 2027થી એલિટ ક્રિકેટમાં પણ રમી શકશે અને એ સ્તરની ક્રિકેટમાં બિગ બૅશ વિમેન સહિતની મોટી સ્પર્ધાઓ રમાતી હોય છે. જોકે માર્ચ, 2027માં તે ઑસ્ટ્રેલિયા પહોંચશે ત્યારે તેની જે બ્લડ ટેસ્ટ લેવામાં આવશે એમાં સીરમ ટેસ્ટોસ્ટેરોન 10 એનએમઓએલ/એલથી ઓછું હશે તેમ જ તેણે અન્ય શરતોનું પાલન કર્યું હશે તો તેને બિગ બૅશ સહિતની ટૂર્નામેન્ટોમાં રમવા મળશે.

અનાયા ભૂતકાળમાં છોકરા તરીકે (આર્યન તરીકે) મુંબઈમાં વર્તમાન ક્રિકેટરો સરફરાઝ ખાન અને તેના ભાઈ મુશીર ખાન સાથે અન્ડર-19 ક્રિકેટ રમી હતી. તે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના નિર્ણયથી ખૂબ ખુશ છે. તેણે કહ્યું, `એક સમયે મને ડર લાગ્યો હતો કે હું ક્રિકેટ ફરી કદાચ ક્યારેય નહીં રમી શકું.'