Sun May 31 2026

Logo

આણંદના અડાસ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો મોટો હિસ્સો ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળી

2026-05-31 14:19:41
Author: Vimal Prajapati
Article Image

આણંદ: ગુજરાતમાં વધુ એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેની કારણે ફરી એકવાર સરકારી કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. આણંદ જિલ્લાના અડાસ ગામ પાસે બની રહેલા રેલવે ઓવરબ્રિજનો એક મોટો અને ભારેખમ હિસ્સો અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો છે. જો કે, રાહતના સમાચાર એ છે કે આ અકસ્માત સમયે ઘટનાસ્થળે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે.

15 મહિનાથી ચાલતું હતું કામ

મળતી માહિતી મુજબ, અડાસ ગામને નેશનલ હાઈવે સાથે જોડતા આ ઓવરબ્રિજનું નિર્માણ રેલવેની ગતિ શક્તિ યુનિટ આ બ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા આશરે 15 મહિનાથી આ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બ્રિજના પિલર પર ગોઠવવામાં આવેલા ભારેખમ સિમેન્ટના ગર્ડર અચાનક જમીનદોસ્ત થઈ ગયા હતા.

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્રિજ પર મૂકવામાં આવેલા 50 ફૂટથી વધુ લાંબા એવા 3 ગર્ડર એકાએક નીચે ખાબક્યા છે. અકસ્માત એટલો ભયાનક અને તીવ્ર હતો કે તેના અવાજના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ વહીવટી તંત્ર અને રેલવે વિભાગ એક્શન મોડમાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. 

વહીવટી અને ટેકનિકલ તપાસ શરૂ કરી દેવામાં આવી

અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે રેલવે વિભાગના પ્રાંત અધિકારી, DySP અને ટેકનિકલ વિંગની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લઈને વિસ્તૃત વહીવટી અને ટેકનિકલ તપાસ શરૂ કરી દીધી છે. વડોદરા રેલવે પીઆરઓ ના સત્તાવાર નિવેદન પ્રમાણે આ ઘટના બ્રિજના અપ્રોચ ગર્ડર તૂટવાના કારણે થઈ છે, જે મુખ્ય રેલવે ટ્રેકથી ઘણો દૂર છે. આ દુર્ઘટનાને કારણે ટ્રેનોના સંચાલન કે સામાન્ય રોડ ટ્રાફિક પર કોઈ પણ પ્રકારની માઠી અસર થઈ નથી અને કોઈ રૂટ ડાયવર્ઝન કરવાની જરૂર પડી નથી.