Sat Sep 05 2026

Logo

અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના ખાર્ગ ટાપુ પર અનેક હુમલા કર્યા

Tehran   2026-04-07 18:33:00
Author: Chandrakant Kanoja
અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના ખાર્ગ ટાપુ પર અનેક હુમલા કર્યા

તહેરાન : અમેરિકા અને ઇઝરાયલે નક્કી કરેલી સમય મર્યાદા પૂર્વે જ ઈરાનના ખાર્ગ ટાપુ પર અનેક હુમલા કર્યા છે. તેમજ દક્ષિણ ઇરાનમાં સ્થિત કોમ શહેર નજીક એક પુલને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ઇરાનના મશહદ શહેરમા રેલવે સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. 

હુમલા બાદ પ્રદેશમાં તણાવ વધ્યો 

આ હુમલો તહેરાનની દક્ષિણમાં સ્થિત કોમની બહાર થયો હતો. ડેપ્યુટી ગવર્નર મોર્તેઝા હૈદરીએ જણાવ્યું હતું કે થોડી મિનિટો પહેલા કોમને જોડતા પુલને નિશાન બનાવવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આ હુમલો અમેરિકા  અને ઇઝરાયલ દ્વારા પ્રોજેક્ટાઇલનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ પ્રદેશમાં તણાવ વધી ગયો છે.

મશહદમાં રેલવે સેવાઓ અચાનક સ્થગિત

આ ઉપરાંત ઈરાનના ઉત્તરપૂર્વીય શહેર મશહદમાં રેલવે સેવાઓ અચાનક સ્થગિત કરી દેવામાં આવી છે. સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શહેરના ગવર્નરે તાત્કાલિક અસરથી સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી ચાલતી બધી ટ્રેનો રદ કરી દીધી છે. જ્યારે ઈઝરાયલે ઈરાની નાગરિકોને રેલ્વેથી દૂર રહેવાની ચેતવણી આપી છે.

ઈરાનનો રાતોરાત નાશ કરી શકે છે

ઉલ્લેખનીય છે કે, સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.જેમાં તેમણે  ચેતવણી આપી હતી કે ઈરાનનો રાતોરાત નાશ કરી શકે છે  અને આ આવતીકાલે વહેલી તકે થઈ શકે છે. જોકે, તેમણે એ પણ ખુલાસો કર્યો હતો કે યુદ્ધવિરામ માટે હાલમાં મધ્યસ્થી દ્વારા વાટાઘાટો ચાલી રહ્યો છે.