Thu Apr 30 2026

Logo

મે મહિનામાં કાળઝાળ ગરમીમાં મળશે રાહત? હવામાન નિષ્ણાતની જાણો લેટેસ્ટ આગાહી

2026-04-30 22:07:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદ: રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમીનું જોર ઘટશે અને મે મહિનામાં આંધી, વંટોળ અને કમોસમી વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જો અત્યારે વરસાદ થાય છે તો લોકોને ગરમીથી મોટી રાહત મળવાની છે. અત્યારે કાળઝાળ ગરમી પડી હી છે.

તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે

આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. હાલ જે તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે, તે ઘટીને 40 ડિગ્રીની આસપાસ આવી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા તેમજ પંચમહાલ અને મહીસાગરમાં ગરમીથી આંશિક રાહત મળશે.

6 થી 12 મે દરમિયાન ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા

હવામાન નિષ્ણાતની આગાહી પ્રમાણે, આગામી 6 થી 12 મે દરમિયાન ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગ પકડશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત 23 મેના રોજ પણ અણધાર્યો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સાથે સાથે મે મહિનામાં પવનનું જોર પણ વધશે. 11 થી 20 મે દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં તીવ્ર આંધી-વંટોળ અને ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. જેના કારણે જનજીવન અને ખેતી પર તેની સીધી અસર જોવા મળી શકે છે.

આગામી 15 મે બાદ અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય થઈ શકે છે. જેથી મે મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે. જ્યારે જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગર વધુ સક્રિય જણાતા 8 જૂન બાદ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું આકાર લે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.