Thu Oct 01 2026

Logo

નવરાત્રિમાં મેઘતાંડવના એંધાણ: અંબાલાલ પટેલે કરી વરસાદની નવી આગાહી

2026-09-28 08:25:00
Author: Mayur Patel
નવરાત્રિમાં મેઘતાંડવના એંધાણ: અંબાલાલ પટેલે કરી વરસાદની નવી આગાહી

અમદાવાદઃ રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં એક પણ તાલુકામાં વરસાદ વરસ્યો નથી. જોકે આ દરમિયાન રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે કહ્યું કે, 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ખેલૈયાઓની મજા બગડી શકે છે.

શું કહ્યું અંબાલાલે

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. નવરાત્રિના પાવન પર્વ પર વરસાદી વિઘ્નના એંધાણ મળતાં ખેલૈયાઓ અને ગરબા આયોજકોના જીવ તાળવે ચોંટ્યા છે. આજથી જ રાજ્યના વિવિધ ભાગોમાં આકાશમાં વાદળો ઘેરાવાની શરૂઆત થઈ શકે છે. ખાસ કરીને 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. જો અલ નીનોની કોઈ વિપરીત અસર નહીં થાય, તો મેઘરાજા રાજ્યના અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસી શકે છે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ અસર 

આગાહી અનુસાર, આ આગામી વરસાદી રાઉન્ડની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના પંથકોમાં જોવા મળી શકે છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, હવામાનમાં માત્ર વરસાદ જ નહીં પરંતુ તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે. આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધશે. ત્યારબાદ 16 ઓક્ટોબરની આસપાસ હવામાનમાં વધુ એક મોટો પલટો આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

છઠ્ઠા નોરતાથી દશેરા સુધી મેઘતાંડવનું જોખમ: ખેલૈયા-આયોજકો ચિંતિત

ખેડૂતો માટે આ આગાહી જેટલી ખુશી લાવી છે, તેટલી જ ચિંતા ગરબા રસિકો માટે ઊભી થઈ છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, નવરાત્રિના છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે છે.

તહેવારના મુખ્ય દિવસોમાં જ વરસાદ પડવાની સંભાવનાને પગલે ખુલ્લા મેદાનમાં રાસ-ગરબાનું આયોજન કરતા આયોજકો માટે મોટું આર્થિક જોખમ ઊભું થયું છે. ગરબે ઘૂમવા માટે થનગની રહેલા યુવાધન અને ખેલૈયાઓમાં પણ વરસાદી વિઘ્નને કારણે નિરાશા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોણ છે અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947 ના રોજ અમદાવાદ જિલ્લાના રુદાટલ ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. ખેતીવાડી સાથે નાનપણથી જ જોડાયેલા હોવાને કારણે તેમને ધરતી અને આકાશના બદલાતા મિજાજમાં હંમેશા રસ રહ્યો હતો. તેમણે આણંદની પ્રતિષ્ઠિત 'બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચર' માંથી કૃષિ વિષય સાથે B.Sc. (Agriculture) ની પદવી મેળવી છે. નોકરીની વાત કરવામાં આવે તો, વર્ષ 1972માં તેઓ ગુજરાત સરકારની બીજ પ્રમાણન એજન્સીમાં 'બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર' તરીકે જોડાયા હતા. પોતાની મહેનત અને ક્ષમતાના જોરે તેઓ પ્રગતિ કરીને મદદનીશ ખેતી નિયામક જેવા ઉચ્ચ પદ સુધી પહોંચ્યા હતા. તેમણે ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરીમાં સેવાઓ આપી અને સપ્ટેમ્બર 2005માં નિવૃત્ત થયા હતાં.