જમ્મુ-કાશ્મીર: દેશ અને દુનિયાભરના લાખો શ્રદ્ધાળુઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે પવિત્ર અમરનાથ યાત્રા 2026નો આગામી ત્રીજી જુલાઈ થી વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ભક્તો જમ્મુ બેઝ કેમ્પ ખાતે પહોંચવા લાગ્યા છે. આ દરમિયાન પવિત્ર ગુફામાંથી બાબા બર્ફાનીની પ્રથમ તસવીર પણ સામે આવી છે, જેણે શિવભક્તોની આસ્થા અને ઉત્સાહ બમણો કરી દીધો છે. જો કે, આ નવી તસવીરો જોયા બાદ શ્રદ્ધાળુઓના મનમાં એક ચિંતા અને સવાલ પણ ઉઠી રહ્યો છે.
નવી તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા અને શ્રદ્ધાળુઓ વચ્ચે એવો સવાલ ચર્ચામાં છે કે શું ગરમીના કારણે યાત્રાના પહેલા જ અઠવાડિયામાં હિમલિંગ ઓગળી જશે (અંતર્ધ્યાન થઈ જશે)? જો કે, આ સવાલનો જવાબ 'ના' છે. બાબા બર્ફાનીનું હિમલિંગ ધીમે-ધીમે કુદરતી પ્રક્રિયાથી ઓગળે છે. આ ઉપરાંત, જો બરફ ઓગળી પણ જાય તો પણ પવિત્ર ગુફાનું ધાર્મિક મહત્વ એટલું જ રહે છે અને ભક્તો સમગ્ર યાત્રા દરમિયાન ત્યાં દર્શન માટે જતા હોય છે.
ત્રીજી જુલાઈથી શરૂ થનારી આ પવિત્ર યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો કાલે એટલે કે ૨જી જુલાઈ ના રોજ જમ્મુથી રવાના થશે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા કાલે સવારે લીલી ઝંડી બતાવીને આ પ્રથમ જથ્થાને રવાના કરશે. આ માટે જમ્મુના ભગવતી નગર સ્થિત યાત્રી નિવાસ બેઝ કેમ્પમાં હજારો શ્રદ્ધાળુઓની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે અને સમગ્ર વાતાવરણ 'બમ બમ ભોલે' અને 'હર હર મહાદેવ' ના નારાઓથી ગુંજી ઉઠ્યું છે.
રાજસ્થાનના બિકાનેરથી આવેલા એક શ્રદ્ધાળુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમરનાથ શ્રાઈન બોર્ડ અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા તેમજ રહેવા-જમવાની જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે એકદમ પર્ફેક્ટ છે. અમને અહીં કોઈ તકલીફ પડી નથી. તો વળી, પ્રથમ વખત યાત્રાએ જઈ રહેલા અન્ય એક ભક્તે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, હું વર્ષોથી બાબાના ધામમાં જવા ઈચ્છતો હતો અને આજે મારી એ ઈચ્છા પૂરી થઈ રહી છે. લાંબી લાઈનોમાં ઊભા રહ્યા પછી પણ અમારો એક જ હેતુ છે બાબા બર્ફાનીના અદભુત દર્શન કરવા.
પ્રશાસન દ્વારા આ વર્ષે યાત્રાના રૂટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ડ્રોન તેમજ સીસીટીવી કેમેરા દ્વારા દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.