ગુજરાત સરકાર એક્શનમાં: સિવિલ અને SVP હોસ્પિટલમાં સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ તૈયાર, તંત્રએ આપ્યું મહત્ત્વનું નિવેદન
અમદાવાદઃ વિશ્વના અનેક દેશોમાં ઈબોલા કહેર મચાવી રહ્યો છે. ભારતમાં પણ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ દરમિયાન ગુજરાતમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. સાઉથ આફ્રિકાથી આવેલા 11 મુસાફરોને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.
સાવચેતીને કારણે આઈસોલેટ
મળતી વિગત પ્રમાણે હોમ આઈસોલેટ કરવામાં આવેલા તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. જોકે, તેમનામાં ઈબોલાના પણ લક્ષણ દેખાયા નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમને હોમ આઈસોલેટ રખાયા છે.
રવિવારે ગુજરાત સરકારે ઈબોલાને લઈ સમીક્ષા બેઠક યોજી હતી. આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં પ્રધાને કહ્યું હતું કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સૌથી વધુ પ્રભાવિત અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
ચિંતાનું કોઈ કારણ નથી
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાંજના 6:00 વાગ્યાથી લઈને સવારના 10:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ પેસેન્જરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ સ્ક્રીનિંગ માત્ર પ્રભાવિત અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે જ છે, અન્ય દેશોના મુસાફરો માટે કોઈ ચિંતાનું કારણ નથી.
હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા
કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટેની આગોતરી તૈયારીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 32 બેડ અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 10 બેડની ડેઝિગ્નેટેડ એપેક્સ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત, શંકાસ્પદ પેસેન્જરોની સારવાર માટે એસ. વી. પી. હોસ્પિટલ- અમદાવાદ ખાતે પણ 60 બેડના અલાયદા આઇસોલેશન વોર્ડ અને વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે.
સંક્રમણ ફેલાય નહીં, તેથી સાવધ
જો કોઈ મુસાફર શંકાસ્પદ જણાશે તો ભારત સરકારની ગાઈડલાઈન મુજબ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી શકાય તેવી રાજ્ય સરકારની પૂરી તૈયારી છે. જોકે, આવી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય તેવી આશા પણ સરકારે વ્યક્ત કરી હતી.
નાગરિકોને આશ્વસ્ત કરતા આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, હાલ સમગ્ર ભારતમાં કે ગુજરાતમાં ઈબોલા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. આથી જનતાએ સહેજ પણ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી. સંક્રમણ ફેલાવવાની કોઈ શક્યતા ન રહે તે માટે માત્ર સંબંધિત દેશોમાંથી આવતા મુસાફરોએ જ તકેદારી રાખવાની છે.