Tue Apr 28 2026

Logo

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અખિલેશ યાદવની સપાએ પણ જીત મેળવી

2026-04-28 16:09:19
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થઇ રહ્યા છે. જેમાં આમ આદમી  પાર્ટી, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, AIMIM સાથે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પણ અમુક બેઠકો પર વિજય મેળવ્યો છે. આ વખતે સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પોરબંદરની કુતિયાણા અને ખેડાના કઠલાલ બેઠક પર વિજય મેળવ્યો છે. 

ધારાસભ્ય કાંધલ જાડેજાનો જાદુ ચાલ્યો

આ અંગે મળતી માહિતી મુજબ પોરબંદર જિલ્લાની કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પરિણામો જાહેર થઈ ગયા છે. આ ચૂંટણીમાં પણ ધારાસભ્ય કાંધલ જાડેજાનો જાદુ ચાલ્યો છે. તેમની પેનલે  સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રભીબેન કાનાભાઈ રાયગા સાથે  આ બેઠક પર શાનદાર વિજય મેળવ્યો છે. જયારે  ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં પણ વિજય મેળવ્યો છે.

પક્ષના કાર્યકરોમાં ઉજવણીનો ઉત્સાહ 

જોકે, કુતિયાણામાં ભાજપ અને અન્ય પક્ષોએ આ બેઠક જીતવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ સ્થાનિક સ્તરે કાંધલ જાડેજા અને તેમના પક્ષના નેટવર્કના વ્યૂહાત્મક આયોજન સામે કોઈ ટકી શક્યું નહીં. મત ગણતરી પછી રાકેશભાઈને વિજેતા જાહેર થતાં જ પક્ષના કાર્યકરોમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. 

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીની એન્ટ્રી 

આ ઉપરાંત  અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી, AIMIM એ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એન્ટ્રી કરી છે. ડિંડ્રોલ તાલુકા પંચાયત બેઠક પર AIMIM ના ઉમેદવારે કોંગ્રેસ અને ભાજપ બંનેને હરાવીને વિજય મેળવ્યો છે. જેમાં સિદ્ધપુર ક્ષેત્રમાં AIMIM એ પહેલીવાર પોતાનું ખાતું ખોલ્યું છે.જ્યારે અબ્બાસ અલીમાદ આસામીને 1877  મતોના માર્જિનથી ડિંડ્રોલ તાલુકા પંચાયત બેઠકના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.