Wed May 20 2026

Logo

અજબ ગજબની દુનિયા

2026-03-25 08:14:58
Author: હેન્રી શાસ્ત્રી
Article Image

હેન્રી શાસ્ત્રી

15 વર્ષના કિશોરનું બસ પરાક્રમ

ગર્લફ્રેન્ડ માટે બોયફ્રેન્ડ શું શું કરી શકે એની વ્યાખ્યા બાંધવી  મુશ્કિલ હી નહીં નામુમકીન હૈ.  ‘કહે તો આસમાં સે ચાંદ તારે તોડ લાઉં’ એ ગઈકાલની ઓફર હતી. આજની તારીખમાં તો વાત આખેઆખી બસ ઉપાડી જવા સુધી પહોંચી ગઈ છે. એક સમયે હિટલરના દમનકારી શાસનનો ભોગ બનેલા જર્મનીમાં 15 વર્ષના એક કિશોરએ ગર્લફ્રેન્ડ માટે કરેલા પરાક્રમની વાત સાંભળ્યા પછી તમારું મોઢું આશ્ચર્યથી પહોળું ન થાય તો જ નવાઈ. 

સૂરજદાદાનો પ્રકાશ રેલાય એ પહેલા સવારના છ વાગ્યે 15 વર્ષનો કિશોર બિલ્લીપગે બસ ડેપોમાં ઘૂસ્યો. અંદર જઈને એક બસની માસ્ટર કી (રેગ્યુલર ચાવી ન મળતી હોય ત્યારે કામ લાગતી ચાવી)ની મદદથી કોઈને જાણ ન થાય એમ બસ હંકારી નીકળી ગયો. સિક્યોરિટી સિસ્ટમ કાર્યરત હોવાથી આ ચોરી સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગઈ. બસ સર્વિસના વ્યવસ્થાપને માની લીધું કે કોઈ ડ્રાઈવર જ બસ લઈને નીકળ્યો હશે. 

જોકે, સ્ટાફમાં પૂછપરછ કરતા જાણ થઈ કે બસ મુસાફરો માટે નહોતી નીકળી, બલ્કે એની ચોરી કરવામાં આવી હતી. ટેકનોલોજી (જીપીએસ પોઝિશનિંગ ડિવાઈસ)થી બસ કયા વિસ્તારમાં છે એની જાણ પોલીસને તરત થઈ ગઈ. 80 કિલોમીટર દૂર આવેલા શહેરમાંથી એ બસ શોધી કાઢી અને એ બસ 15 વર્ષનો કિશોર ચલાવતો હોવાની જાણ થતા પોલીસ ચોંકી ગઈ. 

રસપ્રદ વાત એ છે કે આ ‘કિશોર કુમાર’એ પોતાની 14 વર્ષની ગર્લફ્રેન્ડને સ્કૂલે મૂકી જવા આ હેરતઅંગેજ ચોરી કરી હતી. 15 વર્ષના બાળકને ચાવી કેવી રીતે મળી અને એ આવડી મોટી બસ કઈ રીતે ચલાવી શક્યો એ વાતથી પોલીસ ચકરાવે ચડી ગઈ છે. કાયદો કાયદાનું કામ કરે એ ધોરણે ચોરી અને લાઈસન્સ વિના બસ ચલાવવાના આરોપ કિશોર પર મૂકવામાં આવ્યા છે.

ઍન્ટાર્કટિકાના આરક્ષણનો આગ્રહ

ભારતમાં લોકશાહી છે. ખરડો અને કાયદો (BILL and ACT)એ બે વાત લોકશાહી દેશ માટે અત્યંત મહત્ત્વ ધરાવે છે. સંસદમાં ખરડો રજૂ થાય અને બહુમતિથી પસાર થઈ સહી સિક્કા થયા બાદ એ કાયદો બને. લોકસભામાં Indian Antarctica Bill, 2022તરીકે ઓળખ મેળવનાર આ ખરડો એક ચોક્કસ હેતુ સાથે પસાર કરવામાં આવ્યો હતો. એ પસાર થવાને કારણે દક્ષિણ ધ્રુવમાં (એન્ટાર્કટિકા દક્ષિણ ધ્રુવમાં આવેલો પ્રદેશ છે) ભારતીય નાગરિક દ્વારા કરવામાં આવતા સંશોધન કે અન્ય કોઈ પ્રવૃત્તિને કારણે કોઈ આંતરરાષ્ટ્રીય સંધિનો ભંગ હવે નહીં થાય. 

1981માં ભારતે એન્ટાર્કટિકામાં હેતુપૂર્વક પ્રવાસ શરૂ કર્યા પછી 41 વર્ષમાં કોઈ ચોક્કસ કાયદો અસ્તિત્વમાં નહોતો. આ ખરડાને પગલે એન્ટાર્કટિકાનાં સંશોધન કેન્દ્રો ભારતના અધિકારક્ષેત્ર હેઠળ આવી જાય એ છે. ખરડાને કારણે એ વિસ્તારમાં થતી પ્રવૃત્તિઓનું નિયમન તો થશે જ, જેનો 98 ટકા વિસ્તાર બરફની ચાદર હેઠળ ઢંકાયેલો રહે છે એ એન્ટાર્કટિકાના મૂળ વાતાવરણને પ્રદૂષણ, રેડિયો એક્ટિવ પ્રયોગ અને અન્ય બાહ્ય સમસ્યાથી રક્ષણ મળશે. 

આ અત્યંત મહત્ત્વની અને દૂરગામી બાબત છે. એન્ટાર્કટિકા પરના કોઈ પણ ભારતીય સાહસ સાથે સંલગ્ન વ્યક્તિ, જહાજ કે વિમાનને આ ખરડો લાગુ પડશે. ટૂંકમાં આ પ્રદેશ હવે બોડી બામણીના ખેતર જેવો નહીં રહે જેનું કોઈ ધણી ધોરી ન હોય. પ્રત્યેક દેશવાસીએ સજાગ 
રહેવું પડશે.

કલ્પના બહારનું પુનર્મિલન

સંબંધો બંધાતાં વર્ષોના વર્ષ લાગે, તૂટવા માટે ક્ષણ પણ કાફી થઈ પડતી હોય છે. એકવીસમી સદીમાં લગ્નજીવનની ગાંઠમાં બે જણ બંધાઈ ગયા પછી એ ગાંઠ ક્યારે અને કેમ તૂટી પડે એના કોઈ ધોરણ કે કારણ નથી હોતા. જોકે, એ પણ એટલી જ સાચી વાત છે કે પુનર્મિલન પણ કલ્પના બહારનું હોય છે. યુએસના એરિઝોના સ્ટેટના રહેવાસી નોરા અને ક્રિસ્ટોફરની મિલના, બિછડના ઔર ફિર મિલનાની કથા પણ દિલચસ્પ છે. 

12 વર્ષ પહેલા છૂટાછેડા થયા પછી બંનેએ સપનામાં પણ નહોતું ધાર્યું કે ‘ફેસબુક’નો એક સામાન્ય મેસેજ તેમનું આયુષ્ય બદલી નાખશે. વીસેક વર્ષ પહેલા ક્રિસ્ટોફર - નોરાનાં લગ્ન થયાં હતાં. અલબત્ત, એકવીસમી સદીમાં ઘણા યુગલમાં થાય છે એમ કશીક વાતે એવું વાંકું પડ્યું કે એક છત નીચે સાથે નહીં રહી શકાય એવી લાગણી થઈ અને ડિવોર્સ લઈ લીધા. છેડા છૂટા થયા પછી ક્રિસ્ટોફરે અન્ય ક્ધયા સાથે છેડા બાંધી લીધા અને નવા લગ્નજીવનમાં એ બે પુત્રનો પિતા પણ બન્યો. આ તરફ નોરાએ પણ એક પુત્રને જન્મ આપ્યો. 

જોકે, છૂટાછેડા નોરાની ભૂલને કારણે થયા હોવાથી એના દિલના એક ખૂણામાં ક્રિસ્ટોફર હાજર હતો. એક સમય એવો આવ્યો કે નોરા ફરી ક્રિસ્ટોફરના સપનાં જોવા લાગી અને એક દિવસ ‘ફેસબુક’ પર એને મેસેજ કર્યો. જોકે, એને ખબર નહોતી કે ક્રિસ્ટોફરના ફરી લગ્ન થઈ ગયાં છે. ક્રિસ્ટોફર સોશ્યલ મીડિયા પર બહુ એક્ટિવ ન રહેતો હોવાથી બે મહિના પછી મેસેજ જોયો અને... 

વાત એમ હતી કે બીજી પત્ની સાથે ક્રિસ્ટોફર ખુશ નહોતો. 12 વર્ષ પછી નોરા - ક્રિસ્ટોફર ફરી મળ્યા અને જૂની સ્મૃતિઓ લાગણીઓનાં પૂર ઊમટ્યાં. 12 વર્ષમાં બંનેમાં ખૂબ પરિવર્તન આવી ગયું હતું. છૂટાછેડા પછી નોરા ક્રિસ્ટોફરના પરિવાર સાથે સંપર્કમાં હતી. એટલે ક્રિસ્ટોફર સાથે પુનર્મિલનની વાત બધાએ વધાવી લીધી. ક્રિસ્ટોફરે બીજી પત્નીને ડિવોર્સ આપ્યા અને બિછડે યાર ફિર મિલ ગએ. અજબ દુનિયાની ગજબ વાત, બીજું શું?

એકવીસમી સદીની અંધશ્રદ્ધા

અંધશ્રદ્ધા, પછાતપણું જેવી બાબત આપણા જ દેશમાં જોવા મળે છે એવી ગેરસમજ રાખવી નહીં કે એવા ભ્રમ-વહેમમાં રહેવું નહીં. કદાચ આપણે ત્યાં એની માત્રા અને વ્યાપ વધુ હશે. એકવીસમી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ જબરજસ્ત પ્રગતિ કરતા માનવજીવન અને વિચારધારામાં ક્રાંતિ આવી ગઈ હોવા છતાં દેશ-દેશાવરમાં એવી ઘટના બનતી રહે છે જે હજુ પણ માનસિક રીતે આપણે હજી પછાત છીએ એનું પ્રતિબિંબ દર્શાવે છે. 

સાંસ્કૃતિક સમૃદ્ધિ ધરાવતા યુરોપિયન દેશ સ્પેનના એક ગામમાં ‘બેબી જમ્પિંગ ફેસ્ટિવલ’ તરીકે ઓળખાતો એક વિધિ દર વર્ષે જૂન મહિનામાં છેલ્લા 500 વર્ષથી પાર પાડવામાં આવે છે. આ વિચિત્ર વિધિ દરમિયાન ગામવાસીઓ અને ટુરિસ્ટો પોતાના એક વર્ષથી નાની ઉંમરનાં બાળકોને ગામની સડક પર પાથરેલી એક ચટાઈ પર સૂવડાવે છે. થોડી વાર પછી ડ્રમ વગાડતા ‘પવિત્ર પુરૂષો’નું આગમન થાય છે અને તે બાળકો પરથી કૂદાકૂદ કરતા આગળ વધે છે. ત્યારબાદ બાળકો પર ગુલાબની પાંદડીઓનો છંટકાવ કરી બાળકને શાંત પાડવા નજીક હાજર રહેલા માતા-પિતાને સોંપી દેવાય છે. 

આ વિધિને કારણે બાળકોને પૂર્વ જન્મના પાપમાંથી મુક્તિ મળે છે અને હવે પછીના જીવનમાં રોગ અને કમનસીબી સામે રક્ષણ મળે છે એવી વિચિત્ર અને અણઘડ માન્યતા છે. આ પ્રથામાં સહભાગી થવા માગતા ટુરિસ્ટોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી ગામવાસીઓ ઉજવણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. કેવું વિચિત્ર અને વાંધાજનક કહેવાય કે બાળકના રક્ષણ માટે એનું ભક્ષણ થવાની સંભાવના ધરાવતી પ્રથા આજની તારીખમાં પણ અસ્તિત્વમાં છે.

લ્યો કરો વાત 

સ્વિટ્ઝર્લેન્ડ એક લેન્ડલોકડ કન્ટ્રી (ગુજરાતી શબ્દ છે ભુવેષ્ટિત દેશ) છે. જે દેશ ચારે બાજુએથી જમીનથી ઘેરાયેલો હોય અને સમુદ્ર માર્ગ સાથે સીધું જોડાણ ન ધરાવતો દેશ લેન્ડલોક્ડ કન્ટ્રી તરીકે ઓળખાય છે. વિશ્વમાં આવા 49 દેશ છે, જેમાં સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ છે. આ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિને કારણે આવા દેશો દરિયાઈ માર્ગે વેપાર કરવાથી વંચિત રહે છે, જેની માઠી અસર દેશના અર્થતંત્ર પર પડતી હોવાનું ઇતિહાસ કહે છે. 

એવા મુઠ્ઠીભર દેશો છે જે લેન્ડલોક્ડ કન્ટ્રી હોવા છતાં આર્થિક સમૃદ્ધિ ધરાવે છે અને એમાં સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ છે. 1990 પહેલા વિશ્વમાં લેન્ડલોકડ કન્ટ્રીની સંખ્યા 30 હતી. ત્યારબાદ સોવિયેત યુનિયન, ચેકોસ્લોવેકિયા અને યુગોસ્લાવિયામાં થયેલા ભૌગોલિક ફેરફારને પગલે આ પ્રકારના દેશની સંખ્યામાં વધારો થયો.