અમદાવાદઃ લગભગ છ અઠવાડિયા સુધી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)-આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમ ચલાવ્યા પછી, અમદાવાદ આરટીઓ સુભાષબ્રિજ સુવિધા ખાતે બીજો ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઊભો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ટ્રેક શરૂ થયા બાદ ડ્રાઈવિંગ લાયસન્સનું કામ ઝડપી બનશે અને અરજી કરનારાઓનો સમય બચશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
હાલમાં, અમદાવાદ આરટીઓ પાસે ફક્ત એક જ એઆઈ-સક્ષમ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે, જેના કારણે ટુ-વ્હીલર લાઇસન્સ ટેસ્ટ માટે લગભગ 30 દિવસ અને ફોર-વ્હીલર લાઇસન્સ માટે ટેસ્ટ માટે 50 થી 55 દિવસનો વેઇટિંગ પીરિયડ પડે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બીજા ટ્રેક માટે આયોજન ચાલી રહ્યું છે, અને તે આગામી આઠ મહિનામાં કાર્યરત થવાની સંભાવના છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે અરજદારોની વધતી સંખ્યા, એઆઈ-આધારિત ટેસ્ટિંગમાં નિષ્ફળતાનો ઊંચો દરને કરાણે બેકલૉગ થતા હવે બીજો એક ટ્રેક બનાવવામાં આવશે, તેમ અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત હજુ એક એઆઈ ટ્રેક બનાવવામાં આવશે, જેથી શહેરમાં કુલ 3 ટ્રેક બનશે.
આરટીઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલની સુવિધા એઆઈ-આધારિત ટેસ્ટિંગના પહેલા મહિનાના ડેટા મુજબ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર અરજદારો વચ્ચે પાસ દરમાં તીવ્ર તફાવત જોવા મળે છે. 2,060 લાઇટ મોટર વ્હીકલ ટેસ્ટિંગમાંથી, ફક્ત 20% અરજદારો જ પાસ થયા, તેની તુલનામાં, અગાઉ 3,456 ટુ-વ્હીલર અરજદારોમાંથી લગભગ 70% અરજદારોએ ટેસ્ટ પાસ કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ફોર વ્હીલર અરજદારોમાં લગભગ 80% પાર્કિંગ ન યોગ્ય રીતે ન કરી શકતા નાપાસ થયા હતા જ્યારે ટુ વ્હીલર ઉમેદવારો માટે, ટેસ્ટ દરમિયાન પગ નીચે રાખવો એ નાપાસ થવાનું મુખ્ય કારણ હતું. હાલમાં અહીં દરરોજ 180 ટુ વ્હીલર ટેસ્ટ અને 100 થી 110 ફોર વ્હીલર ટેસ્ટ થઈ રહ્યા છે.