અમદાવાદઃ અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકો દ્વારા તારીખ 7 સપ્ટેમ્બરથી હડતાળ શરૂ કરવામાં આવી હતી. આ હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. તારીખ 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી ચાલેલી હડતાળ મિશ્ર પ્રતિસાદ બાદ પૂર્ણ થઈ ગઈ છે. કેટલાક રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોએ હડતાળને સમર્થન આપ્યું હતું. જ્યારે કેટલાકે રોજની કમાણીથી ગુજરાન ચાલતું હોવાથી હડતાળ નથી પોસાતી તેવું કહીને પોતાનું કામ ચાલુ રાખ્યું હતું.
હડતાળના કારણે લોકોએ પરેશાની વેઠવી પડી
જો કે, આ દરમિયાન કેટલાક રિક્ષા ચાલકોએ અન્ય ડ્રાઈવરોને પરાણે હડતાળમાં સામેલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં પછી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો મળ્યા હતા. આ હડતાળના કારણે લોકોએ પરેશાની વેઠવી પડી હતી અને અમુક રિક્ષાચલાકોએ પણ લૂંટ ચલાવી હતી. બીજી બાજુ એએમટીએસ અને બીઆરટીએસની બસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને સવારે નોકરી-ધંધા માટે જતા લોકો, વિદ્યાર્થીઓ અને દરદીઓને રિક્ષાની હડતાળને કારણે મુશ્કેલીઓ ભોગવવી પડી હોવાની ફરિયાદો થતી હતી.
ઉબેર કંપનીએ રિક્ષા-ટેક્સી ચાલકો સાથે શું વાત કરી?
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, આજે ઉબેર કંપનીએ રિક્ષાના અલગ અલગ સંગઠનો અને ટેક્સીના અલગ અલગ સંગઠનોના આગેવાનોને ચર્ચા માટે બોલાવ્યાં હતાં. આ દરમિયાન ઉબેર કંપની દ્વારા આ લોકોની કેટલીક માંગણીઓને સ્વીકારવામાં આવી, જ્યારે કેટલીક માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જો કે, બાકી રાઇડ-શેરિંગ કંપની સાથે સંગઠનોની કોઈ બેઠક થઈ હોવાનું જાણવા મળ્યું નથી. આ તમામ મિશ્ર પ્રતિસાદ અને માંગણીઓ સાથે હડતાળ પૂર્ણ કરી દેવામાં આવી છે.