Fri Jun 12 2026

Logo

રાજકોટ-અમદાવાદ હાઈવે આઠ વર્ષે પણ અધુરો, કુવાડવા પાસે ફ્લાયઓવર પાસે ટ્રાફિક જામની ભીતિ

2026-06-12 12:38:00
Author: Mumbai Samachar Team
Article Image

રાજકોટઃ વર્ષ 2018માં અમદાવાદ-રાજકોટ હાઈવે તૈયાર કરવા માટે જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો એને આઠ વર્ષ થયા હોવા છતા રસ્તાની કામગીરી પૂરી થઈ નથી.રાજકોટ-કુવાડવા રોડ પર જે ફ્લાયઓવર તૈયાર કરવામાં આવી રહ્યો છે એ હજુ સુધી પૂરો થયો નથી. ગોળાર્ધમાં તૈયાર થનારો બ્રિજ હજુ સુધી પૂરો થયો નથી. અમદાવાદ-રાજકોટ વચ્ચે 218 કિમીનો હાઈવે સિક્સલેન કરવાની વાત હતી અને આ પ્રોજેક્ટ માટે 3350 કરોડ રૂપિયા મંજૂર કરાયા હતા. આઠ-આઠ વર્ષ થયા હોવા છતાં આ હાઈવે હજુ સુધી પૂરો થયો નથી. સૂત્રોમાંથી વિગત હવે એવી મળી રહી છે કે, આ હાઈવે જાન્યુઆરી મહિનામાં તૈયાર થઈ જશે અને પ્રોજેક્ટ પૂરો થશે.સમગ્ર પ્રોજેક્ટ પૂરો થતા રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા તથા મોરબી સહિતના લોકોને અમદાવાદ સાથેની બેસ્ટ રોડ ક્નેક્ટિવિટી મળી રહેશે. 

આઠ વર્ષે પણ કામ અધુરૂ
સમગ્ર સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતો રાજકોટ-અમદાવાદ હાઈવે સિક્સ લેન પ્રોજેક્ટનું કામ આઠ વર્ષે પણ અધુરૂ છે. આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને બે વર્ષનો સમય આપવામાં આવ્યો હતો પણ આઠ-આઠ વર્ષ થયા હોવા છતા સિક્સલેન હાઈલે સંપૂર્ણ રીતે બન્યો નથી. હજુ ઘણી જગ્યાએ ડાઈવર્ઝન અને બ્રિજની કામગીરીથી અનેક વાહનચાલકો દૈનિક ધોરણે હેરાન-પરેશાન થાય છે. રાજકોટ બામણબોર વચ્ચે કુવાડવા પાસે ફ્લાયઓવરનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. આ કારણે ભોગવવાનો વારો વાહનચાલકોનો આવ્યો છે. કુવાડવા પાસે ફ્લાયઓવરનું કામ સૌથી મોટું ગણવામાં આવે છે. વરાહ ઈન્ફ્રા.ને સમગ્ર ફ્લાયઓવરનું કામ સોંપવામાં આવ્યું હતું. પણ હજુ સુધી કામ ખતમ થયું નથી. ચાર મહિના પહેલા આ કામ ભગીરથ એસોસિએટ્સને સોંપાયું હતું. નવી એજન્સીને કામ સોંપાતા સમગ્ર પ્રોજેક્ટ સપ્ટેમબર સુધીમાં ખતમ થઈ જશે એવું માનવામાં આવતું હતું. પણ કામ ખતમ થતા હાઈવે પર દૈનિક ધોરણે પસાર થતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. 

બેસ્ટ ક્નેક્ટિવિટી મળશે
આ સમગ્ર પ્રોજેક્ટનો મુદ્દો લોકસભા સુધી પડઘાયેલો છે. જુલાઈ 2025માં ભાજપના જ સાસંદે આ પ્રોજેક્ટ અંગે સવાલ કર્યા હતા. એ પછી ડીસેમ્બર 2025માં રાજકોટના ધારાસભ્યએ વિધાનસભામાં આ જ પ્રોજેક્ટને લઈને સરકારને સવાલ કર્યા હતા. હવે સ્થિતિ એવી છે કે, આવનારા થોડા દિવસમાં ચોમાસું શરૂ થવાનું છે. મોટી સંખ્યામાં વાહનચાલકો કુવાડવા પાસેથી પસાર થાય છે. ચોમાસામાં ફરી ટ્રાફિક જામ થાય એવા એંધાણ છે. અવ્યવસ્થાનો સામનો કરવો પડશે. સમગ્ર પ્રોજેક્ટ માત્ર ધીમીગતિને કારણે જ નહીં પણ ગુણવત્તાના કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. રાજકોટ અમદાવાદ હાઈવેને સૌરાષ્ટ્રના આર્થિક વિકાસ તથા ઔદ્યોગિક વિકાસ માટેનો જીવાદોરી માર્ગ માનવામાં આવે છે. સિક્સ લેન મળતા સૌરાષ્ટ્રના અનેક નાના નગરોને અમદાવાદ-ગાંધીનગરને બેસ્ટ ક્નેક્ટિવિટી મળી રહેશે. પણ હવે જાન્યુઆરી સુધીમાં બ્રિજનું કામ ખતમ થઈ જાય એવી લાખો લોકો આશા રાખીને બેઠા છે. 

ટોલટેક્સ લાગુ થશે
અમદાવાદથી સૌરાષ્ટ્રના પ્રવાસે કે કામ હેતુ બાયરોડ જતા લોકો માટે પણ કુવાડવા પાસેનો કટ હવે માથાનો દુખાવો બની રહ્યો છે. બ્રિજનું કામ ચાલું છે અને ડાઈવર્ઝનને કારણે અનેક જગ્યાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને રાત્રીના સમયે અહીંયાથી મોટાવાહનો પસાર થાય છે ત્યારે સૌથી વધારે ટ્રાફિક જામ થાય છે. આવનારા દિવસોમાં ચોમાસું શરૂ થતા કુવાડવા પાસે જામ સર્જાય એવી શક્યતાઓને નકારી શકાતી નથી. હવે ઝડપથી આ બ્રિજ સહિત તમામ ક્નેક્ટિંગ બ્રિજનું કામ ઝડપથી પૂરૂ થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે,જોકે હકીકત એવી પણ છે કે, આ સિક્સલેન હાઈવે શરૂ થઈ જતા ટોલટેક્સ શરૂ થવાની પૂરી તૈયારીઓ છે. એટલે અમદાવાદ કે ગાંધીનગર આવવું મોંઘુ પડશે અને ટિકિટના ભાવમાં પણ પૂરીરીતે વધારો થાય એવા અણસાર છે.