(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગરમાં એક એનઆરઆઈ ઉદ્યોગપતિના બંધ બંગલાને નિશાન બનાવી તસ્કરોએ અંદાજે રૂ. 99 લાખની મત્તાની ચોરી કરનાર આરોપીને નારોલ પોલીસ ઝડપી પાડ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે પોતાની કાર લઈને તે ચોરી કરવા જતો હતો. આરોપી પર 21 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનું પણ ખૂલ્યું હતું. જ્યારે પોલીસે તેને ઝડપ્યો ત્યારે તેણે સ્વીકાર્યું હતું કે તેણે ગાંધીનગરમાં એક મોટી ચોરીને અંઝામ આપ્યો હતો.
બનાવની વિગતો અનુસાર, આફ્રિકામાં સ્થાયી થયેલા પરેશભાઈ શર્મા ગત જાન્યુઆરીમાં ગાંધીનગર આવ્યા હતા, જ્યાં સાયબર ફ્રોડ અને બેંકિંગ અસુરક્ષિત હોવાના ડરથી તેમણે બેંક લોકરમાંથી પત્ની અને પુત્રવધૂઓના તમામ દાગીના તેમજ રોકડ ઉપાડી લીધા હતા. આ કિંમતી સામાનની સુરક્ષા માટે નવું ડિજિટલ લોકર ઘરે લાવ્યા હતા, જે તસ્કરો આખું ઉપાડીને ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક રીતે લોકરમાં રૂ. 80 લાખથી વધુના સોનાના દાગીના, રૂ. 2 લાખના ચાંદીના દાગીના અને 7000થી વધુ અમેરિકન ડોલર સહિત કુલ રૂ. 99 લાખનો મુદ્દામાલ હતો. ઘટનાની જાણ થતાં જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.