Fri Jun 12 2026

Logo

અમદાવાદ પ્લેન ક્રેશઃ મૃતક દંપતિની દીકરી આંસુના દરિયા સાથે પહોંચી, કેન્ટિન હોરર સાઈટ બની ગઈ

2026-06-12 09:52:00
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ 12મી જુન 2025, આ દિવસ એટલે અમદાવાદના ઈતિહાસમાં એ કાળુ પાનું જેમાં અનેક લોકોના નામ કાયમી ધોરણે લખાઈ ગયા. વિમાન મેડિકલ કૉલેજની કેન્ટિન પર પડતા જ સમગ્ર ફ્લાઈટ અગનગોળામાં ફેરવાઈ ગઈ. ઘડીના છઠ્ઠા ભાગમાં એકસાથે વિમાનમાં બેઠેલા લોકો જીવતા ભળથું થઈ ગયા. ઘટના એવી બની કે,સ્વજનોને એના ઘરના જ લોકોને ઓળખવા મુશ્કેલ બની ગયા. બપોરના સમયે બનેલી આ જીવલેણ દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિ જીવીત બચી. એમને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ડામ એમના જીવનમાં ક્યારેય ભૂલાશે નહીં અને શરીર પરથી કદાચ ભૂંસાશે પણ નહીં. આજે આ સાઈટ પર સન્નાટો છવાયેલો છે. પહેલા જેટલો કાટમાળ તો નથી પણ વિમાનમાં બેઠેલા એ પ્રવાસીઓની કેટલીક એવી વસ્તુઓ હજું એ જ પડી છે, જે એ સમયે પડી હતી. આજે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું પણ અનેક એવા પરિવારો છે જેના ઘરમાં ખાલીપો હવે કાયમી બની ગયો છે. 

ક્રેશ સાઈટ પર પહોંચ્યો પરિવાર
એક વર્ષ પહેલા જે લાગણી ભાવ સાથે વિમાનમાં આ લોકો બેઠા હશે એને ક્યાં ખબર હતી કે, આ જિંદગીની છેલ્લી સફર બની રહેશે. આ ઘટનામાં જીવ ગુમાવનાર દંપતિ રજનીકાંતભાઈ દરજી અને પુષ્પાબેનનો પરિવાર ક્રેશ સાઈટ પર પહોંચ્યા હતા અને બન્નેના ફોટો સાથે આંખમાં દરિયો ઉમટ્યો હોય એવા ડુમા-ડુંસકા સાથે, ભારે હ્દયે શ્રદ્ધાંજલી પાઠવી હતી. દીકરી માતા-પિતાનો ફોટો લઈને અહીંયા પહોંચી અને યાદ કરતા જ આંખમાં આવેલા આંસુને રોકી ન શક્યા. 262 લોકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યા છે. જે ઈમારત પર વિમાન ક્રેશ થયું એ મેડિકલ કૉલેજની કેન્ટિન છે. આજે આ કેન્ટિનની સ્થિતિ કોઈ હોરર ફિલ્મનો સેટ હોય એવી થઈ ચૂકી છે. અમુક લોકો ત્યાં જતા આજે પણ ડરે છે. આ મેશના  દરવાજા બળી ચૂક્યા છે, કેન્ટિનમાં કેટલોક સામાન પણ એ જ સ્થિતિમાં પડ્યો છે. બી.જે મેડિકલ કૉલેજની હોસ્ટેલ પર પડેલું વિમાન જાણે યમ બનીને ત્રાટક્યું હોય એવો એ માહોલ હતો. ત્યાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર, કેન્ટિન સ્ટાફ અને અન્ય લોકો પણ આ ઘટનાનો શિકાર બન્યા હતા. આ તમામ લોકો માટે 12 જુનનો દિવસ કલેજું કંપાવનારો બની રહે છે. 

સાચું કારણ બાહર જ ન આવ્યું
એર ઈન્ડિયાની ફ્લાઈટ 171માં બેઠેલા 242 મુસાફરોમાંથી એક માત્ર જીવીત બચેલા વિશ્વાસ કુમાર રમેશ આજે પોતાને નસીબદાર માનતા હશે પણ એમના ઘરમાં પણ પોતાના સ્વજન આ લોકો સાથે મૃત્યું પામ્યા એનો ખાલીપો હશે. કારણ કે એમના પણ મોટાભાઈ અજયનું આ ઘટનામાં મૃત્યુ થયું છે. રમેશ આજે પણ આ આઘાતમાંથી બાહર આવી શકતો નથી. ભલે આજે એનું જીવન દૈનિક ધોરણે યંત્રવત થઈ ચૂક્યું છે. પણ 12 જુનનો દિવસ તેઓ ક્યારેય ભૂલી નહીં શકે. વિમાન ટેકઓફ થયાની માત્ર 32 મિનિટમાં અનેક એવા લોકો જાણે યમરાજાના વાહનમાં બેઠા હોય એ માહોલ ઊભો થયો હતો. મૃતકોના સ્વજનોએ રડતી આંખે અને સ્વજનોના અભાવે આખું વર્ષ વીતાવ્યું પણ હવે તો આખું જીવન ખાલીપા સાથે જ પસાર કરવું પડશે.કોઈ પણ મોટી ઘટના બને ત્યારે તંત્ર તરફથી આદેશ મશીનગનની ગોળીઓ ફૂટે એમ નીકળતા હોય છે. તપાસનો ધમધમાટ શરૂ થાય છે, અનેક એવી એજન્સીઓની દોડધામ થઈ પણ દૂધના ઊભરા જેવી તપાસના અંતે એકવર્ષ બાદ પણ સાચું કારણ સામે આવ્યું નથી. અનેક એવા મૃતકોના પરિવારજનો રાહ જોઈને બેઠા છે કે, વિમાનક્રેશ થવા પાછળનું કારણ જાણવા મળે. પણ સમયની સેકન્ડ કાંટે ભૂસાતા ભૂંસાતા તપાસના પાના અને પ્રિન્ટની સાહીમાં હવે સાચું કારણ હશે કે નહીં એ પણ એક જુદી તપાસનો વિષય છે. 

ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રીને ગુમાવ્યા
આ વિમાન ક્રેશની ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું છે. અનેક એવા ગરીબ પરિવારો માટે આશાનું કિરણ વિજય રૂપાણી હતા, માત્ર રાજકીય દ્રષ્ટિકોણથી નહીં પણ ગ્રાઉન્ડ પર ઊતરીને ગરીબોની સેવા કરતા. એમના ટ્રસ્ટમાં અનેક એવા વિદ્યાર્થીઓ, મહિલાઓ તથા જરૂરિયાતમંદ લોકોને સેવા મળી રહી છે. પૂજીત રૂપાણી ટ્રસ્ટમાંથી નીકળેલા ગરીબ વિદ્યાર્થીઓ ડૉક્ટર એન્જિનીયર બને એવું એમનું સપનું હતું. એમના પત્ની અંજલબેને જણાવ્યું હતું કે, આ સપનું પૂરૂ કરવા માટે તેઓ ખૂબ જ મહેનત કરતા પૂજીતનું અવસાન થયા બાદ ગરીબોની મદદ કરવા માટે આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી. જેમાં પાયાના પથ્થર તરીકે વિજયભાઈ હતા. 12 જુનના દિવસ બંધુ જ અટકી ગયું પણ એમનું સપનું આજે પણ જીવંત છે. સંસ્થામાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને પોતાની ઉત્તમ કેરિયર બનાવી રહ્યા છે.