ખેલૈયાઓની સલામતી સર્વોપરી: પરમિશન, ઈમરજન્સી એક્ઝિટ અને વાયરિંગ સહિત ૩૦ શરતોનું પાલન કરવું ફરજિયાત
અમદાવાદઃ શહેરને ગામડું થવાના ઓરતા જાગ્યા, સમજો કે નોરતા આવ્યા. આવો જ કંઈક માહોલ મહાનગર અમદાવાદમાં શરૂ થઈ ગયો છે. ભાદરવા મહિનામાં એટલે હજુ ચોમાસું વિદાય થયું નથી, પરંતુ અત્યારે નવરાત્રીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ખેલૈયાઓને ગરબા ક્લાસમાં જઈને પરસેવો પાડી રહ્યા છે. એકથી એક બેસ્ટ સ્ટેપ શીખી રહ્યા છે અને પોતાના ગ્રૂપ સાથે જે તે પાર્ટીપ્લોટ ગરબામાં ગરબા કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.
માત્ર ગરબા જ નહીં પણ ડ્રેસિંગ અને એસેસરીઝની પણ ખરીદી શરૂ થઈ ગઈ છે. જેમ જેમ નોરતાના દિવસો નજીક આવશે એમ માર્કેટમાં એક અલગ માહોલ જોવા મળશે. ગતવર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના ફાયર વિભાગે જે તે પાર્ટીપ્લોટ ગરબા માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. જેનું ચુસ્તપણે પાર્ટીપ્લોટ ગરબાના આયોજકે પાલન કરવાનું રહેશે.
પાર્ટીપ્લોટ ગરબા માટે ગાઈડલાઈન્સ
ખાસ કરીને અમદાવાદના પાર્ટીપ્લોટ ગરબામાં એસી ડોમ ધરાવતા પ્રીમીયમ ગરબા મહોત્સવ તથા મિડલેવલ પાર્ટી પ્લોટની સંખ્યા આ વર્ષે વધી છે. અમદાવાદ કોર્પોરેશનના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા ખાસ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. સત્તાવાર રીતે ટૂંક સમયમાં આ જાહેરનામાને પ્રસિદ્ધ કરવામાં આવશે, જેમાં સુરક્ષાના પાસાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
ખાસ કરીને એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ તથા એસ.પી. રિંગરોડ નજીકના પાર્ટીપ્લોટ જ્યાં ડોમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એ પ્લોટમાં આ ગાઈડલાઈન્સનો અમલ કરવાનો રહેશે. ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવી શકે છે. ખેલૈયાઓની સલામતી સર્વોપરી છે આ માટે ફાયર વિભાગ દ્વારા એડવાન્સમાં પગલાં લેવાઈ રહ્યા છે. ખાસ કરીને પરમિશન, ઈમરજન્સી એક્ઝિટ, ઈલેક્ટ્રિક વાયરિંગ સહિત જુદા જુદા માપદંડોને લઈને 30 શરત નક્કી કરવામાં આવી છે.
સલામતીને પ્રાથમિકતા
હાજરો-લાખોની સંખ્યામાં નાગરિકો ગરબા રમતા હોય ત્યારે એમની સલામતી જળવાઈ રહે અને કોઈ અકસ્માત ન થાય એ માટે ફાયર એન્ડ સર્વિસ વિભાગ દ્વારા ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવી રહી છે. નવરાત્રી આયોજક દ્વારા કોઈપણ મંડપ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉનથી દૂર આયોજન કરવાનું રહેશે.
મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. ભઠ્ઠી કે વીજળીની હાઈઈન્ટેશનલ લાઈનથી ગરબાનું આયોજન દૂર કરવાનું રહેશે. પંડાલ કે ડોમની ક્ષમતા અનુસાર ખેલૈયાઓને પ્રવેશ આપવાનો રહેશે. મોટીસંખ્યામાં પાસ વિતરણ કરવામાં આવે ત્યારે ડોમ કે પંડાલની ક્ષમતાને ધ્યાને લેવાની રહેશે. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યા અનુસાર ડોમ, પંડાલ કે પ્લોટમાં સ્ટેજ બનાવતી વખતે આસપાસની સ્કૂલ, હોસ્પિટલ કે સળગી શકે એવી સામગ્રીથી આયોજન સ્થળને દૂર રાખવાનું રહેશે.
ફૂડકાઉન્ટર દૂર રાખવાના રહેશે
ફાયર ફાઈટર્સ સરળતાથી આવી શકે અને રવાના થઈ શકે એ પ્રકારને પાર્ટીપ્લોટ ગરબાનું આયોજન કરવાનું રહેશે. સબ સ્ટેશનની નજીક અને હાઈઈન્ટેન્શન લાઈન નજીક ગરબાનું કોઈ આયોજન કરી શકાશે નહીં. ડોમ કે પંડાલમાં કોઈ પ્રકાના પાર્ટીશન કરી શકાશે નહીં. ફૂડકાઉન્ટરની વ્યવસ્થા હોય તો ખેલૈયાઓના મેદાનથી દૂર રાખવાના રહેશે. વિવિધ સ્ટ્રક્ચર વચ્ચે ઓછામાં ઓછું બે મીટરનું અંતર હોવું અનિવાર્ય છે. બાહર નીકળવાનો રસ્તો ટ્રાવેલિંગ ડિસ્ટન્સ 15 મીટરથી વધારે ન હોવો જોઈએ.
બીજી તરફ બેઠક વ્યવસ્થા ગોઠવતી વખતે સીટની 10 બેઠક બાદ ઓછામાં ઓછી 1.5 મીટરની પહોળાઈનો પેસેજ ખુલ્લો રાખવાનો રહેશે. પંડાલમાં લાઈટિંગ અને વીજ પુરવઠાને લઈને સરકારના માન્ય ઈજનેર પાસે ચેકિંગ કરવવાનું રહેશે. તેનો સત્તાવાર ટેસ્ટિંગ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. સ્વિચબોર્ડ, એસી સ્વિચ તૂટેલા તે નબળા ન હોવા જોઈએ.
આ ઉપરાંત પડદા તથા કાર્પેટ આગ ઝડપથી ન ફેલાય એવી સામગ્રીથી ગોઠવેલા હોવા જોઈએ. મોટી સ્ક્રિન પર લાઈવ પ્રસારણ કરવાનું હોય તો સેફ્ટિ ફિલ્મ અચૂક પ્રદર્શિત કરવાની રહેશે.