અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે નવરાત્રિને લઈને તૈયારીઓ ચાલી રહી છે. થોડા દિવસ બાદ રાજ્યમાં ઠેરઠેર લોકો ગરબે રમતા જોવા મળશે. ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો, ગરબા માટે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તારીખ 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન કેટલા નિયમોનું પાલન કરવાનું પડશે! જેથી પોલીસ કમિશનરે આ મામલે સત્તાવાર રીતે જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું છે. ક્લબ, પાર્ટી પ્લોટ, સોસાયટીઓ અને શેરી ગરબા માટે પોલીસ દ્વારા 44 નિયમો જાહેર કરવામાં આવ્યાં છે, જેનું દરેક આયોજકે ફરિયાદ પાલન કરવાનું રહેશે.
મંજૂરી લેવા 12 નિયમો અને વ્યવસ્થા માટે 32 નિયમો જાહેર
વિગતે વાત કરવામાં આવે તો, નવરાત્રિના આયોજન માટે મંજૂરી લેવા 12 નિયમો અને વ્યવસ્થા માટે 32 નિયમો નિર્ધારિત કરવામાં આવ્યાં છે. શહેરમાં નાગરિકોની સુરક્ષા અને શાંતિ સાથે ટ્રાફિક વ્યવસ્થા ના ખોરવાય તે માટે આ નિમયોનું પાલન કરવા માટે દરેકને આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં અનેક જગ્યાએ આ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેથી દરેકને નિયમ પ્રમાણે જ આયોજન કરવું પડશે.
નોઈઝ પોલ્યુશનના નિયમો પણ પાલન કરવાનું પડશે
નિયમોની વાત કરી તો, રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર, માઇક સિસ્ટમ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. નોઈઝ પોલ્યુશનના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ સાથે સાયલન્ટ ઝોન જેવા કે કોર્ટ, શાળા અને હોસ્પિટલની આસપાસ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે. નહીં. સોસાયટી અને શેરી ગરબા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ પાસેથી લાઉડ સ્પીકરની મંજૂરી લેવાની રહેશે.
મહિલાઓની સુરક્ષાને વધારે પ્રાધાન્ય આપવા આદેશ
જ્યાં પણ ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યા આવતા દરેક લોકોના ઓળખ પુરાવા મેળવવા માટે મહિલાઓની સુરક્ષાને વધારે પ્રાધાન્ય આપવામાં આવવું જોઈએ. આ દરમિયાન પોલીસની ‘શી ટીમ’ સાથે સતત સંકલન કરવાનું રહેશે. ખાસ કરીને પાર્કિગ અને ટ્રાફિક માટે પણ નિયમોનું પાલન કરવું પડશે. ગરબાના સ્થળની બંને બાજુ 200 મીટર સુધી ટ્રાફિક જામ ના થાય તેની જવાબદારી જે તે આયોજકોની રહેશે. આ સાથે ગરબાના સ્થળે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અને સીસીટીવી પણ લગાવવાના રહેશે.
ગરબામાં કોઈ ડ્રગ્સ કે કેફી દ્રવ્યો સાથે ના આવે તે માટે પણ ખાસ નિયમો બનાવવામાં આવ્યાં છે. આના માટે બ્રેથ એનેલાઈઝર, ડોરફ્રેમ અને હેન્ડ મેટલ ડિટેક્ટર રાખવા પડશે. જો કોઈ આવું વ્યક્તિ પ્રવેશ કરે તો સત્વરે પોલીસને જાણ કરવાની રહેશે. પોલીસ દ્વારા આ વખતે લોકો સુરક્ષિત અને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.