Tue Apr 28 2026

Logo

અમદાવાદ મનપા ચૂંટણી: ખાડિયામાં ભાજપનો 'ગઢ' તૂટ્યો, 70 વર્ષમાં પહેલી વખત કોંગ્રેસની પેનલ જીતી

2026-04-28 18:00:56
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. મહાનગર અમદાવાદમાં આવેલા ખાડિયા વિસ્તારમાં અત્યાર સુધી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની જીત નક્કી હતી. આ વખતે પહેલીવાર કોંગ્રેસના ઉમેદવારોએ પ્રજાનું સમર્થન મેળવવામાં ખરી સફળતા પ્રાપ્ત કરી છે.
ભાજપ માટે વર્ષોથી જૂનો ગઢ ગણાતા વિસ્તારમાં કોંગ્રેસે ગાબડું પાડીને સૌને ચોંકાવ્યા છે. ખાડિયાના પરિણામ સામે આવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પ્રજાને પણ પરિણામ જોઈને આશ્ચર્ય થયું હતું. ભાજપની સ્થાપના બાદ પહેલીવાર એવું બન્યું કે ભાજપના તમામ ઉમેદવારો હારી ગયા છે. લગભગ 70 વર્ષ પછી પહેલી વખત કોંગ્રેસની પેનલ જીતી છે.

કોંગ્રેસની પેનલ પર પ્રજાના આશીર્વાદ

ખાડિયાના નાગરિકોએ કોંગ્રેસની સમગ્ર પેનલ પર આશીર્વાદ વરસાવ્યા છે અને ભવ્ય વિજય અપાવ્યો છે. મીના નાયક, બીરજુબેન ઠક્કર, ધ્રુવ કલાપી, મોહમ્મદ ઈલિયાસ પઠાણ એમ ચારેય ઉમેદવાર જીતી ગયા છે. જોકે, અહીંયા ભાજપનો આત્મવિશ્વાસ ખાડિયા પર ખોટો પડ્યો છે. આ પાછળનું કારણ પણ સમજવા જેવું છે. 

નિષ્ણાંતોના મતે, ખાડિયા વિસ્તારમાં વધી રહેલા આડેધડ કર્મશિયલ બાંધકામો સામે સ્થાનિકોનો વિરોધ હતો. 'ખાડિયા બચાવો' આંદોલન શરૂ થયું હતું. ખાડિયા વિસ્તારમાં સ્થિતિ કંટ્રોલ કરવા માટે ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના મોટાકદના નેતાઓને ઊતાર્યા હતા. નાગરિકોને મનાવવા માટે મહામથામણ કરવી પડી હતી પણ ખાડિયાના નાગરિકો સહમત ન થતા ભાજપને ફટકો પડ્યો. કોંગ્રેસને સફળતા મળી છે.

વોંટબેંક પાછળનું ગણિત ખોટું પડ્યું

અમદાવાદની પોળ જે જાણીતી છે એ વિસ્તાર ખાડિયા છે જ્યાં ઉત્તરાયણમાં ધાબાનું ભાડું હજારો રૂપિયા સુધી પહોંચે છે. આવા વિસ્તારમાં કર્મશિયલ બાંધકામોનો લોકોએ વિરોધ કર્યો હતો. આ પાછળનું કારણ એ હતું કે પોળની અસલી ઓળખ વિસરાઈ જાય એમ હતું.પરિવાર મોટા થતા અને સમસ્યાઓ વધતા ખાડિયામાં રહેતા અમદાવાદીઓ અહીંયાથી સ્થળાંતર કરીને બીજે રહેવા માટે જતા રહ્યા. ભાજપ આમને પોતાની નિશ્ચિત અને નક્કી વોટબેંક માનતો હતો. 

આ વખતે આ ગણતરી ખોટી પડી. SIRની પ્રક્રિયા બાદ આ જ વિસ્તારમાંથી 25 હજાર મતદાતાઓના નામ ઘટી ગયા. ભાજપની હાર પાછળ એમની જ SIRની પ્રક્રિયા કારણભૂત બની રહી. બીજી તરફ પાયાની કેટલીક સુવિધાઓનો પ્રશ્ન વર્ષો સુધી યથાવત રહ્યો. જનસંઘ વખતે પણ લોકજાગૃતિના કાર્યક્રમોની શરૂઆત ખાડિયાથી થઈ હતી. હવે ખાડિયામાં પહેલીવાર કોંગ્રેસને સફળતા મળી છે. હવે આ ખાડિયાની વાત ભાજપને ખટકશે