અમદાવાદઃ શહેરમાં મોટી સંખ્યામાં લોકો ટેકસી-રીક્ષાનો ઉપયોગ કરે છે. જોકે અમદાવાદમાં આ પખવાડિયા 4 દિવસ માટે ટેક્સી-રીક્ષા સંપૂર્ણ બંધ રહેશે. સરકાર સામે યુનિયનોએ મોરચો માંડ્યો છે.
કયા 4 દિવસ માટે ટેકસી-રીક્ષા સંપૂર્ણ રહેશ બંધ
મળતી વિગત પ્રમાણે, ઓલા, ઉબર, રેપિડો અને ભારત ટેક્સી જેવી ઓનલાઇન એપ સામે સ્થાનિક વાહનચાલકોએ મોરચો માંડ્યો છે. સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અમદાવાદના ટેક્સી-રીક્ષા યુનિયનોએ આગામી 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન 4 દિવસની સંપૂર્ણ હડતાળની જાહેરાત કરી છે.
ટેક્સી-રીક્ષા યુનિયનોએ શું કરી માંગ
ટેક્સી-રીક્ષા યુનિયનોએ ખાનગી ટુ-વ્હીલર બાઇકોને પેસેન્જર સેવામાં જોડીને રિક્ષાચાલકોની રોજીરોટી છીનવાઈ રહી છે, જેને તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ ઉપરાંત કંપનીઓ સરકારી મીટરના નિયમોને બદલે પોતાની રીતે ઓછા અને અનિયંત્રિત ભાડાં નક્કી કરીને ચાલકોનું શોષણ કરે છે. તમામ એપમાં સરકારી નિયમ મુજબનું સત્તાવાર ભાડું લાગુ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.
યુનિયનોએ 27 ઓગસ્ટે ગાંધીનગરમાં ટ્રાન્સપોર્ટ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને વાહનો પાછળ વિરોધ દર્શાવતા પોસ્ટરો પણ લગાવ્યા હતા. તેમ છતાં તંત્ર તરફથી કોઈ પગલાં ન લેવાતા આખરે ચાર દિવસના ચક્કાજામનો નિર્ણય લેવાયો હતો.
હડતાળ દરમિયાન અમદાવાદમાં અંદાજે 3 લાખ રીક્ષાઓ અને 50 હજાર ટેક્સીઓ રસ્તા પર નહીં દોડે. ખાસ બાબત એ છે કે હૉસ્પિટલ કે ઇમરજન્સી સંજોગોમાં પણ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ કારણે રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રોજિંદા નોકરિયાતોને મોટી હાલાકી ભોગવવી પડશે.
જો આ ચાર દિવસમાં સરકાર કોઈ નિર્ણય નહીં લે, તો આંદોલનને આખા રાજ્યમાં લંબાવીને અચોક્કસ મુદતની હડતાળ પાડવાની યુનિયનોએ ચીમકી આપવામાં આવી હતી.