અમદાવાદઃ લારીઓ પરનું ફૂડ હવે શોખ નહીં પણ જરૂરિયાત બની ગયું છે. વિદ્યાર્થીઓ, નોકરિયાતો સવાર સાંજ લારીઓનું ફૂડ જ ખાતા હોય છે અને એક મોટો વર્ગ શોખ ખાતર લારીઓ આસપાસ ઘેરાયેલો રહે છે, પરંતુ લારી પરનું કે બહારનું ખાવાનું હાઈજેનિક અને આરોગ્યપ્રદ ન હોવાનું અવારનવાર જણાય છે. આ માટે ગુજરાત માહિતી આયોગે અમદાવાદ મનપાને નિર્દેશ આપ્યા હતા. હવે મનપાએ ક્યૂ આર કોડ દ્વારા નાગરિકોને ફૂડની ક્વોલિટી અને વેન્ડરના રજિસ્ટ્રેશનની માહિતી આપતી સુવિધા વિકસાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગયા વર્ષે ફાઈલ કરવામાં આવેલી એક આરટીઆઈ અરજી બાદ હૉસ્પિટલ, હેલ્પલાઈન અને પબ્લિક હેલ્થ સર્વિસમાં પારદર્શકતા માટે બધાને આવરી લેતી આ સુવિધા વિશે વિચારવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મનપાએ એક ડિજિટલ સિસ્ટમ શરૂ કરી છે જેમાં દરેક ફૂડવેન્ડરે મનપા દ્વારા જારી કરાયેલ ક્યૂઆર કોડ સ્કેન કરવો જરૂરી છે જે તેમના ચોક્કસ જીપીએસ લોકેશનને ટ્રેસ કરે છે. ત્યારબાદ, વિક્રેતા તેમના નામ, મોબાઇલ નંબર, વ્યવસાયનું નામ, સરનામું અને વોર્ડની વિગતો સાથે એક સરળ ઓનલાઈન ફોર્મ ભરીને પ્રક્રિયા પૂર્ણ કરે છે.
સબમિશન પર, સિસ્ટમ એક સ્પેશિયલ ક્યૂઆર કોડ ધરાવતું પીડીએફ સર્ટિફિકેટ જનરેટ કરશે. વેન્ડરે તેને લોકોને દેખાય તે રીતે ડિસ્પ્લે કરવાનું હોય છે. આ કોડ્સ સ્કેન કરતા નાગરિકો ફૂડ સ્ટોલ્સની સ્વચ્છતા અને સલામતીના આધારે તાત્કાલિક પ્રતિસાદ અથવા સ્વચ્છતા રેટિંગ સબમિટ કરી શકે છે. મનપાના જણાવ્યા મુજબ, શહેરના 8,700 થી વધુ સ્ટ્રીટ ફૂડ વેન્ડર દ્વારા સિસ્ટમ પર નોંધણી કરાવી છે. ગુજરાત માહિતી આયોગના તારણો અનુસાર, મનપાએ પહેલાથી જ લગભગ 7,200 સ્ટ્રીટ ફૂડ કાર્ટ પર ક્યૂઆર-કોડ સ્ટીકરો લગાવી દીધા છે, જેમાં લગભગ 1,700 પાણીપુરી વેન્ડર્સનો સમાવેશ થાય છે.
AI Generated Images