Fri Jul 24 2026

Logo

અમદાવાદ એરપોર્ટની નજીકમાં માંસ-મચ્છીના વેચાણ પર પ્રતિબંધ, કારણ જાણીને ચોંકી જશો

2026-05-08 08:37:00
Author: Mayur Patel
Article Image

AI Image


 

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર બર્ડ હિટનો ખતરો ટાળવા મોટો નિર્ણય લેવાયો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરતા અને ટેક-ઓફ કરતા વિમાનો સાથે બર્ડ હિટની સંભાવનાને રોકવા માટે એરપોર્ટ એન્વાયરમેન્ટ કમિટીએ આપેલા આદેશ બાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અસારવા વોર્ડના ચમનપુરા ફિશ માર્કેટ અને હોળી ચકલા વિસ્તારમાં માંસાહારી ખોરાક અને માછલીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન દ્વારા આ સ્થળો પર પ્રતિબંધના બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા. આ નિયમનું કડક અમલીકરણ ટૂંક સમયમાં શરૂ થશે અને ઉલ્લંઘન કરનારાઓ સામે ફરિયાદ નોંધવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અસારવામાં  માછલી બજારને કારણે પક્ષીઓ આકર્ષાતા હતા, જેનાથી બર્ડ-હિટનું જોખમ વધી ગયું હતું. વ

12 જૂન, 2025ના રોજ થયેલી AI 171 વિમાન દુર્ઘટના બાદ, આવા જોખમો ઘટાડવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. અગાઉ, એરપોર્ટ નજીકનું માર્કેટ જોખમી હોવાથી અસારવામાં યોગ્ય સુવિધા ઊભી કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. પરંતુ અહીં પણ કામચલાઉ માર્કેટ જ બન્યું, અને ત્યારબાદ મકરબામાં બજાર બનાવવાનું આયોજન કરાયું હતું. જોકે, મકરબામાં પ્લોટ ફાળવવાનો નિર્ણય છેલ્લા ત્રણ વર્ષથી લેવાયો નથી. 6 ઓક્ટોબર, 2022ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં AMC અને ગુજરાત ફિશરીઝ સેન્ટ્રલ કો-ઓપરેટિવ એસોસિએશન લિમિટેડ   વચ્ચે પ્લોટની અદલાબદલીનો પ્રસ્તાવ રજૂ થયો હતો, પરંતુ તેને મંજૂરી મળી ન હતી.

સૂત્રોએ જણાવ્યું  કે, એરપોર્ટ એન્વાયરમેન્ટ કમિટીના આદેશને પગલે, અસારવા વોર્ડના ચમનપુરા ફિશ માર્કેટ અને હોળી ચકલા વિસ્તારમાં (સિવિલ હોસ્પિટલથી જૂના ધારાસભ્ય ક્વાર્ટર સુધી) માંસાહારી ખોરાકના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ અંગેના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં અમલીકરણની કાર્યવાહી કરવામાં આવશે.