નવી દિલ્હી/અમદાવાદ: ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદમાં સર્જાયેલી દેશની સૌથી ગોઝારી વિમાન દુર્ઘટનાઓ પૈકીની એક એવી 'એર ઈન્ડિયા AI-171' વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. વિમાન ઉત્પાદક કંપની બોઇંગ અને ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ દ્વારા આજે આ દુર્ઘટના અંગે મહત્વના નિવેદનો આપવામાં આવ્યા હતા. ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાન ટેક-ઓફ કર્યાના થોડી જ વારમાં શહેરના મેઘાણીનગરમાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને સ્થળ પરના હાજર લોકો સહિત કુલ 260 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે માત્ર એક જ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. બોઇંગ 787 ડ્રીમલાઈનર વિમાને તેની વ્યાપારી સેવા શરૂ કરી ત્યારથી અત્યાર સુધીની આ તેની પ્રથમ જીવલેણ દુર્ઘટના હતી.
આ કરુણ ઘટનાની પ્રથમ વરસી પર શોક વ્યક્ત કરતા બોઇંગ કંપનીએ જણાવ્યું છે કે, "ફ્લાઇટ 171માં જીવ ગુમાવનારા તમામ નાગરિકોના પરિવારો, તેમના સ્નેહીજનો, એર ઇન્ડિયા અને આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા દરેક વ્યક્તિ પ્રત્યે અમારી ઊંડી સંવેદનાઓ છે." આ સાથે જ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા આ મામલે ચલાવવામાં આવી રહેલી તપાસમાં તેઓ સતત પોતાનો સહયોગ આપી રહ્યા છે.
બીજી તરફ, ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ પણ એક અલગ નિવેદન જારી કરીને પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, "આજે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના દુઃખદ અકસ્માતને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે અમે અત્યંત દુઃખ સાથે જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને યાદ કરીએ છીએ અને તેમના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ." આ સાથે જ તેમણે દેશવાસીઓને ખાતરી આપી હતી કે આ અકસ્માત પાછળના કારણો શોધવા માટે સ્થાપિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રક્રિયાઓ અનુસાર અત્યંત ચોકસાઈ અને વ્યાવસાયિકતા સાથે તપાસ આગળ વધી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં જેઓએ તેમના સ્વજનો ગુમાવ્યા, જે લોકો રાહત અને બચાવ કામગીરીમાં હતા તે લોકો આ ઘટનાને કેમેય કરીને ભૂલી શકે તેમ નથી. આ દુર્ઘટનાને યાદ કરતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે એક અકલ્પનીય પરિસ્થિતિ વચ્ચે અમદાવાદે તબીબી જરૂરિયાતોનું ઝડપથી સંકલન કર્યું અને ટ્રોમા ટીમોને એકત્ર કરી તેમજ ઘણી બધી બાબતો એવી છે કે જેણે આ દુર્ઘટના સમયે તેની સૌથી મોટી કટોકટી પ્રતિભાવોમાંથી એક સ્થાપિત કરી બતાવી હતી. દુર્ઘટનામાં ઘણા મૃતદેહો ઓળખી ન શકાય તેવા બળી ગયા હોવાથી અધિકારીઓએ મૃતકોની ઓળખ કરવાનો એકમાત્ર વિશ્વસનીય માર્ગ તરીકે ડીએનએ મેચિંગ તરફ ઝડપથી વળ્યા અને ફોરેન્સિક ટીમો અન્ય નિષ્ણાતોએ સાથે મળીને ચોવીસ કલાક સુધી કામ કરી રહ્યા હતા. એ સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું કેમ્પસ લોકો, એનજીઓ અને સ્વયંસેવકોથી ઉભરાઈ ગયું હતું અને આ બધા મળીને શોકગ્રસ્ત પરિવારોને મદદ કરી રહ્યા હતા.