Thu Aug 20 2026

Logo

પાકિસ્તાનનો નકશો બદલી નાખીશું: અફઘાનના મંત્રીની ઈસ્લામાબાદને ખુલ્લી ચેતવણી...

kabul   2026-02-27 21:42:18
Author: Tejas
Article Image

કાબૂલ/ઈસ્લામાબાદઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે  છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તંગદિલી હવે યુદ્ધમાં ફેરવાતી જઈ રહી છે. બંને દેશો વચ્ચે સરહદ પર લોહિયાળ સંઘર્ષ તેજ થયો છે ત્યારે અફઘાનિસ્તાનના ગૃહમંત્રી ખલીફા સિરાજુલ હક્કાનીએ પાકિસ્તાનને આકરી ચેતવણી આપી છે. ખોસ્તમાં આજે શુક્રવારની નમાઝ બાદ જનમેદનીને સંબોધતા હક્કાનીએ સ્પષ્ટ કર્યું કે, અફઘાનિસ્તાનની જનતા પાકિસ્તાન વિરુદ્ધ મેદાનમાં ઉતરવા એકજૂથ છે. આ નિવેદને દક્ષિણ એશિયાના ભૂ-રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.

સિરાજુલ હક્કાનીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જો અફઘાન લડાકુઓ નાટો (NATO) વિરુદ્ધ લડ્યા હતા તેવી રીતે જો માત્ર એક દિવસ માટે પણ પાકિસ્તાન સામે જંગ છેડશે, તો પાકિસ્તાનનો ભૌગોલિક નકશો કાયમ માટે બદલાઈ જશે. 

હક્કાનીએ પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરને સલાહ આપી છે કે તેઓ પોતાના પૂર્વજો અને ઇતિહાસમાંથી પાઠ ભણે. તેણે યાદ અપાવ્યું કે અફઘાનોએ અંગ્રેજો સામે પણ સંઘર્ષ કરીને આઝાદી મેળવી હતી, તેથી પાકિસ્તાને અફઘાનિસ્તાનની તાકાતને ઓછી આંકવી જોઈએ નહીં.

બંને દેશો વચ્ચેનો સંઘર્ષ માત્ર નિવેદનો પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ જમીની સ્તરે હિંસા વધી છે. પાકિસ્તાને ગત રાત્રે કાબૂલ અને કંધહાર જેવા અફઘાનિસ્તાનના મુખ્ય શહેરો પર હવાઈ હુમલા કર્યા હતા, જેના જવાબમાં અફઘાન સેનાએ પાકિસ્તાની સરહદ પર ભારે ગોળીબાર અને વળતા હુમલા તેજ કર્યા છે. અત્યારે સ્થિતિ એવી છે કે બંને દેશો એકબીજાના સૈન્ય ઠેકાણાઓ પર મોટા નુકસાનના દાવા કરી રહ્યા છે. આ સંઘર્ષને કારણે સરહદી વિસ્તારોમાં રહેતા સામાન્ય નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

બીજી તરફ, પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આ યુદ્ધ માટે તાલિબાન સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે જણાવ્યું કે નાટો સેનાની વાપસી બાદ પાકિસ્તાનને આશા હતી કે અફઘાનિસ્તાન પ્રાદેશિક સ્થિરતા અને વિકાસ પર ધ્યાન આપશે. 

પાકિસ્તાને વર્ષો સુધી અફઘાન શરણાર્થીઓને આશ્રય આપીને સકારાત્મક ભૂમિકા ભજવી હતી, પરંતુ હવે પાકિસ્તાનની ધીરજ ખૂટી ગઈ છે. ખ્વાજા આસિફના મતે તાલિબાનના વલણને કારણે જ હવે જંગની સ્થિતિનું નિર્માણ થયું છે અને પાકિસ્તાન પોતાની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જશે.