બેલફાસ્ટ/કિંગસ્ટન: 17 વર્ષ પહેલાં વન-ડે ક્રિકેટમાં પ્રવેશ કરનાર અફઘાનિસ્તાન ફરી એક વખત વન-ડેના વર્લ્ડ કપ માટે આસાનીથી કવૉલિફાય (Qualify) થઈ ગયું છે, પરંતુ બે વખત (1975 અને 1979માં) વર્લ્ડ ચેમ્પિયન બનેલા વેસ્ટ ઈન્ડિઝ (West Indies)એ સતત ત્રીજી વખત આ ફૉર્મેટના વિશ્વ કપમાં પ્રવેશવા માટે ક્વૉલિફાય થવું જ પડશે.
2019માં વેસ્ટ ઈન્ડિઝે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં રમ્યા પછી વર્લ્ડ કપના મુખ્ય ડ્રોમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ 2023ના વિશ્વ કપમાં એણે ક્વૉલિફાય થવા માટે સુપર સિક્સ રાઉન્ડમાં રમવું પડ્યું હતું જેમાં એ પાંચમા નંબરે આવતાં પછીથી એ વર્લ્ડ કપમાં રમી જ નહોતું શક્યું. કૅરિબિયનોએ આ વખતે (2027ના વર્લ્ડ કપ માટે) ફરી ક્વૉલિફિકેશન રાઉન્ડના ટોચના ક્રમાંકોમાં આવવું જ પડશે, નહીં તો ચાર વર્ષ પહેલાં એણે જે આઘાત સહન કરવો પડ્યો હતો એવો આ વખતે પણ સહેવો પડશે.
વેસ્ટ ઈન્ડિઝે શા માટે ક્વૉલિફાય થવું પડશે?
આગામી 30મી સપ્ટેમ્બરના રોજ આઈસીસી દ્વારા જાહેર થનારા વન-ડેના રૅન્કિંગમાં ટોચના આઠ સ્થાને જે ટીમ હશે એને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે. એ ઉપરાંત વિશ્વ કપના મુખ્ય બે યજમાન દેશ સાઉથ આફ્રિકા તથા ઝિમ્બાબ્વેને પણ સીધી એન્ટ્રી મળશે. હાલમાં વેસ્ટ ઇન્ડીઝ રૅન્કિંગમાં 10મા સ્થાને છે. 30મી સપ્ટેમ્બરની કટ-ઑફ ડેટ પહેલાં એણે (ભારત સામે) બે વન-ડે રમવાની બાકી છે. જોકે એ બંને મૅચ જીતીને પણ વેસ્ટ ઈન્ડિઝને વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી નહીં મળે. એણે આગામી ફેબ્રુઆરીમાં યોજાનારા ક્વૉલિફાઈંગ રાઉન્ડમાં રમીને જ પ્રવેશ મેળવવો પડશે.
અફઘાનિસ્તાનની સ્થિતિ શું છે?
સોમવારે બેલફાસ્ટમાં આયરલૅન્ડ (46.3 ઓવરમાં 10/206)ને વન-ડેના રોમાંચક મુકાબલામાં અફઘાનિસ્તાને (44.5 ઓવરમાં 7/207) ત્રણ વિકેટે હરાવીને વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મેળવી લીધી છે. સીધો પ્રવેશ મેળવનારા અન્ય દેશોમાં 2023ના ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂ ઝીલૅન્ડ અને શ્રીલંકાનો સમાવેશ છે. યજમાન દેશ સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ અત્યારથી મળી ચૂક્યો છે, જ્યારે ત્રીજા યજમાન નામિબિયાએ ક્વૉલિફાય થવું પડશે.