ભાર્ગવ ઠાકર
આઠમી સદીનો એ કાલખંડ ભારતવર્ષની સાંસ્કૃતિક ચેતના માટે એક સંધિકાળ હતો. જ્યારે આધ્યાત્મિક આકાશ જટિલ કર્મકાંડોના ધુમ્મસથી ઘેરાયેલું હતું અને તર્કની છીણીથી સત્યના ટુકડા થઈ રહ્યા હતા, ત્યારે કેરળના કાલડી ગામમાં પૂર્ણા નદીના સાંનિધ્યમાં એક બાલસૂર્યનો ઉદય થયો. શિવગુરુ અને આર્યામ્બાના તપના ફળ સ્વરૂપ જન્મેલા શંકરનું વ્યક્તિત્વ સ્વયં શિવનું વાઙમય સ્વરૂપ હતું. માત્ર આઠ વર્ષની કુમળી વયે અગમ-નિગમના ગૂઢ રહસ્યોને આત્મસાત કરનાર આ બાળકના હૃદયમાં સંસારની ક્ષણભંગુરતા પ્રત્યેનો તીવ્ર વૈરાગ્ય લહેરાતો હતો.
પૂર્ણા નદીના શીતળ જળમાં સ્નાન કરતી વખતે એક મગરે શંકરનો પગ પકડી લીધો, ત્યારે તે માત્ર એક અકસ્માત નહોતો પરંતુ એક દાર્શનિક સંકેત હતો કે જ્યારે મનુષ્ય સંસારના મોહમાં ડૂબેલો હોય છે, ત્યારે કાળ તેને ગમે ત્યારે ગ્રસી લે છે. મૃત્યુને અત્યંત નિકટ જોઈને શંકરે તેમની માતા આર્યામ્બા પાસે ‘આતુર સંન્યાસ’ ગ્રહણ કરવાની માંગણી કરી. હૃદય પર પથ્થર મૂકીને માતાએ સંમતિ આપી, અને ચમત્કારિક રીતે મગરે તેમનો પગ છોડી દીધો અને નદીમાં અદૃશ્ય થઈ ગયો.
નદીની બહાર આવીને શંકરે ઘોષણા કરી કે હવે તેઓ માત્ર એક માતાના નહીં, પરંતુ સમગ્ર વિશ્વના પુત્ર છે અને તેમનો દેહ પરબ્રહ્મની સેવા માટે અર્પણ થઈ ચૂક્યો છે. એ દિવસે બાલક શંકરનું મૃત્યુ થયું અને યતિ શંકરનો જન્મ થયો જેને વિશ્વ આદિ શંકરાચાર્ય તરીકે જાણે છે. જ્યારે જૂના વ્યક્તિત્વનું મૃત્યુ થાય ત્યારે જ નવા દિવ્ય વ્યક્તિત્વનો જન્મ થાય છે.
ગુરુની શોધમાં નર્મદા તટે પહોંચીને જ્યારે તેઓ પરમગુરુ ગોવિંદ ભગવતપાદને મળ્યા, ત્યારે ગુરુના પ્રશ્ન ‘કોટહમ્? તું કોણ છે?’ના ઉત્તરમાં આદિશંકરાચાર્યના મુખેથી જે કાવ્યધારા વહી, તે ‘નિર્વાણાષ્ટકમ’ આજે પણ જ્ઞાનમાર્ગી સાહિત્યનું શિખર છે.
ન મૃત્યુર્ન શંકા ન મે જાતિભેદ:, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મે
ન બન્ધુર્ન મિત્રં ગુરુર્નૈવ શિષ્ય:, ચિદાનન્દરૂપ: શિવોઽહમ્ શિવોઽહમ
‘મને મૃત્યુનો ભય નથી, કે નથી જાતિના કોઈ ભેદ. મારે કોઈ પિતા નથી, નથી કોઈ માતા કે નથી મારો જન્મ. હું કોઈનો બંધુ નથી, નથી કોઈનો મિત્ર, નથી ગુરુ કે નથી શિષ્ય. હું તો માત્ર ચૈતન્ય અને આનંદસ્વરૂપ શિવ છું.’
ભારતના ચાર ખૂણે ચાર જ્યોતિર્મય મઠોની સ્થાપના કરનાર શંકરાચાર્યના જીવનમાં અનેક વિલક્ષણ પ્રસંગો આવ્યા. આદિ શંકરાચાર્ય કાશીના મણિકર્ણિકા ઘાટ પર ગંગા સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની સામે ચાર કૂતરાઓ સાથે એક ચાંડાલ (અંત્યજ) આવ્યો. શારીરિક શુદ્ધતા અને સામાજિક માન્યતાને કારણે શંકરાચાર્યે ચાંડાલને પોતાના રસ્તામાંથી ખસી જવા કહ્યું.
ત્યારે ચાંડાલ રૂપે આવેલા ભગવાન શિવે પૂછ્યું: ‘તમે કોને ખસી જવા કહો છો? શરીરને કે આત્માને? તમારું અને મારું બંને શરીર પાંચ મહાભૂતોથી બન્યું છે અને જો આત્માની વાત હોય, તો એ તો સર્વત્ર સમાન અને શુદ્ધ છે.’ આ ગહન જ્ઞાન સાંભળીને શંકરાચાર્ય સ્તબ્ધ થઈ ગયા અને તેમને સમજાઈ ગયું કે આ ચાંડાલ સાક્ષાત્ ભગવાન શિવ છે અને ચાર કૂતરાઓ ચારેય વેદના છે. આ અનુભવ પછી શંકરાચાર્યે પાંચ શ્ર્લોકો રચ્યા જેને ‘મનીષા પંચકમ’ કહે છે.
‘જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓમાં જે ચૈતન્ય નિરંતર સ્ફુર્યા કરે છે, તે જ હું છું. આવી દ્રઢ અનુભૂતિ જેની પાસે છે, તે ચાંડાલ હોય તો પણ મારો ગુરુ છે.’
નિત્યક્રમ અનુસાર એક ગરીબ વિધવાના આંગણેથી ભિક્ષામાં માત્ર એક શુષ્ક આમળું મળતાં, શંકરના હૃદયમાં કરુણાનો અતિરેક થયો અને તેમણે ‘કનકધારા સ્તોત્ર’ રચીને મહાલક્ષ્મીને પ્રાર્થના કરી:
‘હે મા લક્ષ્મી! જે દ્રષ્ટિ ઈન્દ્ર પદ આપવા સમર્થ છે, તે દ્રષ્ટિ દીન અને દરિદ્ર ભક્ત પર પણ વર્ષાવો.’
કાશીની પવિત્ર ગલીઓમાં વ્યાકરણના શુષ્ક સૂત્રો ગોખતા એક વૃદ્ધને જોઈને તેમને પ્રતીતિ થઈ કે માણસ મરણપથારીએ પણ શબ્દોની માયાજાળમાં જ ફસાયેલો રહે છે. આ ઘટનાએ તેમના મુખેથી ‘ભજ ગોવિંદમ’નો આક્રંદ સેરવ્યો:
‘દિવસ અને રાત, સાંજ અને સવાર, શિયાળો અને વસંત આ બધું જ વારંવાર આવ્યા કરે છે. સમય પોતાની રમત રમે છે અને આયુષ્ય ક્ષીણ થતું જાય છે, છતાં મનુષ્યની આશાનો વાયુ હજુ શમતો નથી.’
આ મહાન સન્યાસીની વિદ્વત્તા ત્યારે વામણી સાબિત થઈ જ્યારે તેઓ પોતાની મરણાસન્ન માતા પાસે પહોંચ્યા. વચનબદ્ધ શંકરે સંન્યાસના કઠોર નિયમો તોડીને પોતાની યોગશક્તિથી જમણા હાથમાં અગ્નિ પ્રગટાવી માતાને મુખાગ્નિ આપ્યો. આ સમયે રચાયેલું ‘માતૃપંચકમ’નું ગાનથી આજે પણ હૃદય દ્રવી ઉઠે છે:
‘હે માં! તારા મરણ સમયે હું તને અંજલિનું જળ પણ ન આપી શક્યો, ન મેં શાસ્ત્રોક્ત વિધિથી તારું શ્રાદ્ધ કર્યું. તારી મુક્તિ માટે ન મેં કોઈ મંત્ર જપ્યા, ન કોઈ યજ્ઞમાં આહુતિ આપી. હે જનની! તારા આ સંન્યાસી પુત્રના સર્વ અપરાધોને ક્ષમા કર અને હવે પછી મને તારી કૂખે જન્મ લેવો ન પડે (એટલે કે મને મુક્તિ મળે) તેવી કૃપા કર.’
આ પંક્તિઓમાં જગદગુરુ પોતાની માતા સામે એક અસહાય અને પશ્ર્ચાતાપ કરતા બાળક બનીને ઊભા છે.
શંકરાચાર્યની ભક્તિ એ શુષ્ક જ્ઞાનની વિરુદ્ધનો વિદ્રોહ છે. ‘શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર’ દ્વારા તેમણે પોતાના અહંકારને ઓગાળીને ઈશ્વર સમક્ષ સંપૂર્ણ સમર્પણ કર્યું:
કરચરણ કૃતં વાક્કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વાપરાધમ્ વિહિતમવિહિતં વા સર્વમેતત્ક્ષમસ્વ જયજય કરુણાબ્ધે શ્રીમહાદેવ શમ્ભો
‘હે મહાદેવ! મારા હાથ, પગ, વાણી કે શરીર દ્વારા, આંખ કે કાન દ્વારા અથવા મન દ્વારા જે કંઈ અપરાધ થયા હોય, તે સર્વને આપની ક્ષમાના સાગરમાં વિસર્જિત કરી દો.’
માત્ર 32વર્ષના અલ્પકાળમાં પોતાનું કાર્ય પૂર્ણ કરી, કેદારનાથના બરફીલા શિખરોમાં અદૃશ્ય થતા પહેલા તેઓ મનુષ્યજાતિ માટે એક અભેદ સત્ય મૂકી ગયા ‘બ્રહ્મ સત્યં જગત મિથ્યા, જીવો બ્રહ્મૈવ નાપર:’ (બ્રહ્મ સત્ય છે, જગત ભ્રમ છે અને જીવ એ બીજું કંઈ નહીં પણ બ્રહ્મ જ છે).
તેમનો અંતિમ સંદેશ અત્યંત લાગણીસભર અને ગૂઢ છે: જીવનના અંતિમ શ્વાસ સુધી જ્ઞાનની શોધ ચાલુ રાખવી, પણ હૃદયમાં ભક્તિનો દીવો અખંડ બળતો રાખવો. જે દિવસે મનુષ્ય પોતાના ભીતરના ‘શિવ’ને ઓળખી લેશે, તે જ દિવસે શંકરાચાર્યનો આ આધ્યાત્મિક પરિશ્રમ સાર્થક થશે અને તેમનો ‘શિવોઽહમ્’નો નાદ અનંતકાળ સુધી ગુંજતો રહેશે.