Tue May 26 2026

Logo

જખૌના સાગરકાંઠેથી કતરના જહાજનું આધુનિક સેટેલાઇટ ટ્રાન્સપોન્ડર અને લખપતમાંથી ચરસનાં ૧૧ પેકેટ મળ્યાં

2026-05-26 15:35:00
Author: mumbai samachar team
Article Image

ભુજ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગામી કચ્છ મુલાકાત પૂર્વે સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ડ્રોનના પાંખિયા અને માદક પદાર્થો મળવાના સિલસિલા વચ્ચે અબડાસા તાલુકાના સાગરકાંઠે આવેલા જખથડા લેન્ડિંગ પોઇન્ટ પરથી એક શંકાસ્પદ સેટેલાઇટ બેઝ ટ્રાન્સપોન્ડર એટલે કે, ઉપગ્રહ આધારિત સંદેશાવ્યવહાર યંત્ર મળી આવ્યું છે. જખૌ પોલીસ, સ્ટેટ આઈ.બી., એસ.ઓ.જી. ભુજ અને એલ.આઈ.બી.ની સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ ટીમ દ્વારા સૈયદ સુલેમાનપીર ટાપુ નજીકથી આ આધુનિક ઉપકરણ શોધી કઢાયું હતું.

પ્રાથમિક તપાસ અનુસાર, આ પીળા રંગના ટ્રાન્સપોન્ડર પર અંગ્રેજીમાં "VESSEL NAME - OSHAIRIJ" (જહાજનું નામ - ઓશાયરીજ), "COUNTRY NAME - QATAR" (દેશનું નામ - કતર) અને "TYPE - C/S CLASS2 WATER ACTIVATION" (ઇમરજન્સી સિગ્નલ પ્રકાર) જેવી વિગતો અંકિત થયેલી છે. સામાન્ય રીતે આ પ્રકારના ઉપકરણોનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય જહાજોમાં દરિયાની વચ્ચે વાવાઝોડું, અકસ્માત કે કટોકટીની સ્થિતિમાં લોકેશન ટ્રેસ કરીને મદદ મેળવવા માટે થાય છે. પોલીસના મતે, આ ટ્રાન્સપોન્ડર કતરના કોઈ ક્ષતિગ્રસ્ત જહાજમાંથી છૂટું પડીને તણાઈ આવ્યું હોઈ શકે છે, જે અંગે વધુ ટેકનિકલ તપાસ હાથ ધરાઈ છે.

બીજી તરફ, પશ્ચિમ કચ્છના લખપત તાલુકાના સથવારા બેટ પરથી સીમા સુરક્ષા દળની પેટ્રોલિંગ પાર્ટીને સર્ચ ઓપરેશન દરમિયાન બિનવારસુ હાલતમાં પડેલા ચરસના વધુ ૧૧ પેકેટો મળી આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સરહદે દરિયાઈ મોજાંઓ સાથે તણાઈ આવેલા માદક પદાર્થના આ જથ્થાને નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. ગૃહમંત્રીના આગમન પૂર્વે સંવેદનશીલ ક્રીક અને ટાપુ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવાઈ છે. 

(ઉત્સવ વૈદ્ય)