જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં સાવજના આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર 50 પગથિયેથી 12 વર્ષીય છોકરાને સિંહ ઉપાડી ગયો હતો. જંગલમાંથી બાળકનાં હાડકાં મળ્યા હતા. વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગત પ્રમાણે, બાળક તેના પરિવારજનો સાથે ગિરનારના પગથિયા ચડતો હતો. માંડ 50 પગથિયા ચડયા ત્યાં એક સિંહે આવીને તરાપ મારીને બાળકને પકડી લીધો હતો. પરિવારજનો કંઈ સમજે તે પહેલા સિંહ જંગલમાં નાસી ગયો હતો. નજર સમક્ષ જ વ્હાલસોયાને સિંહે લઈ જતાં પરિવારજનોએ ચીસાચીસ કરી હતી. જે બાદ શોધખોળ કરતાં જંગલમાંથી બાળકના બૂટ, કપડાં અને શરીરના થોડા અવશેષો હાથ લાગ્યા હતા.
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે ગિરનારની મુખ્ય સીડીની આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. યાત્રિકો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે તેમને જટાશંકર નજીકની જૂની સીડીવાળા રસ્તેથી અવરજવર કરવાની સૂચના આપવામાં આવી હતી. વન વિભાગે અલગ-અલગ ટીમો બનાવીને સિંહને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સિંહને વહેલી તકે પાંજરે પૂરવા માટે ઘટનાસ્થળની આસપાસ પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા હતું.
અમરેલીમાં યુવકને ફાડી ખાધો હતો
તાજેતરમાં અમરેલી પાસે પ્રણય ક્રીડામાં મસ્ત સિંહ યુગલને છંછેડતા સિંહે મુસ્લિમ યુવકને ફાડી ખાધો હતો. લીલીયાના અંટાળીયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર નજીક ગેરકાયદેસર સિંહદર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો હતો. પ્રણયક્રિડામાં મસ્ત સિંહ યુગલને છંછેડતા સિંહે યુવકને ફાડી ખાધો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ગઈકાલે વનવિભાગે કાર્યવાહી કરતા ભગત નામના આ સિંહને વન વિભાગે બેભાન કરીને કેદ કર્યો હતો. હવે ભગત સિંહને આજીવન કેદમાં રાખવામાં આવશે.
આ પણ વાંચો : અમરેલી પાસે પ્રણય ક્રીડામાં મસ્ત સિંહ યુગલને છંછેડતા સિંહે મુસ્લિમ યુવકને ફાડી ખાધો
પાલિતાણામાં સિંહે યુવકનો હાથ અડધો કલાક મોંમાં રાખ્યો ને પછી છોડી દીધો
સૌરાષ્ટ્રમાં થોડા દિવસોથી સાવજના માનવી પર હુમલાના કિસ્સા સતત વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા પાલિતાણાના મોટા ગરાજિયા ગામે સિંહે પાછળથી હુમલો કરીને કાળુભાઈ પરમાર નામના માલધારીને પછાડી દીધા. તેના બંને પગ પર સિંહે પોતાના આગલા પગ રાખી દીધા. તેનો ડાબો હાથ પોતાના મોઢામાં પકડી લીધો. જોનારાના જીવ તાળવે ચોંટી ગયા. જોકે માલધારી હિંમત હાર્યો નહોતો અને જીવ બચાવવા સિંહને હાથ ફેરવતો હતો. સિંહણે પગને આંટી મારી ડણક મારી હતી. આ સમયે આસપાસ ઉભેલા લોકો તેને બચાવવા બૂમો પાડતા હતા તેમજ પથ્થરના ઘા માર્યા હતા.અડધો કલાક પછી સિંહ માલધારીને છોડીને ચાલ્યો ગયો હતો.
રાજુલાના કોવાયામાં પરપ્રાંતીય શ્રમિકનો કર્યો શિકાર
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં સિંહે સ્થાનિક રેસ્ટોરન્ટમાં રસોઈયા તરીકે કામ કરતા ઉત્તરાખંડના પરપ્રાંતીય મજૂરને ફાડી ખાધો હતો. આ યુવકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : EXCLUSIVE: અમરેલીમાં સાવજના માનવી પર કેમ વધ્યા હુમલા? જાણો શું છે કારણ
જાણકારો શું કહે છે
જાણકારોના મતે સામાન્ય રીતે સિંહ માણસો પર હુમલો કરતો નથી. ગીરના માલધારી અને સિંહોનું સહઅસ્તિત્વ જાણીતું છે.સિંહ ડણક કરીને આગળ વધે છે. વન્ય પ્રાણીની વસ્તી વધે તો તે જંગલ બહાર જવાની જ. જંગલમાં પ્રાણીઓ વચ્ચે પણ વર્ચસ્વને લઈને સ્પર્ધા હોય છે.સિંહો માનવો સાથે રહેવા ટેવાયેલા છે. પણ તેની કોઈ પજવણી કરે અથવા તો તે બીમાર હોય તો હુમલો કરે છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં સાવજના માનવી પર વધી રહેલા હુમલાને લઈ મુંબઈ સમાચારે ગુજરાતના પૂર્વ વાઇલ્ડ લાઇફ બોર્ડ મેમ્બર રેવતુભા રાયજાદા સાથે વાત કરી હતી.