Fri Apr 24 2026

Logo

ભુજની મુલાકાતે આવેલા ૫૫ વર્ષીય રશિયન નાગરિકની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા, સારવાર દરમિયાન દમ તોડ્યો

2026-04-24 11:40:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ શહેરની એક હોટેલમાં રોકાયેલા રશિયન પ્રવાસીનું નિધન થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી નાગરિકનું મોત કુદરતી હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રશિયાના વતની ૫૫ વર્ષીય એલેકઝેન્ડર વ્લાદીમીર ગ્વરીસ્કીન ભુજની મુલાકાતે આવ્યા હતા અને સ્થાનિક હોટેલમાં રોકાયા હતા. વહેલી સવારે અચાનક તેમની તબિયત લથડતા હોટેલ સ્ટાફ દ્વારા તેમને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ભુજ એ-ડિવિઝન પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એલેકઝેન્ડરનું મોત કુદરતી રીતે થયું હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે.

વિદેશી નાગરિકના મોતના કિસ્સામાં પોલીસે અકસ્માત મોત (એડી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નિયમ મુજબ આ અંગેની જાણ રશિયન એમ્બેસીને કરવામાં આવશે અને ત્યારબાદ તેમના પાર્થિવ દેહને વતનમાં મોકલવા અથવા અંતિમ વિધિ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

(ઉત્સવ વૈદ્ય)