રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક કરુણ દુર્ઘટના સર્જાઇ છે. અહીં બુધવારે વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ઋષિકેશથી ઈન્દોર જઈ રહેલી એક ખાનગી બસ ટ્રેલર સાથે અથડાયા બાદ રોડ કિનારે ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 મુસાફરોના મોત થયા છે, જ્યારે અન્ય 22 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે બસ ચાલકને ઝોકું આવી જવાના કારણે આ મોટો અકસ્માત થયો છે.
આ ઘટના એક્સપ્રેસ-વે પર કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેસ્ટ એરિયા પાસે વહેલી સવારે લગભગ 2:30 વાગ્યે બની હતી. ખાડામાં બસ ખાબકતા જ તેના પાછળના ભાગમાં આગ લાગી હતી અને ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, મોટાભાગના મુસાફરો તે સમયે ગાઢ નિંદ્રામાં હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બસની ઉપરની બર્થ પર સૂતેલા મુસાફરો નીચે પડી ગયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટનાસ્થળે પહોંચી એમ્બ્યુલન્સ અને બચાવ કામગીરીની ટીમ
અકસ્માતની માહિતી મળતા જ કોલવા પોલીસ સ્ટેશનની પોલીસ, એમ્બ્યુલન્સ અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જો કે, મોટાભાગના મુસાફરોને સમયસર સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
ઘાયલોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ
ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક લોકોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અન્ય મેડિકલ સેન્ટરોમાં રિફર કરવામાં આવ્યા હતા. ઘાયલોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા પણ વધારે હોવાનું કહેવાય છે. આ ઘટના દરમિયાન 6 મુસાફરોના મોત આગમાં દાઝી જવાને કારણે થયા છે, જ્યારે 2 મુસાફરોના મોત માથામાં ગંભીર ઈજા થવાને કારણે થયા હોવાના સમાચાર છે.
અકસ્માતની તપાસમાં લાગી પોલીસ
પોલીસે અકસ્માતગ્રસ્ત બસ અને ટ્રેલરને કબજામાં લઈને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેલર સાથે અથડાયા બાદ બસ કાબૂ બહાર ગઈ હતી અને ખાડામાં ખાબકી હોવાની વાત સામે આવી છે. અકસ્માત બાદ એક્સપ્રેસ-વે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.
મુખ્યમંત્રીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
ઘટનાની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અકસ્માત અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને સાથે જ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ ઉપરાંત, તેમણે ઘાયલોને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તે માટેના નિર્દેશો પણ આપ્યા છે.
સ્થળ પર પહોંચ્યા અધિકારી
ઘટનાની જાણ થતા જ એડિશનલ એસપી , ડીવાયએસપી , કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી , સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) અને તહસીલદાર જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા અને અધિકારીઓએ ઘાયલોને વધુ સારી સારવાર આપવા માટેના નિર્દેશ આપ્યા હતા.