અમદાવાદઃ મધ્ય પ્રદેશની રહેવાસી અને ગાંધીનગરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહી બાયોલોજી ભણતી વિદ્યાર્થિનીએ 53 લાખની ચોરી કર્યાનો ટોંકાવનારો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો હતો.
૨૦ વર્ષીય બાયોલોજીની વિદ્યાર્થીનીએ કથિત રીતે પોતાના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માટે ૫૩.૯ લાખ રૂપિયાના દાગીના ચોર્યા હતા. ચોરી કર્યા બાદ ત પોતાન વતન જવા પથિકાશ્રમ બસડેપો ઊભી હતી, ત્યાંથી પોલીસે તેને પકડી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે થોડા જ દિવસોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને ચોરાયેલી બધી મિલકત રિકવર કરી લીધી હતી. ગાંધીનગરના સેક્ટર 4માં 18 જુલાઈના બપોરથી 19 જુલાઈની સવાર દરમિયાન એક ડોક્ટર દંપતીના બંધ ઘરમાં ચોરી થઈ હતી.
જ્યારે પરિવાર પાછો ફર્યો ત્યારે તેમને કબાટ તૂટેલા અને 563 ગ્રામના સોના-ચાંદીના દાગીના ગાયબ જોવા મળ્યા હતા. સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. વિદ્યાર્થિનીની ગતિવિધિ ઘરની બહાર વારંવાર જોવા મળી હતી. ત્યારબાદ પોલીસે તેને ફોટો જાહેર કર્યો હતો અને આસપાસના પીજીમાં તપાસ કરી હતી. અંતે તેને પથિકાશ્રમ બસડેપોથી પકડી લેવામાં આવી હતી.
પોલીસ પૂછપરછમાં યુવતીએ જણાવ્યું હતું કે તે મધ્ય પ્રદેશથી અહીં ભણવા આવી હતી. ભણવા અને અન્ય ખર્ચ માટે તે નોકરી પણ કરતી હતી, પરંતુ તેમાં પૂરું થતું ન હતું. તેણે પોતાની સોનાની રિંગ પણ ગિરવે મૂકી હતી. તે આ ડોક્ટરના ઘર પાસેથી રોજ પસાર થતી અને તેમના રૂટિન પર નજર રાખતી હતી. ચોરીની રાત્રે તે દિવાલ કૂદી તેમના ઘરમાં ગઈ હતી, પરંતુ ડોકટર દંપતી બહાર ગયું હોવાથી ઘર લૉક હતું. તે છુપાઈ રહી હતી અને તેઓ સવારે ઘરે આવ્યા અને થોડીવારમાં કામકાજે ગયા ત્યારે તેણે હાથ સાફ કરી લીધો અને પછી નીકળી ગઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.